Kapil Sharma સાથે કામ કરી ચૂકેલ આ કૉમેડિયને ખાધું ઝેર, સામે આવ્યું આ કારણ

06 January, 2022 05:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કપિલ શર્મા સાથે કામ કરી ચૂકેલા ફેમસ કૉમેડિયન તીર્થાનંદ રાવે (Tirthanand Rao)ઝેર ખાઈને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો છે પણ હાલ તે સ્વસ્થ છે. તેમણે જણાવ્યું કે હાલ તેની પાસે કોઈ કામ નથી અને ન તો તેના પરિવારજનો તેનો સાથ આપી રહ્યા છે.

તસવીર સૌજન્ય juniornanapatekar ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ

જાણીતા કૉમેડિયન તીર્થાનંદ રાવ (Tirthanand Rao)એ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો છે પણ હાલ તે સ્વસ્થ છે. તેમણે જણાવ્યું કે તે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે જેને કારણે તેમણે આટલું મોટું પગલું લીધું. હાલ તેની પાસે કોઈ કામ નથી અને આ સ્થિતિમાં પરિવારવાળા પણ તેનો સાથ નથી આપી રહ્યા. આ કારણે તેણે 27 ડિસેમ્બરના રોજ આપઘાત કરવા જેવું મોટું પગલું ઉઠાવ્યું. જો કે, પાડોશીઓને જેવી આ વિશે માહિતી મળી તે તરત તેને હૉસ્પિટલ લઈ ગયા અને તેને બચાવી લીધો.

કેમ ઉઠાવ્યું આપઘાત જેવું પગલું?
તીર્થાનંદ (Tirthanand Rao)એ સ્વીકાર્યું કે તેણે આપઘાત જેવું પગલું ઉઠાવ્યું હતું. એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીતમાં તીર્થાનંદે કહ્યું, મેં ઝેર ખાધું. હું આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છું અને પરિવારે પણ મને છોડી દીધો છે. હૉસ્પિટલમાં દાખલ હતો તો મા અને ભાઈ મને જોવા સુદ્ધા નથી આવ્યા. એક જ કૉમ્પ્લેક્સમાં રહે છે, પણ ફેમિલીના લોકો મારી સાથે વાત પણ નથી કરતા. હૉસ્પિટલમાંથી પાછો આવ્યા પછી પણ ઘરે એકલો રહું છું. આથી વધારે ખરાબ શું હોઈ શકે છે.

પત્નીએ કર્યા બીજા લગ્ન
તેણે આગળ જણાવ્યું, જેની સાથે મેં લગ્ન કર્યા હતા તે મને છોડીને કોઇક અન્ય સાથે જ ઘર વસાવી લીધું. મારી એક દીકરી છે જેના લગ્ન થઈ ચૂક્યા છે તેની સાથે મારો કોઈ સંપર્ક નથી. હાલ હું મારા પરિવાર અને કામ વચ્ચે અટવાયેલો છું, સમજાતું નથી કે આમાંથી કેવી રીતે બહાર નીકળું, એક તરફ કામ બંધ છે અને બીજી તરફ ઘરે એકલતા સતાવે છે. આ કારણે હું ખૂબ જ હેરાન થઈ ગયો હતો અને પછી મેં આ પગલું ઉઠાવ્યું. જો કે, હવે હું આવું ક્યારેય નહીં કરું. પોલીસ પણ મારા પરિવારના વલણથી ચોંકી ગયા હતા અને તેમણે કહ્યું કે મને વિશ્વાસ નથી થતો કે આ તમારા સંબંધી છે.

કપિલ સાથે કરી ચૂક્યો છે કામ
તીર્થાનંદ રાવે જણાવ્યું કે તે `કૉમેડી સર્કસ કે અજૂબે` શૉનો ભાગ રહી ચૂક્યો છે જ્યાં તેણે કપિલ શર્મા અને શ્વેતા તિવારી સાથે કામ કર્યું હતું. તેણે કહ્યું કે વર્ષ 2016માં કપિલ સાથે કામ કરી ચૂક્યો છું. તે સમયે કપિલ અને સુનીલ વચ્ચે વિવાદ થયો હતો ત્યારે કપિલે મને એક કેરેક્ટર કરવા માટે કૉલ કર્યો હતો, પણ તે સમયે હું એક ગુજરાતી ફિલ્મમાં કામ કરતો હતો, તો મેં તેને ના પાડી દીધી હતી. સ્વસ્થ થયા પછી ફરી તેની પાસેથી કામ માગીશ.

મેકર્સે ન આપ્યા પૈસા
તીર્થાનંદે જણાવ્યું કે તે દોઢ દાયકાથી એક્ટિંગ કરી રહ્યો છે પણ હાલ તેની પાસે ન તો કામ છે કે ન તો ખિસ્સામાં પૈસા. તેમણે કહ્યું, હું 15 વર્ષથી એક્ટિંગ કરી રહ્યો છું અને આ કામે મને બધું આપ્યું છે. મેં ખૂબ પૈસા કમાયા, પણ એક વાર ફરીથી હું શૂન્ય પર આવી ગયો છું. હું નાના પાટેકરની મિમિક્રી કરું છું જેથી મારી ઇમેજ નાના પાટેકરના ડુપ્લીકેટની બની ગઈ છે. મારા કામના ખૂબ જ વખાણ થાય છે પણ વખાણથી પેટ નથી ભરાતું. મેં એક વેબસીરીઝ માટે કામ કર્યું હતું, પણ મેકર્સે પૈસા ન આપ્યા. હવે હું મારા કામ પર ફોકસ કરવા માગું છું અને આપઘાત જેવું પગલું ફરી ક્યારેય નહીં ઉપાડું.

television news indian television entertainment news kapil sharma