Exclusive Interview દિલીપ જોશીઃ કૉમેડીનાં સરતાજ, વાસ્તવિકતામાં બહુ શાંત

26 May, 2021 11:02 AM IST  |  Mumbai | Sheetal Patel

Exclusive Interview દિલીપ જોશીઃ કૉમેડીનાં સરતાજ, વાસ્તવિકતામાં બહુ શાંત

દિલીપ જોશી

ટેલિવિઝન સ્ક્રિન પર જે માણસ મોટે ભાગે સહેજ અકળાયેલો, પત્ની પર ગુસ્સે હોય તેવો, તેની મુર્ખામીથી અને પોતાના પિતાની કટકટથી ત્રાસેલો હોય, પણ તેના મેનરીઝમ અને વહેવારને કારણે સતત રમૂજ પેદા થતી હોય, વળી તેનાં ભરતકામ કરેલા શર્ટ તેની આઇડેન્ટિટી હોય એને તમે જ્યારે એક લાંબા ઇન્ટરવ્યુ માટે ફોન કરો ત્યારે તેના અવાજની મૃદુતા, સ્થિરતા અને વાતચીતની ગંભીરતા સ્ક્રીન ઇમેજથી તદ્દન વિરુદ્ધ છે તેનો તમને તરત ખ્યાલ આવે. `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા` સીરિયલ જે છેલ્લા એક દાયકાથી પણ વધુ સમયથી ચાલે છે તેમાં જેઠાલાલ ગડા એટલે કે દિલીપ જોશીનો આજે જન્મ દિવસ છે અને માટે જ ગુજરાતી મિડ-ડે.કોમે આ ‘રિઝર્વ’ પ્રકૃતિનાં કલાકારને જન્મદિવસનાં બે દિવસ અગાઉ, આ લૉકડાઉનમાં એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ આપવા મનાવી લીધા.

સ્વાભાવિક છે કે લૉકડાઉનથી વાત શરૂ થઇ, દિલીપ જોશી કહે છે, “૧૨ વર્ષથી સતત હું શોનો હિસ્સો રહ્યો છું. ડેઇલી સોપનું શૂટિંગ અટકે નહીં અને આ લૉકડાઉને મને એવો સમય આપ્યો જે મને આટલા વર્ષોમાં નહોતો મળ્યો. હું મારા કુટુંબ સાથે સમય પસાર કરું છું, બે ટંક સાથે જમીએ છીએ અને વાતો તો જાણે ખુટતી જ નથી.”

લૉકડાઉન એટલે ઇશ્વરે દોડતા માણસને થંભી જવા કરેલી સજા

જૂનની ૨૮મી તારીખે ૨૦૦૮માં શરૂ થયેલા આ શોનું ક્યારેય ન અટકેલું શૂટિંગ અત્યારે ખોરંભે છે તે અંગે એ સરસ ફિલોસૉફિકલ વાત કરે છે, “૧૨ વર્ષથી શૂટિંગની દોડધામ તો ચાલુ હતી જ. વળી લોકોની જિંદગીમાં દોડધામ તો અટકતી જ નથી હોત. વાઇરસને લીધે જે રીતે લૉકડાઉન થયું એ જોતા લાગે છે જાણે ઇશ્વરે એક કડક શિક્ષકની માફક બધાને સજા આપી કે, ચાલો બધા ચૂપચાપ ઘરે બેસી જાવ. આ તો આ વાઇરસ, તોફાન, વાવાઝોડાને કારણે લોકો ઘરમાં બેસી ગયા છે પણ બાકી માણસને ક્યાં જંપ હોય છે ભલા! એટલે જ ભગવાને વિચાર્યું હશે કે હવે સ્ટ્રિક્ટ એક્શન લેવાં પડશે.” દિલીપ જોશી ઉમેરે છે કે, “ઇશ્વરની મરજી વિના એક પાંદડું ય ન હલે, એ જ આપણા કર્તા હર્તા છે. એ તમામ લોકો જેને ઈશ્વર પર વિશ્વાસ નહીં હોય તેનામાં ય આસ્થાનો છાંટો દેખાયો હશે. આવા સંજોગો હોય ત્યારે ખબર પડે કે ગમે તેટલા પૈસા હોય, ગમે તેટલો પાવર કે સત્તા હોય પણ અત્યારે તો આપણે ઘરમાં બેસી ગયા છીએ, બીજો છૂટકો પણ નથી.

લૉકડાઉન રૂટિન

દિલીપ જોશી સ્વામિનારાયણના પ્રમુખસ્વામિ મહારાજના મોટા સત્સંગી છે, જે તેમના ફેન્સ જાણે છે. આજકાલ તેઓ પ્રમુખસ્વામી ભગવાનનું જીવન ચરિત્ર વાંચે છે. રોજ સાંજે 2 કલાક તેઓ ટેરેસ પર વૉક કરે ત્યારે યૂ-ટ્યૂબ પર પ્રમુખસ્વામીના પ્રવચન અને મહંત સ્વામી ભગવાનના સત્સંગ સાંભળી છે જેથી પૉઝિટીવ એનર્જી મળતી રહે. તે કહે છે કે ગીતામાં લખ્યું છે તેમ આ સમય પણ વિતી જશે. જે પણ સ્થિતી હોય તે કાયમ માટે નથી હોતી. તેમના મતે ભગવાને આ જે સમય આપ્યો છે તેમાં દરેકે પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જોઇએ.

ગામડાંના જીવનમાં સુખ

દિલીપ જોશી કહે છે કે, “મુંબઇનાં લોકોને તો જાણે શાંતિનું જીવન માફક જ નથી આવતું. આમ પણ બહાર જવું, હોટલમાં ખાવું, શોપિંગ, પેટ્રોલ આ બધાનાં ખર્ચા અત્યારે થંભી ગયા છે. મોંઘાદાટ કપડાં કબાટની સજાવટ બની ગયા છે. ભાગદોડ વગર પણ જીવન હોઇ શકે છે તેવું લોકો સમજે તો સારું બાકી લોકોને એ સમજાતું નથી. ગામડાંનાં જીવનનમાં સૌથી વધુ સુખ હોય છે.”

ગુજરાતીઓનાં યોગ્ય ચિત્રણની તકેદારી

તેમના શોની વાત નીકળે છે તો આ સીરિયલ પહેલાં થિએટર અને ફિલ્મોમાં કામ કરી ચૂકેલા દિલીપ જોશીને ખબર નહોતી કે તેમને જેઠાલાલનું પાત્ર ભજવવા મળશે જેની પૉપ્યુલારીટી આટલી બધી વધી જશે. તેઓ આનો શ્રેય પોતાના ખંત અને નિષ્ઠાને જ આપે છે. જેઠાલાલ ન કરત તો પોતે કયું પાત્ર હોત એવો તો તેમને કોઇ દિવસ વિચાર પણ નથી આવ્યો. ગુજરાતીઓને સ્ક્રિન પર હંમેશા કૉમિક રિલીફ માટે દર્શાવાય છે એમ ઉલ્લેખ થતાં તે કહે છે, “હું તો હંમેશા એ વાતની તકેદારી રાખું છું કે ગુજરાતીઓ બફુન્સ છે કે મુરખ છે તેવી રીતે તેમનું ચિત્રણ ન થાય. નરેન્દ્ર મોદી, સરદાર પટેલ, મહાત્મા ગાંધી હોય કે પછી મુકેશ અંબાણી, આ બધાં પણ ગુજરાતીઓ જ છે અને તેમની સિદ્ધિઓ ગણાવવાની કોઇ જરૂર નથી.”

શોની વાત કરતાં તેઓ કહે છે કે, “શૈલેશ લોઢા(તારક મહેતા), અમિત ભટ્ટ(બાપુજી), શ્યામ પાઠક(પોપટલાલ), આત્મારામ તુકારામ ભીડે(મંદાર ચાંદવાડકર) સાથે મારી મિત્રતા ગાઢ છે.” શોની સફળતાનું કારણ તે આખી ટીમને અને બધાં વચ્ચે જે રીતે મનમેળ છે, દોસ્તી છે તેને જ આપે છે. તેઓ કહે છે, “કોઇને ઇગો ઇશ્યુઝ નથી, બધાં એક કુટુંબનાં હોય તે રીતે કામ કરે છે. ધમાલ મસ્તી પણ ચાલતી રહે અને એકબીજાનું સન્માન પણ બધા જાળવતા રહે છે. એ જ મળતાવડા માહોલની એનર્જી શોમાં રિફ્લેક્ટ થાય છે અને એટલે જ તે લોકપ્રિય સીરિયલ બની છે.”

ચાહકોને ખાસ ચોખવટ

જો કે આ દોસ્તીની વાત આવતાં જ્યારે તેમને પુછ્યું કે તેમની વચ્ચે અને અભિનેત્રી મુનમુન દત્તા વચ્ચે વિવાદ થયો હતો તેવી ચર્ચા ચાલી હતી. સીરિયલમાં તો બબીતા એ જેઠાલાલનો ક્રશ છે પણ શું આવો વિવાદ થયો હતો ખરો? આ સવાલનો જવાબ આપતાં દિલીપ જોશી કહે છે, “આ બધી સાવ ખોટી વાતો અને અફવાઓ છે. સોશ્યલ મીડિયા પર લાઇક્સ મેળવવા લોકો કંઇપણ ચલાવે છે. ઘણીવાર લોકો એવા બધા વીડિયો શેર કરે છે કે કોઇ દિવસનું આટલું કમાય છે, સ્વિમિંગ પૂલ વાળું ઘર બતાડે અને કઇ કાર્સ વાપરે એવું બધું એમાં હોય પણ એ બધા ગપગોળા હોય છે. લોકોને તારક મહેતાનાં એક્ટર્સની જિંદગી વિષે વધારે જાણવું હોય એટલે આ બધું ચાલ્યા કરે છે.”

તેઓ બહુ ભાર મુકીને ગુજરાતી મિડ-ડે.કોમને કહે છે કે, “મારે મારા ફેન્સને ખાસ સૂચના આપવી છે કે હું કોઇપણ સોશ્યલ મીડિયા પ્લેટફૉર્મ પર એક્ટિવ નથી. હું માત્ર ટ્વિટર પર છું અને બીજા બધાં જ ફેક અકાઉન્ટ્સ છે. મારા નામે કે જેઠાલાલને નામે જે પણ પોસ્ટ થતી હોય તે સાથે મારે કંઇ લેવાદેવા નથી, ઘણીવાર લોકો વાંધા જનક પોસ્ટ પણ કરી દેતા હોય છે. તમામે એ વાતનું ધ્યાન રાખવું કે હું કોઇ જ સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર નથી, માત્ર ટ્વિટર પર છું”

શું જેઠાલાલ દાદાજી હોત?

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોનું મૂળ લેખક તારક મહેતાની કૉલમ ‘દુનિયાને ઊંધા ચશ્મા’માં રહેલું છે અને તે કોલમ વર્ષોથી ચિત્રલેખા મેગેઝિનમાં આવતી રહી છે. દિલીપભાઇ કહે છે કે, “હું નાનો હતો ત્યારથી આ કૉલમ વાંચતો પણ મેં તો સ્વપ્ને પણ નહોતું વિચાર્યું કે મને તેનાં કોઇ પાત્રને સ્ક્રિન પર જીવંત કરવાનો મોકો મળશે. આસિતકુમાર મોદીનો હું આભારી છું કે તેમણે આ પાત્ર માટે મારી પસંદગી કરી. શો પહેલાં મને જેઠાલાલ અથવા ચંપકલાલ ગડાનું પાત્ર ભજવવાની ઑફર પણ થઇ હતી પણ આસિતકુમારની ઇચ્છા હતી કે હું જેઠાલાલનું પાત્ર ભજવું, અને પછી જે થયું તે બધાં જાણે છે. ”

દિલીપ જોશીનું મનપસંદ અને ફેન મોમેન્ટ

- તેમને ટ્રાવેલિંગનો, નવા સ્થળોનો અનુભવ લેવાનો અને નવી સંસ્કૃતિઓ વિષે જાણવાનું વધારે ગમે છે.

- જેઠાલાલનો ઓન સ્ક્રિન ક્રશ ભલે બબીતાજી હોય પણ રિયલ લાઇફમાં દિલીપ જોશીની ગમતી અભિનેત્રી માધુરી દીક્ષિત છે. અમિતાભ બચ્ચન તેમનાં ગમતા અભિનેતા છે. તેઓ જ્યારે શોનાં સેટ પર ફિલ્મ પ્રમોશન માટે આવ્યા હતા તે દિવસ તેમને માટે સૌથી વધુ એક્સાઇટિંગ રહ્યો હતો. ફિલ્મમાં તેમની સાથે કામ કરવાની ઇચ્છા તો પુરી નથી થઇ પણ શોને કારણે તે સદીના મહાનાયક સાથે સ્ક્રિન શેર કરી શક્યા.

- શોમાં ફાફડા જલેબીનાં શોખીન દિલીપ જોશીને વાસ્તવિકતામાં પણ જલેબી-ફાફડા ભાવે છે. પણ કોઈ ખાસ પ્રસંગે જ તે ખાવાનું પસંદ કરે છે.

- તેમનો ગમતો તહેવાર દિવાળી છે કારણકે નાનપણની પણ ઘણી યાદો તેની સાથે જોડાયેલી છે. સાથે ખરીદી કરવી, મીઠાઇઓની જ્યાફત ઉડાડવી અને ફટાકડાં ફોડવાં, વળી ઘરનાં લોકો પણ ત્યારે ભેગાં હોય.

જિંદગીનો બદલાવ

દિલીપ જોશી કહે છે કે, “એક સમય હતો જ્યારે હું બિંદાસ ઘરની બહાર નીકળી ક્યાંય પણ જઇ શકતો પણ શોનાં આટલા લાંબા રન બાદ મારી જિંદગી બદલાઇ ગઇ છે. હવે છૂટથી હરીફરી ન શકાય, લોકો ભેગા થાય. ગુજરાતમાં પણ બહુ ફેન્સ છે એટલે હું ક્યાંય પણ હોઉં મન થાય ત્યારે બહાર ન નિકળી શકું”

ફેન્સને આટલું ખાસ કહેજો

દિલીપ જોશી ઇન્ટરવ્યુના અંતમાં એક સરસ ફિલોસોફિકલ પણ સાવ વાસ્તવિક વાત કરે છે. તેઓ કહે છે, “હાલમાં મુશ્કેલ સમય છે, આ વાઇરસની હજી સુધી કોઇ દવા નથી શોધાઇ. મારી એક જ અપીલ છે કે લૉકડાઉનનું, સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરો તો જ આપણે વાઇરસને માત આપી શકીશું. સરકારનાં આદેશોનું પાલન કરો, ઉલ્લંઘન નહીં. ડરશો નહીં પણ ઇશ્વરને યાદ કરી મનોબળ મક્કમ કરો, સમયનો સદુપયોગ કરો. થોડી ધીરજ રાખીશું તો કપરો સમય પણ પસાર થઇ જશે.”

taarak mehta ka ooltah chashmah dilip joshi television news tv show entertainment news