19 September, 2026 02:38 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા
સોની SAB અને નીલા ફિલ્મ પ્રોડક્શન્સના લોકપ્રિય શો `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા` (TMKOC)ની 18 મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત 18 દિવસીય લાઈવ ક્વિઝ હવે સંપન્ન થઈ છે. 1 ઑગસ્ટથી 21 ઑગસ્ટ દરમિયાન TMKOC ક્લબહાઉસ ઍપ પર યોજાયેલી આ ક્વિઝમાં દેશભરમાંથી લાખો દર્શકોએ ભાગ લીધો હતો. હવે આ ક્વિઝના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી રહી છે. વિજેતા પરિવારોમાં મુંબઈના ડૉ. વિનીત કુમાર, ડૉ. મહાલક્ષ્મી અય્યર, ખુશ્બુ અમિત ઠક્કર અને પ્રજ્યા સંજય ગનાત્રા તથા તેમના પરિવારોનો સમાવેશ થાય છે.
વિજેતા પરિવારોને પ્રખ્યાત ગોકુલધામ સોસાયટીના સેટની મુલાકાત લેવાની તક મળશે. તેઓ `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા`ના શૂટિંગને નજીકથી જોઈ શકશે અને શોની 18 મી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે કલાકારો સાથે સમય વિતાવી શકશે. આ અનુભવનું આયોજન સોની SAB અને નીલા ફિલ્મ પ્રોડક્શન્સ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે. શોના નિર્માતા અને સર્જક આસિત કુમાર મોદીએ કહ્યું, "આ ક્વિઝ માટે દર્શકોએ જે પ્રેમ દર્શાવ્યો છે તે ખરેખર હૃદયસ્પર્શી છે. 18 મી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે દેશભરના પરિવારો 18 દિવસ સુધી અમારી સાથે જોડાયા. આ અમારા માટે સૌથી મોટું ઈનામ છે. તે દર્શાવે છે કે `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા` દરેક ભારતીય પરિવારનો અભિન્ન અંગ બની ગયો છે." તેમણે ઉમેર્યું, "દર્શકોના જબરદસ્ત પ્રતિસાદથી પ્રોત્સાહિત થઈને, અમે અમારી મૂળ યોજનાનો વિસ્તાર કરવાનો અને 18 થી વધુ પરિવારોને ગોકુલધામ સોસાયટીની મુલાકાત લેવા માટે આમંત્રિત કરવાનો નિર્ણય લીધો છે."
TMKOC ક્લબહાઉસ ઍપ શોના અધિકૃત ડિજિટલ પ્લેટફોર્મ તરીકે કાર્ય કરે છે. લાઈવ ક્વિઝ દ્વારા, દર્શકોને ગોકુલધામ સોસાયટી અને શોના પાત્રો સંબંધિત પ્રશ્નોના જવાબ આપવાની તક મળી હતી. આ ઍપ પર TMKOCના પાત્રો સાથેની મિની-ગેમ ટુર્નામેન્ટ્સ પણ યોજવામાં આવે છે. સોની SABના ચીફ કન્ટેન્ટ ઓફિસર અજય ભાલવંકરે કહ્યું, "તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ વર્ષો દરમિયાન દર્શકો સાથે એક વિશેષ સંબંધ કેળવ્યો છે. ક્વિઝને મળેલો પ્રતિસાદ આ જોડાણને દર્શાવે છે. પરિવારોને શોના 18 વર્ષના સીમાચિહ્નને સાથે મળીને ઉજવતા જોવા એ ખૂબ જ આનંદદાયક હતું." ક્વિઝના પરિણામોની જાહેરાત દરરોજ કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં TMKOC ક્લબ હાઉસ ઍપ પર વિજેતાઓની સંપૂર્ણ યાદી પણ જાહેર કરવામાં આવશે. શોની ટીમ આગળની ઔપચારિકતાઓ માટે તમામ વિજેતાઓનો વ્યક્તિગત રીતે સંપર્ક કરશે.
નીલા ફિલ્મ પ્રોડક્શન્સ અને સોની સબે 28 જુલાઈના રોજ `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા`ના 18 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરી. આ દિવસે, શો તેના 19મા વર્ષમાં પ્રવેશ કર્યો. આ પ્રસંગે `હસો ઔર હસાઓ દિવસ` તરીકે પણ ઉજવવામાં આવ્યો હતો. 18 વર્ષોમાં, શોએ 4,770 એપિસોડ પૂર્ણ કર્યા છે. તેણે ફૅમિલી-ફ્રૅન્ડલી કૉમેડી અને ભારતીય સંસ્કૃતિમાં મૂળ ધરાવતી વાર્તાઓ દ્વારા દર્શકોમાં પોતાનું એક અનોખું સ્થાન બનાવ્યું છે.