23 May, 2025 06:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુરભિ જ્યોતિ અને સુમિત સૂરિ
ટીવી-ઍક્ટ્રેસ સુરભિ જ્યોતિ અને સુમિત સૂરિએ થોડાં વર્ષોના ડેટિંગ પછી ગયા વર્ષે ઑક્ટોબર ૨૦૨૪માં ઉત્તરાખંડના જિમ કૉર્બેટ રિસૉર્ટમાં ધામધૂમથી લગ્ન કર્યાં હતાં. હાલમાં એક ઇન્ટરવ્યુમાં સુરભિએ જણાવ્યું કે હું અને સુમિત એકમેક સાથે બહુ સારી રીતે સેટ થઈ ગયાં છીએ. આ સાથે તેણે એમ પણ જણાવ્યું લગ્ન પછી ઘરમાં પતિ-પત્નીની અલગ-અલગ રૂમ છે.
લગ્ન પછી અલગ-અલગ રૂમમાં રહેવાના કારણ વિશે વાત કરતાં સુરભિ જ્યોતિએ કહ્યું હતું કે ‘અમને બન્નેને પોતપોતાની ‘પર્સનલ સ્પેસ’ જોઈએ છે. અમે એકબીજા સાથે આ મુદ્દાની ચર્ચા કરીને બન્ને માટે અલાયદી રૂમની વ્યવસ્થા સાથે સંમત થયાં છીએ. આવું ભાગ્યે જ જોવા મળે છે, પણ અમારા માટે તો આ એકદમ આદર્શ પરિસ્થિતિ છે. સુમિત ઘરેથી કામ કરે છે, હું પણ શૂટિંગ ન હોય ત્યારે ઘરેથી જ કામ કરું છું. અમે બહાર જવા માટે ઉત્સુક નથી હોતાં, ઘરમાં રહીને જ ખૂબ ખુશ છીએ. અમારા ઘરમાં અમે અમારી પસંદગીથી અલગ-અલગ રૂમ રાખી છે. સુમિત જીવનનો મોટા ભાગનો સમય એકલો જ રહ્યો છે અને મારી સાથે પણ એવું જ છે. આ સ્થિતિ અમારા માટે બેસ્ટ છે, કારણ કે આ મામલે અમારા વિચારો મળતા આવે છે. હું એમ નથી કહેતી કે આ એકમાત્ર રીત છે જેનાથી તમે એકબીજાને સ્પેસ આપી શકો, પરંતુ અમે તો આમ જ કરી રહ્યાં છીએ.