20 September, 2025 11:09 AM IST | Mumbai | Ruchita Shah
રુપલ પટેલ
યસ, આટલી ફર્મનેસ સાથે ઍક્ટર બનવાનું સપનું જોનારાં જાણીતાં ઍક્ટ્રેસ રૂપલ પટેલે મનોમન એવું નક્કી કર્યું હતું કે જો નૅશનલ સ્કૂલ આૅફ ડ્રામામાં ઍડ્મિશન ન મળે તો વકીલાતની ડિગ્રી મેળવવી પણ સાથે-સાથે ઍક્ટિંગ માટેના પ્રયાસો ચાલુ રાખવા. પોતાની સાત પેઢીમાં કોઈ ઍક્ટિંગ ક્ષેત્રે નહોતું કે હજીયે પરિવારમાંથી દૂર-દૂર સુધી ઍક્ટિંગ કરીઅરમાં નથી એવા વાતાવરણમાં કઈ રીતે ઍક્ટિંગનું પૅશન જાગ્યું એની રૂપલ પટેલની જર્ની રસપ્રદ છે
‘અંધેરીમાં રહેતાં. મમ્મી હાઉસવાઇફ અને પપ્પાની ફૅક્ટરી હતી. આજે પણ શિવડીમાં અમારી ફૅક્ટરી છે. એ સમયે કુટુંબના પુરુષ સભ્યો વેપાર કરતા અને મહિલાઓ ઘર સંભાળતી. એમાં અમે પાંચ બહેનો. હું ચોથા નંબરની. દીકરો નહોતો એ વાતને લઈને ઘણા લોકોનાં મહેણાં મમ્મી-પપ્પાએ સાંભળ્યાં હશે પરંતુ તેમણે સતત અમારે ત્યાં પાંચ-પાંચ લક્ષ્મીજી છે એ વાતનો ગર્વ માન્યો અને બધું જ માતાજી પાર પાડશે એવી શ્રદ્ધા રાખીને અમારું ભણતર, અમારો ગ્રોથ અને અમારાં સપનાંઓ પૂરાં કરવામાં જ જીવન વિતાવ્યું. મને યાદ છે કે મારું ઍક્ટિંગ માટેનું પૅશન પપ્પાએ નાનપણમાં જોયું હતું અને તેમણે જ મને એમાં આગળ વધવા માટે મોટિવેટ કરી હતી.’
આ શબ્દો છે જાણીતાં અભિનેત્રી રૂપલ પટેલના. ‘સાથ નિભાના સાથિયા’નાં કોકિલા મોદી તરીકે જે નામ લોકજીભે ચડ્યું અને જેમના ‘રસોડે મેં કૌન થા’ ડાયલૉગે નૅશનલ સેન્સેશન ઊભું કર્યું હતું એ રૂપલ પટેલે એ સિવાય પણ ઘણી સિરિયલો અને ફિલ્મોમાં કામ કર્યું છે. જે પરિવારમાં ઍક્ટિંગમાં પણ કરીઅર બની શકે એવા દૂર-દૂર સુધી કોઈ વરતારા જ ન હોય, એને લગતું કોઈ બૅકગ્રાઉન્ડ જ ન હોય એવા પરિવારમાં જન્મેલાં રૂપલબહેન જાણે જન્મથી જ નક્કી કરી આવ્યાં હતાં કે તેમને ઍક્ટર બનવું છે. એક ટિપિકલ ગુજરાતી પરિવારની દીકરી નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામાની ટફેસ્ટ જર્ની પાર કરે અને મુંબઈમાં પોતાની જુદી ઓળખ ઊભી કરે એ મજેદાર જર્ની પ્રસ્તુત છે.
ઍક્ટર જ બનવું હતું
‘મને પોતાને આશ્ચર્ય થાય છે કે કોને ખબર ક્યાંથી આ વિચાર આવ્યો હશે પરંતુ હું સમજણી થઈ ત્યારથી મારે ઍક્ટર જ બનવું હતું એ નક્કી હતું. આગળ કહ્યું એમ ઘરમાં કોઈ દૂર-દૂર સુધી ઍક્ટિંગ સાથે જોડાયેલું નહોતું કે આસપાસમાં પણ કોઈ એવું રહેતું નહોતું જે ઍક્ટિંગ તરફ મને ઇન્ફ્લુઅન્સ કરે.’
અવાજમાં એક જુદા જ રણકા સાથે રૂપલબહેન વાતને આગળ વધારતાં કહે છે, ‘મને યાદ છે કે હું બહુ જ નાની હતી ત્યારે સ્કૂલમાં ક્યાંય-ક્યાંયથી ઇન્ફર્મેશન કાઢીને સ્ટોરીટેલિંગના, સંસ્કૃતના ક્લાસ જૉઇન કરી લેતી. મમ્મી-પપ્પાને નવાઈ લાગતી કે આ ક્યાંથી બધું શોધી કાઢે છે. જોકે મારે એ ભણવું હોય તો ટીચર પણ મને સપોર્ટ કરતા. ચિનાઈ કૉલેજમાં ભણતી ત્યારે બધી જ
એક્સ્ટ્રા-કરિક્યુલર અને કલ્ચરલ ઍક્ટિવિટીમાં મેં ભાગ લીધો હોય. મેં હિન્દી ભાષામાં હથોટી મેળવવા હિન્દીની એક્ઝામો પણ પાસ કરી હતી. હવે જ્યારે કરીઅર ચૂઝ કરવાનો સમય થયો ત્યારે મારા પપ્પાએ ફુલ સપોર્ટ કર્યો કે ઍક્ટિંગમાં જવું છે તો પ્રૉપર ટ્રેઇનિંગ લે. એ સમયે નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં જઈ શકાય એવી ખબર પડી પણ એની ટ્રેઇનિંગ અને ત્યાં ઍડ્મિશન મેળવવાની પ્રોસેસ એટલી વધારે આકરી હતી કે કેવી રીતે પાસ થઈશ એ જ સમજાતું નહોતું. જોકે ત્યારે મારા પપ્પાએ આપેલી એક ઍડ્વાઇઝ મેં હંમેશાં માટે જીવનમાં વણી લીધી. તેમણે કહેલું, ‘તું જે ફીલ્ડમાં કામ કરવા માગતી હોય ત્યાં તારે સૌથી બેસ્ટ બનવું એ જ સાચો રસ્તો છે અન્યથા મહિલા તરીકે આવડત ઓછી હશે ત્યારે લોકો તારો ગેરલાભ લેવા લલચાઈ શકે છે. એટલે જો ઍક્ટિંગમાં જવું હોય તો એના માટેની બેસ્ટ સ્કૂલ કે ડ્રામા-ગ્રુપમાં જોડાવું જરૂરી છે અને એમાં જોડાવા માટે પોતાને લાયક બનાવવી પણ જરૂરી છે. હું તમને કહું એ પિતા જેમને ઍક્ટિંગની દુનિયા સાથે કોઈ લેવાદેવા નહોતી તે પણ આ ફીલ્ડને રિસ્પેક્ટ આપી શકતા હતા અને સાથે એની સાથે જોડાયેલી નબળાઈઓ પ્રત્યે સભાન હોવા છતાં મને સાચો માર્ગ દેખાડીને રોક્યા વિના આગળ વધારવા માગતા હતા એ વાત મને ખૂબ જ સ્પર્શી ગઈ હતી.’
અહીં ઉલ્લેખનીય છે કે સ્કૂલ-ટાઇમમાં રૂપલબહેન વૉલીબૉલ પ્લેયર રહી ચૂક્યાં છે. ઇન ફૅક્ટ, તેમને તેમની ગેમ જોઈને કોચે વૉલીબૉલમાં આગળ વધવાની સલાહ પણ આપી હતી. જોકે તેમનું વિઝન ફિક્સ હતું, ઍક્ટિંગ. આજે પણ એ જ તેમનું સર્વસ્વ છે.
રૂપલ પટેલ હસબન્ડ રાધાકૃષ્ણ દત્ત સાથે.
લાઇફ-પાર્ટનરની એન્ટ્રી
નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં ઍડ્મિશન મળી ગયું. દિલ્હી શિફ્ટ થઈને આકરી ટ્રેઇનિંગ શરૂ થઈ અને પૂરી લગન અને મહેનત સાથે શીખી રહેલાં રૂપલબહેનના જીવનમાં તેમના સિનિયર તરીકે ત્યાં ભણતા રાધાકૃષ્ણ દત્તની એન્ટ્રી થઈ. બે વ્યક્તિની નહીં પણ એક આર્ટની પ્રેમકથા જેવી એકદમ અનોખી લવસ્ટોરી ધરાવતાં રૂપલબહેન કહે છે, ‘નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં સિનિયર આર્ટિસ્ટ જુનિયર આર્ટિસ્ટને ઑબ્ઝર્વ કરતા હોય છે જેથી ઘણા પ્રોજેક્ટ સાથે કરવાના હોય તો કોની શું સ્ટ્રેન્ગ્થ છે કે કયા પ્રકારના કૅરૅક્ટર કોણ સારું ભજવી શકે એનો અંદાજ લગાવી શકાય. એક વર્ષમાં મને મારા હસબન્ડ જે એ સમયે મારા સિનિયર હતા તેમણે બરાબર ઑબ્ઝર્વ કરી હતી. તે સ્ટુડન્ટ યુનિયનના લીડર પણ હતા એટલે એકાદ વાર કામ પડતાં મેં તેમની મદદ લીધી હતી. સાથે નાટકોમાં કામ પણ કર્યું. એક દિવસ તેઓ મને આવીને કહે કે તારું કામ માટેનું પૅશન મેં જોયું છે અને હું પણ આટલો જ નાટકો અને આર્ટને લઈને પૅશનેટ છું એટલે આપણે ખૂબ સારાં લાઇફ- પાર્ટનર બની શકીશું, આપણે એકબીજા સાથે જ લગ્ન કરવાં જોઈએ. સાચું કહું તો કાપો તો લોહી ન નીકળે એવી મારી હાલત. જોકે ખૂબ જ શાંતિથી, પૉઝિટિવિટી સાથે આખી વાત કરીને તેઓ જતા રહ્યા. વિચાર્યા પછી મને તેમની વાતમાં દમ લાગ્યો એટલે અમે પરિવારને વાત કરી. બન્નેની ફૅમિલી રાજી હતી. ભણવાનું પતે એટલે લગ્ન કરીશું એવું નક્કી કર્યું. પ્રોફેશનલી ડ્રામા સાથે જોડાયેલા અમારા જીવનમાં એ રીતે કોઈ ડ્રામા ન થયો. આજે પણ કહું કે લગભગ ત્રીસ વર્ષના લગ્નજીવનમાં અમે એકલાં ફિલ્મ જોવા નથી ગયાં. અમારી વચ્ચે આજે પણ વાતો ફિલ્મના પ્લૉટની, વાર્તાની અને કૅરૅક્ટરની થાય. તેમણે ખૂબબધાં માઇથોલૉજિકલ સિરિયલોમાં અને નાટકોમાં કામ કર્યું એટલે તેમનું વ્યક્તિત્વ પણ એવું જ સૌમ્ય બની ગયું છે. બીજી બાજુ હું કડક સાસુ કોકિલા જેવું પાત્ર ભજવતી ત્યારે કેટલીક વાર મિત્રો અમને છેડતા પણ ખરા.’
કરીઅરની ગાડી સડસડાટ
શ્યામ બેનેગલ સાથે પહેલી ફિલ્મ ‘અંતર્નાદ’માં કામ કરનારાં રૂપલબહેને ‘ચૂડિયાં’, ‘પપીહા’, સૂરજ કા સાતવાં ઘોડા, ‘પહચાન’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. રૂપલબહેન કહે છે, ‘૧૯૯૫માં લગ્ન થયાં ત્યાં સુધીમાં ફિલ્મ અને સિરિયલોમાં કામ કરવાની મારી જર્ની શરૂ થઈ ગઈ હતી. ડેઇલી સોપની એક નવી દુનિયા મારા માટે ખૂલી હતી. જોકે એ દરમ્યાન હું પ્રેગ્નન્ટ થઈ. બાળકના જન્મ પછી મેં જાતે જ નક્કી કર્યું કે મારા બાળકના બાળપણના સાક્ષી મારે બનવું છે. એટલે ઍક્ટિંગમાંથી દસ વર્ષનો બ્રેક લીધો. જોકે દીકરો એકાદ વર્ષનો થયો એટલે મેં મારી વર્ષોની ઇચ્છા હતી એ પૂરી કરી. એ એટલે ચિલ્ડ્રન્સ થિયેટર જેમાં સ્કૂલનાં બાળકો માટે અમે ઍક્ટિંગ, ડ્રામેટિક અને પર્સનાલિટી ડેવલપમેન્ટનું આયોજન કરતાં હતાં. ચિલ્ડ્રન્સ થિયેટર માટે અમને ખૂબ સારો રિસ્પૉન્સ મળ્યો. એ દરમ્યાન અંધેરીની એક સંસ્થા જ્ઞાનાશ્રમ માટે ઑનરરી બાળકો માટે એક વર્ષનો કોર્સ શરૂ કર્યો. એ દરમ્યાન યુ ટીવી પર ‘શગુન’ નામના ડેઇલી સોપમાં લાખી નામનું કૅરૅક્ટર ભજવવા મળ્યું. એ રોલ માત્ર બે મહિનાનો હતો એને બદલે એ લોકોમાં એટલું પૉપ્યુલર બન્યું કે બે વર્ષ એ કૅરૅક્ટરને ખેંચવા મળ્યું. એ દરમ્યાન જ ખૂબ જાણીતા પ્રોડ્યુસર-ડિરેક્ટર મેહુલે મારો સંપર્ક કર્યો. ડેઇલી સોપમાં કામનો લોડ ખૂબ હોય. બેચાર વાર તેમનો ફોન આવ્યા પછી હું જ તેમને મળવા ગઈ અને તેમણે એ સમયે ઈ ટીવી ગુજરાતીને બૂસ્ટ આપનારા શો ‘સો દાડા સાસુના’ નામના શોના આશાલતા શેઠનું કૅરૅક્ટર ઑફર કર્યું કારણ કે તેમની દીકરી, વાઇફ અને ભત્રીજી બધાને મારું લાખી કૅરૅક્ટર ખૂબ ગમ્યું હતું. મારા જીવનની એકમાત્ર ગુજરાતી સિરિયલ જેમાં હું લીડ રોલમાં હતી એમાં દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો. એ દરમ્યાન જ ‘સાથ નિભાના સાથિયા’ મળી. એમાં મળેલી સફળતા તો જગજાહેર છે. એ પછી ‘યે રિશ્તે હૈં પ્યાર કે...’ અને એ પછી સ્ટાર પ્લસનો ‘તેરા મેરા સાથ રહે...’ મળી. એ પછીયે ઘણા શોઝ, ઍડ-ફિલ્મ્સ કરતી રહી છું અને આજ સુધી એ જર્ની ચાલુ છે. મારો દીકરો પણ પોસ્ટ-ગ્રૅજ્યુએટ થઈ ચૂક્યો છે. ઈશ્વરે ધાર્યા કરતાં ખૂબ આપી દીધું છે.’
રૂપલ પટેલ પોતાની ચાર બહેનો સાથે.
સક્સેસનું સીક્રેટ
હાર્ડ વર્ક કરો તો રસ્તો છે જ એટલું હું સમજી છું, કામના મામલામાં નિષ્ઠાવાન રહીને નિયમિત રહો અને ઑનેસ્ટી સાથે કામ કરો તો ક્યારેય કામ તમારો સાથ નથી છોડતું એમ જણાવીને રૂપલબહેન કહે છે, ‘હું મારા કામમાં ખૂબ નિયમિત રહી છું. જેટલા કલાક સેટ પર હોઉં ત્યારે સંપૂર્ણ મારા રોલને ડેડિકેટેડ હોઉં. ડેઇલી સોપ દરરોજના બાર કલાક તમારા લઈ લે અને છતાં એ જ એનર્જી સાથે સ્ક્રીન પર રહેવાનું ચૅલેન્જિંગ છે; પણ જો તમે ખૂબ જ નિષ્ઠા, નિયમિતતા અને શિસ્તબદ્ધતા સાથે કામ કરતા હો તો લોકો વારંવાર તમને બોલાવતા હોય છે. ઇન ફૅક્ટ, મને સૌથી મોટી સક્સેસ તો ત્યારે લાગી જ્યારે આપણા માનનીય વડા પ્રધાનની ઑફિસમાંથી સ્વચ્છતા અભિયાનના ઍમ્બૅસૅડર તરીકે મારું નામ નૉમિનેટ થયું હતું. વિમેન એમ્પાવરમેન્ટ માટે પણ PM ઑફિસમાંથી લેટર મળ્યો હતો. આવાં વધુ ને વધુ કામ કરવાં છે. ગુજરાતને લોકોમાં વધુ ને વધુ પ્રમોટ કરવાની મારી ઇચ્છા છે. મને વિશ્વાસ છે કે એ બધાં જ કામ હજીયે આગળ જતાં પાર પડવાનાં છે.’