18 July, 2026 05:22 PM IST | Mumbai | Ruchita Shah
પરિવાર સાથે નેહા મહેતા.
પિતા ક્લાસ વન ઑફિસર અને પોએટ, મમ્મી ગોલ્ડ મેડલિસ્ટ શૂટર અને સિંગર, ભાઈ-બહેન પણ ડબલ ગ્રૅજ્યુએટ. આવા શિક્ષણ-કળાપ્રેમી અને શિસ્તબદ્ધ વાતાવરણમાં ઊછરેલાં અને ભરતનાટ્યમ સાથે માસ્ટર્સ ઇન પર્ફોર્મિંગ આર્ટ્સ અને શાસ્ત્રીય સંગીતમાં ડિપ્લોમા કરનારાં નેહા સ્મૃતિ કૌશિકરાય મહેતાએ સપનામાં પણ ઍક્ટિંગમાં આવવાનું નહોતું વિચાર્યું. જૈવિક ખેતી અને ગૌપાલન શીખનારાં પાટણનાં આ નાગરકન્યાના જીવનના કેટલાક ન સાંભળેલા રોમાંચક કિસ્સાઓ જાણીએ આજે
‘સાચું કહું તો હું હજી હમણાં-હમણાં જ જીવનને ખરા અર્થમાં સમજી રહી છું! મને એટલો સુંદર પરિવાર, સંસ્કાર અને કલ્ચર મળ્યાં છે કે મારી લાઇફ ખરેખર ફેરીટેઇલ જેવી લાગે છે. મારે તો ભણવું હતું, Phd કરવું હતું અને ઍકૅડેમિશ્યન બનવું હતું; પણ ભગવાન હંમેશાં એ જ કરાવે છે જેની હું ના પાડું. એટલે જ કદાચ ઍકૅડેમિક્સના રસ્તે ચાલતાં-ચાલતાં હું અભિનયના ક્ષેત્રમાં આવી ગઈ અને જિંદગીનો અદ્ભુત વળાંક શરૂ થયો.’
આ શબ્દો છે ટીવીજગતમાં ‘અંજલિભાભી’ તરીકે ૧૨ વર્ષ સુધી ઘર-ઘરમાં જાણીતાં બનેલાં અને ગુજરાતી રંગભૂમિ પર પોતાની અદાકારીનો જાદુ પાથરનારાં અભિનેત્રી નેહા એસ. કે. મહેતાના. વડનગરા નાગર જ્ઞાતિની આ દીકરીનું નેટિવ પાટણ છે, મમ્મી સૌરાષ્ટ્રનાં છે, જન્મ ભાવનગરમાં થયો, ઉછેર અમદાવાદમાં અને અભ્યાસ વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાં થયો. ગુજરાતના ચારેય ખૂણાઓ નેહામાં વસે છે અને સાચા અર્થમાં તેઓ અસ્સલ ગુજરાતણ છે.
ઘરનું વાતાવરણ અને વારસો
નેહાના ફૅમિલી બૅકગ્રાઉન્ડમાં ઍક્ટિંગનું તો નામોનિશાન પણ નહોતું. તેઓ કહે છે, ‘મારા પિતા ક્લાસ વન સેલ્સ-ટૅક્સ ઑફિસર અને સાથે અદ્ભુત પોએટ હતા. તેમનો અવાજ મુકેશજી જેવો હતો. મમ્મી પણ ખૂબ સુંદર સિંગર અને NCCમાં ગોલ્ડ મેડલિસ્ટ શૂટર રહી ચૂક્યાં છે. ગીરની ચારણ કન્યા જેવું મજબૂત મનોબળ ધરાવતાં મમ્મી અને સાહિત્યપ્રેમી પપ્પાના સંસ્કારોનું સિંચન થયું હતું. ઘરમાં ભણતર અને કલ્ચરને સૌથી પહેલું સ્થાન આપવામાં આવતું. મેં ભરતનાટ્યમમાં માસ્ટર ઇન પર્ફોર્મિંગ આર્ટ્સ કર્યું છે અને ક્લાસિકલ વોકલમાં ડિપ્લોમા કર્યો છે.’
ABCL ટૅલન્ટ હન્ટ
ભણતર ચાલતું હતું એ દરમ્યાન અમિતાભ બચ્ચનની કંપની ABCL દ્વારા દેશભરમાં ટૅલન્ટ હન્ટ યોજાઈ હતી. નેહાએ બસ મસ્તી-મસ્તીમાં ભાઈ-બહેનોના કહેવાથી એમાં ભાગ લીધો. આખા ગુજરાતમાંથી માત્ર તેઓ એકમાત્ર કન્ટેસ્ટન્ટ તરીકે સિલેક્ટ થયાં અને મુંબઈમાં ફાઇનલ ટૉપ-૧૦ સુધી પહોંચ્યાં. આ ઘટનાએ તેમના જીવનનો આખો ટ્રૅક બદલી નાખ્યો. નેહા કહે છે, ‘એ સમયે હું અમદાવાદ દૂરદર્શનમાં કામ કરતી હતી, પણ પપ્પાની શરત એક જ હતી કે પહેલાં ભણવાનું પૂરું કર! એટલે મેં ગ્રૅજ્યુએશન, પોસ્ટ-ગ્રૅજ્યુએશન પૂરું કર્યું. આગળ Phd કરવું હતું. હું Phdના ગાઇડની શોધમાં ડૉ. કનક રેલેને મળવા મુંબઈ આવી. તેમને ગાઇડ બનાવીને Phd કરવાનું નક્કી પણ કર્યું. જોકે તેમની ઇચ્છા હતી કે હું પહેલાં મુંબઈ યુનિવર્સિટીમાંથી ડબલ ગ્રૅજ્યુએટ થાઉં અને પછી Phdને આગળ વધારું. એ સમયે મુંબઈમાં રહીને ભણવાનો ખર્ચ નીકળી જાય અને પરિવારને હેરાનગતિ ન થાય એવા આશયથી માત્ર ટેમ્પરરી ઍક્ટિંગ કરવાનું વિચાર્યું હતું. એમાં જ મુંબઈમાં પહેલું કમર્શિયલ નાટક સિદ્ધાર્થ રાંદેરિયા સાથેનું મળી ગયું.’
ધીમે-ધીમે એક પછી એક પ્રોજેક્ટને કારણે અનાયાસ જ ઍક્ટિંગમાં એવાં ઠરીઠામ થયાં કે આજે તેઓ ગુજરાતી રંગભૂમિ અને ટેલિવિઝનનું એક અત્યંત આદરણીય નામ છે. મહાવીર શાહ સાથે કરેલા નાટક ‘તું જ તારો ઈશ્વર’માં નેહા મહેતાના અભિનયે આખી ગેમ બદલી નાખી. લોકો સામેથી કામ લઈને આવવા લાગ્યા. આ નાટક જોયા પછી પ્રખ્યાત ડિરેક્ટર અજય સિંહાએ તેમને ફોન કર્યો. એ મુલાકાતમાંથી ઝી ટીવીનો પ્રાઇમ ટાઇમ શો ‘ડોલર બહુ’ મળ્યો. કુમુદ મિશ્રા સાથેનો આ શો એટલો હિટ રહ્યો કે નેહાબહેન સીધાં સ્ટારડમના શિખરે પહોંચી ગયાં. નેહા મહેતાના કરીઅરમાં વર્ષ ૨૦૦૮ એવો વળાંક લઈને આવ્યું જેણે હિન્દી ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના તમામ રેકૉર્ડ તોડી નાખ્યા. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલમાં અંજલિભાભી તરીકે તેમણે સતત ૧૨ વર્ષ સુધી દર્શકોના દિલ પર રાજ કર્યું. આ રોલે તેમને ઘર-ઘરમાં ઓળખ અપાવી.
કરીઅર-ગ્રાફ પર એક નજર
મુંબઈમાં આગમન સાથે જ નેહા મહેતાએ થિયેટર આર્ટિસ્ટ તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરી દીધી હતી. સિદ્ધાર્થ રાંદેરિયા સાથેના લોકપ્રિય નાટક ‘તું જ મારી મૌસમ’ દ્વારા તેમણે રંગમંચ પર શાનદાર ડગ માંડ્યાં. આ સફળતા પછી તેમની કારકિર્દીને નવો વળાંક આપનારું નાટક ‘હું જ તારો ઈશ્વર’ આવ્યું, જેમાં સ્વ. મહાવીર શાહ સાથે તેમણે એક લકવાગ્રસ્ત પેશન્ટની પડકારજનક ભૂમિકા ભજવીને ભારે વાહવાહી મેળવી હતી. પોતાની અભિનયક્ષમતાને વધુ ધારદાર બનાવતાં તેમણે ‘પ્રતિબિંબના પડછાયા’, ‘છૂટાછેડા લેતાં લેતાં’, ‘મનગમતી કન્યાની શોધમાં’, ‘મસ્ત મજાની લાઇફ’, ‘કોઈ માણસને મનાવો’, ‘હૃદયત્રિપુટી’, ‘તું મલકે તો મોસમ છલકે’, ‘7 x 3 = 21’ અને ‘The Wife is Beautiful’ જેવાં અનેક સુપ્રસિદ્ધ નાટકોમાં અગ્રણી ભૂમિકાઓ ભજવીને સ્ટેજ પર ધમાકો મચાવ્યો હતો. ટેલિવિઝનની સ્ક્રીન પર પણ નેહા મહેતાએ કમર્શિયલ રંગભૂમિના અનુભવને ખૂબ સુંદર રીતે પ્રદર્શિત કર્યો હતો. ગુજરાતી ટેલિવિઝનમાં ‘સો દહાડા સાસુના’ અને ‘સમી સાંજનાં શમણાં’ જેવા લોકપ્રિય શોમાં તેમણે અદ્ભુત પ્રદર્શન કર્યું. હિન્દી નૅશનલ ચૅનલ પર તેમની સફર ખૂબ મોટી રહી છે. ઝી ટીવીના પ્રાઇમ ટાઇમ શો ‘ડોલર બહુ’માં લીડ કૅરૅક્ટરથી તેઓ રાતોરાત દેશભરમાં જાણીતાં બન્યાં. દૂરદર્શન પર ‘શક્તિ’, ‘કાદંબરી’ અને ‘પ્રિયંવદા’ જેવી સિરિયલોમાં પણ તેઓ મહત્ત્વનાં પાત્રોમાં જોવા મળ્યાં હતાં. તેમની કારકિર્દીનો સૌથી મોટો માઇલસ્ટોન ૨૦૦૮થી ૨૦૨૦ સુધીનો રહ્યો, જેમાં ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં અંજલિ મહેતાના પાત્ર દ્વારા તેમણે સતત ૧૨ વર્ષ સુધી દર્શકોના દિલ પર રાજ કરીને એક નવો રેકૉર્ડ સ્થાપિત કર્યો. આ કલ્ટ શો ઉપરાંત તેમણે સબ ટીવી પર જ શૈલેશ લોઢા સાથે પ્રખ્યાત હાસ્ય કવિસંમેલન શો ‘વાહ વાહ ક્યા બાત હૈ’નું સુંદર ઍન્કરિંગ સંભાળ્યું હતું અને સોની ટીવીની સિરિયલ ‘ઇત્તી સી ખુશી’માં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ સાથે જ તેઓ ડાન્સ રિયલિટી શો ‘કર ધમાલ ગુજરાત’માં જજ તરીકે પણ કાર્યરત રહ્યાં હતાં. નાટકો અને સિરિયલોની સાથોસાથ નેહા મહેતાએ ફિલ્મી પડદા પર પણ પોતાની અદાકારીનાં કામણ પાથર્યાં છે. તેમણે હિન્દી ફિલ્મ ‘EMI’માં કામ કરવા ઉપરાંત પ્રાદેશિક ગુજરાતી સિનેમામાં અનેક યાદગાર ફિલ્મો આપી છે. ખાસ કરીને તેમની ડેબ્યુ ફિલ્મ ‘મહિયર મારું લાખનું, સાસરિયું સવા લાખનું’ ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં બ્લૉકબસ્ટર સાબિત થઈ હતી અને ઘરે-ઘરે લોકપ્રિય બની હતી. આ જ જોશ સાથે તેમણે ફિલ્મ ‘પ્રેમ એક પૂજા’ અને ત્યાર બાદ ‘જન્મોજનમ’માં પણ લીડ રોલ ભજવ્યો હતો. વર્ષો બાદ ડિરેક્ટર આશિષ કક્કડની અત્યંત વખણાયેલી અને મૉડર્ન ગુજરાતી સિનેમાની શરૂઆત ગણાતી ઑફબીટ ફિલ્મ ‘બેટર હાફ’માં તેમનો સ્માર્ટ અભિનય વિવેચકોને પણ ખૂબ ગમ્યો હતો. તાજેતરમાં જ વુમન-સેન્ટ્રિક ગુજરાતી ફિલ્મ ‘હલકી ફુલકી’માં નેહા મહેતા લીડ પાત્રમાં જબરદસ્ત પ્રભાવ પાડી ચૂક્યાં છે.
ચાહકોનો પારાવાર પ્રેમ
મને દરેક બાબતમાં દરેક તબક્કે અને હંમેશાં અઢળક પ્રેમ, આશીર્વાદ અને સપોર્ટ મળતો રહ્યો છે એવું માનતાં નેહા મહેતા પોતાના ચાહકો સાથેના કેટલાક અનુભવો વિશે વાત કરતાં કહે છે, “હું ‘સો દાડા સાસુના’ શો કરી રહી હતી ત્યારની વાત છે. અમે ગુજરાતના પ્રવાસે પ્રમોશન ટ્રિપ માટે ગયાં હતાં. ત્યાં અમને એક એવો પરિવાર મળ્યો જેમણે તેમની દીકરીનું નામ મારા ‘અનુરાધા’ના પાત્રથી પ્રભાવિત થઈને અનુરાધા રાખ્યું હતું અને એ વાત મારા હૃદયને સ્પર્શી ગઈ. એક શહેરમાં એક સાસુ-વહુ હતાં. ત્યાં વહુએ કહ્યું કે મને મારી સાસુએ એવી ટ્રેઇનિંગ આપી છે કે ‘એકદમ અનુરાધા જેવી વહુ બનજે. એવી જ રીતે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’નાં અંજલિભાભીના પાત્ર માટે તો ગણ્યાગણાય નહીં એવા અનુભવો થયા છે. કેટલાય ચાહકોએ મને અઢળક વાર કહ્યું છે કે લગભગ બધી જ સ્ત્રીઓ એવું ઇચ્છે છે કે જો કપલ હોય તો અંજલિ અને તારક મહેતા જેવું હોય, નહીંતર ન હોય! કારણ કે ‘અંજલિભાભી, તમે તમારા પતિની હેલ્થનું કેટલું બધું ધ્યાન રાખો છો! બીજો એક કિસ્સો કહું. એક વાર અમેરિકાથી કેટલાક લોકો અમને મળવા આવ્યા હતા. તેઓ ખાસ મને અને શૈલેશસરને એ કન્ફર્મ કરવા આવ્યા હતા કે અમે બન્ને સાચે જ રિયલ લાઇફમાં પતિ-પત્ની નથીને? કારણ કે ‘ચિત્રલેખા’માં છપાઈ રહેલી ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ની નવલકથામાં તારક મહેતા અને શ્રીમતીજી વાસ્તવિક જીવનમાં એક કપલ છે. તેથી ઘણાને લાગતું કે અમે સાચાં પતિ-પત્ની હોઈશું. આજે પણ જ્યારે હું ક્યાંય જાઉં છું ત્યારે ઑડિયન્સ સૌથી પહેલાં કારેલાં જૂસ અને ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના ડાયટ-પ્લાનની બૂમો પાડે છે. મહિલાઓ મને પૂછે છે કે અમારા પતિને તમારા પતિ તારક જેવા કેવી રીતે બનાવીએ? એ રીતે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’નું મારા હૃદયમાં એક ખાસ સ્થાન છે. એવી જ રીતે ‘વાહ વાહ ક્યા બાત હૈ’ શો પછી તો લોકો મને સાચે જ એક કવયિત્રી માનવા લાગ્યા હતા, જે વાતે મને એક ઍન્કર તરીકે પણ વધુ જવાબદાર બનાવી દીધી હતી.’
મજ્જાની લાઇફ
નેહા માને છે કે જીવનમાં જે ધાર્યું હોય એ ન મળે તો પણ ઈશ્વર કંઈક એનાથી બહેતર જ આપતો હોય છે. નેહા કહે છે, ‘મારા પરિવારજનો ક્યારેક મજાક કરતા હોય છે કે તારે કરવી હતી પૂજા, પણ તને કરવા મળી અર્ચના... એટલે કે મારે આર્ટમાં આગળ વધવું હતું, પણ હું આગળ વધી ઍક્ટિંગમાં. જોકે ઍક્ટિંગ એ પણ એક જાતનું આર્ટ ફૉર્મ જ તો છે. અત્યારે હું મારી લાઇફનો આ ફેઝ ખૂબ એન્જૉય કરી રહી છું. ફિલ્મોનાં નરેશન ચાલે છે, સોશ્યલ મીડિયા પર ઍક્ટિવ થઈ છું અને ગમતાં બધાં જ કાર્યો કરી રહી છું. જ્યાં-જ્યાં વસે ગુજરાતી ત્યાં-ત્યાં મારા કામને પહોંચાડવા માટે નવા-નવા પ્રોજેક્ટ્સ પ્લાન કરી રહી છું.’
જલદી ફાઇવ
કોઈ એવી વાત જે બહુ ઓછા લોકો જાણે છે? મને ગૌપાલન ખૂબ ગમે છે. પાટણ જાઉં ત્યારે ફ્રેન્ડ પાસેથી એ શીખું છું. મેં જૈવિક ખેતીનો પ્રૉપર કોર્સ પણ કર્યો છે. મને ફરવાનો ખૂબ જ શોખ છે. કોઈ નૉર્મલ વર્કિંગ પ્રોફેશનલ કરતાં હું વધારે ફરતી હોઉં છું.
તમારો લાઇફ-મંત્ર શું છે? જેટલો મોટો સંઘર્ષ એટલો જ મોટો હર્ષ પણ.
મનપસંદ ખાવાનું? હું પાકી ફૂડી છું. રાંધવાનો શોખ નથી, પણ લોકોને પ્રેમથી ખવડાવવાનો બહુ શોખ છે. અમદાવાદની દાબેલી, દાલવડાં, ફાફડા અને ઘરે બનેલી ઘીવાળી ગરમાગરમ રોટલી અને ચૉકલેટ મારું કમ્ફર્ટ ફૂડ છે.
કોઈ ખાસ ફોબિયા ખરો? મને ઊંચાઈનો ભયંકર ડર હતો, પણ સિંગાપોરમાં જઈને બન્જી જમ્પિંગ કર્યું અને એ ડરને કાયમ માટે હવામાં ફગાવી દીધો. હા, ગરોળી અને કૉક્રૉચથી હજીયે બહુ ડર લાગે છે.
બકેટ-લિસ્ટમાં શું છે? રેડિયો જૉકી તરીકે કામ કરવું છે, ઑસ્કર અને ફિલ્મફેર મેળવવો છે એટલે હજી તો ઘણું બાકી છે. ઇન ફૅક્ટ, હું તો કહીશ કે ‘અભી તો પાર્ટી શુરૂ હુઈ હૈ.’