દીકરાને મમ્મીનું નામ રાખવાની સલાહ આપી કુમાર સાનુએ

26 November, 2020 07:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દીકરાને મમ્મીનું નામ રાખવાની સલાહ આપી કુમાર સાનુએ

કુમાર સાનુ

કુમાર સાનુએ તેના દીકરા જાન કુમાર સાનુને સલાહ આપી છે કે તે પોતાના નામમાંથી તેનું નામ કાઢીને તેની મમ્મીનું નામ જોડી દે. જાન કુમાર સાનુ હાલમાં જ ‘બિગ બૉસ’ 14માંથી બહાર નીકળ્યો છે. આ રિયલિટી શોમાંથી બહાર નીકળીને તેના ડૅડી કુમાર સાનુ વિશે જાન કુમાર સાનુએ કહ્યું હતું કે ‘તેઓ મારી લાઇફનો ભાગ નથી. તેમણે કદી પણ મને સપોર્ટ નથી કર્યો કે કદી પણ મને એક સિંગર તરીકે પ્રમોટ પણ નથી કર્યો. શરૂઆતમાં તેમણે સોશ્યલ મીડિયામાં વિડિયો શૅર કરીને મારા ઉછેર પર સવાલ કર્યા હતા અને બાદમાં મારા કામને સપોર્ટ કરતો વિડિયો અપલોડ કર્યો હતો. એથી મને લાગે છે કે તેમનામાં મારા માટે મિક્સ્ડ ફીલિંગ છે. મેં એ વિડિયો નથી જોયા. મારા ઉછેર પર સવાલ કરવાનો કોઈને અધિકાર નથી, કારણ કે દરેકે મને શોમાં જોયો અને મારા ઉછેરની પ્રશંસા પણ કરી છે.’

જાન કુમાર સાનુના આરોપોનો જવાબ આપતાં કુમાર સાનુએ કહ્યું હતું કે ‘તેણે મને ઇન્ડસ્ટ્રીના કેટલાક લોકોને જેમને હું ઓળખું છું તેમને કૉલ કરવા કહ્યું હતું. તો મેં મુકેશ ભટ્ટજી, રમેશ તૌરાણી અને અન્ય લોકોને કૉલ કર્યા હતા. બાદમાં જાન તેમને મળવા પણ ગયો હતો. હવે એ તો તેમના પર છે કે તેઓ કામ આપે છે કે નહીં. ખરું કહું તો જાન મારી કૉન્સર્ટમાં આવવા માગતો હતો તો હું તેને મારી સાથે સામેલ પણ કરતો હતો. તેને તેની મમ્મી પ્રતિ જે માન છે એની હું પ્રશંસા કરું છું. મારી તો એવી ઇચ્છા છે કે તે હજી ખૂબ તેની મમ્મીને રિસ્પેક્ટ આપે. હવેથી તેણે પોતાનું નામ જાન કુમાર સાનુ નહીં પરંતુ જાન રીટા ભટ્ટાચાર્ય લખવું જોઈએ. પહેલી વાત તો એ કે રીટાજીએ તેના માટે ઘણુંબધું કર્યું છે. બીજું એ કે લોકો તેની મારી સાથે સરખામણી શરૂ કરશે, જે તેના જેવા ન્યુકમર માટે સારું ન કહેવાય. તેને સફળ જોઈને હું પોતાને ખુશ પિતા માનીશ.’

entertainment news indian television television news tv show Bigg Boss bigg boss 14