વાઇફ નિશાનું અફેર હોવાનો આરોપ મૂક્યો કરણ મેહરાએ

05 August, 2022 05:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગયા વર્ષે ૩૧ મેએ નિશાએ ઘરેલુ હિંસાનો આરોપ કરતાં ગોરેગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી

નિશા રાવલ અને કરણ મેહરા

કરણ મેહરાએ તેની વાઇફ નિશા રાવલ પર એક્સ્ટ્રામૅરિટલ અફેર હોવાનો આરોપ મૂક્યો છે. તેનું કહેવું છે કે તેની પાસે કોઈ પુરાવા નહોતા એથી તેણે આ વાત નહોતી કરી અને હવે પુરાવા તેણે કોર્ટમાં જમા કરાવ્યા છે. નિશાનું તેના જ ‘મુંહબોલા’ ભાઈ રોહિત સાટિયા સાથે અફેર હોવાનો દાવો તેણે કર્યો છે. તેનું એમ પણ કહેવું છે કે જ્યારે તે કોવિડમાંથી રિકવર થયો તો રોહિતે તેની સાથે મારપીટ કરી હતી. સાથે કરણનું એમ પણ કહેવું છે કે નિશાએ જે રિયલિટી શોમાં ભાગ લીધો હતો એમાં પૈસા મેળવવા તે તેના કૅરૅક્ટર પર કીચડ ઉછાળતી હતી. ગયા વર્ષે ૩૧ મેએ નિશાએ ઘરેલુ હિંસાનો આરોપ કરતાં ગોરેગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. કરણની ધરપકડ બાદ તેને જામીન પર છોડવામાં આવ્યો હતો. હવે નિશાએ કરેલા તમામ આરોપોનો વળતો જવાબ આપવા માટે પ્રેસ- કૉન્ફરન્સ કરીને કરણ મેહરાએ કહ્યું કે ‘નિશા મારા જ ઘરમાં પરપુરુષ સાથે રહેતી હતી. અમે પુરાવા કોર્ટમાં રજૂ કર્યા છે અને એથી આજે હું એ વિશે બોલી રહ્યો છું. નિશા રાવલના ડિવૉર્સ નથી થયા અને તેનું એક્સ્ટ્રામૅરિટલ અફેર છે. રોહિત સાટિયા જે ૧૪ વર્ષથી તેનો ‘મુંહબોલા’ ભાઈ છે, તેણે જ તેનું ‘કન્યાદાન’ કર્યું હતું. મારા પાસે અગાઉ પુરાવા નહોતા. આ જ કારણ છે કે હું કાંઈ નહોતો બોલ્યો. રોહિત ચેઇન સ્મોકર છે, તે દારૂ પીએ છે, ગુટકા, પાન બધું જ ખાય છે. મેં કદી પણ આ વસ્તુઓનો નશો નથી કર્યો. તે મારા જ ઘરમાં નિશા અને મારા દીકરા સાથે રહે છે, જે અનેક સવાલ ઊભા કરે છે. મેં કદી પણ એ વિશે નથી પૂછ્યું અને એક પિતા તરીકે હું શું કરી શકું? આ જ કારણ છે કે હું મારા દીકરાની કસ્ટડી માટે ફાઇટ કરી રહ્યો છું. મારા બાળકને હું નથી મળી શકતો. રોહિતની દીકરી કવીશને રાખડી બાંધે છે. અમારા બધાં સગાંઓ આ વાત જાણે છે. તેમને શું જવાબ આપીશ? હું સત્ય માટે લડાઈ લડી રહ્યો છું અને લડતો રહીશ.’
 આ આરોપો વિશે પૂછવામાં આવતાં નિશાએ કહ્યું કે ‘હું એના પર કંઈ પણ કમેન્ટ નહીં કરું. હું જાણું છું કે તેણે પ્રેસ-કૉન્ફરન્સ કરી છે. એવું જરૂરી નથી કે તે જે પણ નિવેદન આપે એના પર હું કમેન્ટ કરું.’

entertainment news television news indian television karan mehra nisha rawal