જેટલું ખાવું હોય એટલું ખાઓ વજન જરાય નહીં વધે

06 July, 2025 07:09 AM IST  |  Mumbai | Jigisha Jain

પોતાને પાક્કી ગુજરાતણ ગણાવતાં તે કહે છે કે તેનો પ્રથમ પ્રેમ ફૂડ છે. ખાવાની ખૂબ શોખીન હેલીને જો આ વરદાન મળી જાય તો ચાર હાથે ખાવાની તેની ઇચ્છા છે.

હેલી શાહ

આવું વરદાન જોઈએ છે હેલી શાહને ભગવાન પાસેથી. પોતાને પાક્કી ગુજરાતણ ગણાવતાં તે કહે છે કે તેનો પ્રથમ પ્રેમ ફૂડ છે. ખાવાની ખૂબ શોખીન હેલીને જો આ વરદાન મળી જાય તો ચાર હાથે ખાવાની તેની ઇચ્છા છે. ખૂબ જ નાની ઉંમરથી ટીવી-સિરિયલોમાં કામ કરતી હેલી ‘સ્વરાંગિની’ સિરિયલ થકી ખાસ્સી પ્રસિદ્ધ થઈ હતી. હાલમાં તેની ગુજરાતી ફિલ્મ ‘ડેડા’ રિલીઝ થઈ છે ત્યારે જાણીએ આ જાણીતી અભિનેત્રી વિશે કેટલુંક જાણવા જેવું

ઘણા લોકો મુંબઈ પોતાનાં સપનાં પૂરાં કરવા આવે છે અને ઘણા લોકોને મુંબઈ પોતે બોલાવે છે અને લોકો અહીં આવીને સપનાં જોતાં શીખે છે. ૧૫ વર્ષની નાની ઉંમરે હેલી શાહને મુંબઈએ અમદાવાદથી અહીં ઍક્ટિંગ કરવા માટે બોલાવી. એક વખત કામ શરૂ થઈ જાય પછી એની મેળે એ આગળ વધતું રહે અને તમને ખબર જ નહીં પડે કે ક્યારે તમે એમાં રંગાઈ ગયા. હેલી જોડે પણ એવું જ થયું. બૅક ટુ બૅક ટીવી-સિરિયલો કરતાં-કરતાં ક્યાં બાળપણ જતું રહ્યું તેને ખબર પણ ન પડી. ઍક્ટિંગમાં તે પોતાની સ્કિલ વધારતી ચાલી. ખૂબ મહેનત કરતી ગઈ અને એક દિવસ તેને તક મળી એક ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મ ‘કાયાપલટ’ કરવાની. સ્ટોરી એટલી સરસ હતી કે તેણે આ પ્રોજેક્ટ સાઇન કરી લીધો. જે વ્યક્તિ સતત કામ કર્યા કરે એ વ્યક્તિને કદાચ સપનાં જોવા જેટલો પણ સમય મળતો નથી. એવું જ હેલીનું હતું. તેણે ક્યારેય નહોતું વિચાર્યું કે તે ફિલ્મ-ઍક્ટ્રેસ બનશે, પણ કામ જ કામને આકર્ષે એમ ટીવી કરતાં-કરતાં આ ફિલ્મ મળી. ૨૪ દિવસનું જમ્મુમાં શૂટિંગ થયું અને આ ફિલ્મનું પ્રીમિયર હતું વિયેતનામમાં. મીડિયામાં ઘણી ચહલપહલ હતી કે હેલી શાહની પહેલી હિન્દી ફિલ્મ આવી રહી છે, પણ હેલી માટે બધું મેકૅનિકલી એની મેળે ચાલી રહ્યું હતું. તેને સમજાતું જ નહોતું કે શું થઈ રહ્યું છે. પ્રીમિયર શરૂ થયું અને ડાર્ક થિયેટર હૉલમાં સ્ક્રીન પર નામ આવ્યું ઇન્ટ્રોડ્યુસિંગ ‘હેલી શાહ’ અને આખા થિયેટરમાં ફેલાયેલા લોકોએ ચિચિયારી કરીને એ નામને વધાવી લીધું. આ મોટા પડદા પર મારું નામ. પોતાનું નામ વાંચીને હેલીનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. પહેલા સીનમાં જ ખુદને જ્યારે સિનેમાના પડદે જોઈ ત્યારે નાનપણથી કરેલી બધી સ્ટ્રગલ અને દિવસ-રાતની મહેનત જાણે ફ્લૅશબૅકની જેમ મગજમાં ચાલી રહી હતી અને હૃદય એટલું ભરાઈ આવ્યું કે આંસુ છલકાઈ ગયાં. આ અનુભવ વિશે વાત કરતાં હેલી શાહ કહે છે, ‘મેં ક્યારેય સપનું નહોતું જોયું કે હું ઍક્ટર બનીશ, પણ પછી કામ કરતાં-કરતાં લાગવા લાગ્યું કે ફિલ્મોમાં કામ કરવાની મજા આવશે. તક મળી અને ઝડપી લીધી, પણ જ્યારે પહેલી વાર ખુદને મોટા પડદા પર જોઈ ત્યારે લાગ્યું કે ખરેખર, સિનેમા લાર્જર ધૅન લાઇફ જ છે. હું આ પડદા સુધી પહોંચી શકી એ ખૂબ મોટી વાત છે મારા માટે. કૃતજ્ઞતાથી મન ભરાઈ ગયું હતું. એ ક્ષણ જીવનની યાદોના ટોપલામાં મેં સજાવીને ગોઠવી દીધી. ક્યારેક ખુદ સાથે બેઠી હોઉં તો એને મમળાવવાની મજા લેતી હોઉં છું.’

૨૦૨૨માં પોતાની આ પહેલી હિન્દી ફિલ્મ ‘કાયાપલટ’ માટે તે ફ્રાન્સના પ્રતિષ્ઠિત કાન ફિલ્મ ફેસ્ટિવલની રેડ કાર્પેટ પર ચાલી હતી. લૉરિયલ પૅરિસ દ્વારા યોજાયેલી ઇવેન્ટમાં રેડ કાર્પેટ પર ચાલનારી તે પહેલી ટેલિવિઝન ઍક્ટ્રેસ બની. આ ફિલ્મને ૧ મહિના માટે ફક્ત જમ્મુ-કાશ્મીરમાં જ રિલીઝ કરવામાં આવી હતી.

અમદાવાદમાં ઉછેર

ટીવીમાં ‘સ્વરાંગિની’ સિરિયલથી ખાસ્સી પ્રસિદ્ધિ પામેલી ૨૯ વર્ષની હેલી શાહની હાલમાં એક ગુજરાતી ફિલ્મ ‘ડેડા’ રિલીઝ થઈ છે જેમાં પહેલી વાર તે એક પ્રેગ્નન્ટ સ્ત્રીનું કિરદાર નિભાવી રહી છે. અમદાવાદમાં ઊછરેલી હેલી શાહ ભણવામાં એકદમ હોશિયાર હતી અને મોટી થઈને ડૉક્ટર બનવાનાં સપનાં જોતી હતી. એ વિશે વાત કરતાં હેલી કહે છે, ‘મને ભણવામાં ખૂબ રસ હતો. સાયન્સ મને ખૂબ ગમતું. મેં બારમા ધોરણમાં સાયન્સ જ લીધું હતું પણ શૂટિંગ અને કામને લીધે હું ભણવામાં એટલું ફોકસ ન કરી શકી. વળી ત્યાં સુધીમાં મેં નક્કી પણ કરી લીધેલું કે હું ઍક્ટિંગમાં જ આગળ વધીશ એટલે મેડિકલમાં ન જવાનો અફસોસ ન થયો, પણ મારે ભણવું તો હતું એટલે મેં કેમિસ્ટ્રીમાં બૅચલર્સ ડિગ્રી મેળવી. નાનપણ યાદ કરું તો પુસ્તકો વચ્ચે ઘેરાયેલી હેલી જ મને યાદ છે. મેડિકલ એક એવું પ્રોફેશન છે જેણે મને ઘણી ઇન્સ્પાયર કરી છે. આજે પણ એના વિશે જોવા-જાણવાનું મને ગમે.’

કામની શરૂઆત

હેલીના પપ્પા વકીલ હતા અને એક સરકારી સ્કૂલના પ્રિન્સિપાલ હતા. મમ્મી હાઉસવાઇફ હતાં. ઘરમાં કોઈ આર્ટ કે મીડિયામાં નહોતું તો પછી એક ભણેશરી છોકરીને માતા-પિતાએ ઍક્ટિંગ તરફ કઈ રીતે વાળી? આ પ્રશ્નનો જવાબ આપતાં હેલી કહે છે, ‘મારા ભાઈને મમ્મી મૉડલિંગ કરાવડાવતી. જાહેરખબરો અને અમુક પ્રકારના શોઝમાં તેણે બાળક તરીકે કામ કરવાનું શરૂ કર્યું. તે શૂટિંગમાં જાય ત્યારે કઈ છોકરીની ડિમાન્ડ હોય તો મારી પાસે કામ કરાવી લે, એમ ચાલ્યું. મને ઍક્ટિંગમાં જરાય રસ નહોતો ત્યારે. એવું પણ નહોતું કે મોટા થઈને આવું કંઈ કામ કરીશ, પણ ખૂબ નાની ઉંમરમાં જ એટલે કે હું આઠમા ધોરણમાં હતી ત્યારે સ્ટારપ્લસ પર આવતી ‘ગુલાલ’ સિરિયલમાં મને કામ મળ્યું. એ માટે અમે મુંબઈ આવ્યા. ૬ મહિના કામ કરી હું ફરી અમદાવાદ જતી રહી. ભણવાનું ચાલુ રાખ્યું પણ ‘ગુલાલ’ કરી લીધા પછી મને લાગ્યું કે હું આ કામ કરી શકું છું, મને એ કરવાનું ગમે છે; એટલે જો હવે કામ મળશે તો હું ના નહીં પાડું, કરીશ એમ વિચારીને મેં કામ શરૂ કર્યું.’

કરીઅર

‘સ્વરાંગિની’ સિવાય હેલીએ ‘અલક્ષ્મી-હમારી સુપર બહૂ’, ‘ખેલતી હૈ ઝિંદગી આંખમિચૌલી’, ‘ખુશિયોં કી ગુલ્લક આશી’, ‘દેવાંશી’, ‘ઇશ્ક મેં મરજાવાં 2’ જેવી સિરિયલોમાં કામ કર્યું છે. ‘સુફિયાના પ્યાર મેરા’ નામની સિરિયલમાં તેણે ડબલ રોલ પણ નિભાવ્યો હતો. હેલીએ ‘ઝલક દિખલા જા’ જેવા રિયલિટી શોમાં પણ ભાગ લીધો છે. ‘કાયાપલટ’ સિવાય હેલીએ ‘ઝીબા’ નામની ફિલ્મ કરી જેમાં ઇરમ નામનું કિરદાર તેણે નિભાવેલું. આ જ વર્ષે તેની બે ગુજરાતી ફિલ્મો રિલીઝ થઈ. પહેલાં ‘સરપ્રાઇઝ’ અને હવે ‘ડેડા’. આ વર્ષે તેણે જિયો હૉટ સ્ટાર પર ‘ઝ્યાદા મત ઉડ’ નામની કૉમેડી સિરીઝ પણ કરી. ‘ગુલ્લક’, ‘નામ નામક નિશાન’ અને ‘પિરામિડ’ જેવી જાણીતી વેબ-સિરીઝ પણ તેણે કરી. 

હિન્દી ટીવી-સિરિયલો અને હિન્દી ફિલ્મો પછી ગુજરાતી ફિલ્મો કરવાના પોતાના સજાગ નિર્ણય વિશે વાત કરતાં હેલી શાહ કહે છે, ‘એક ઍક્ટરે કોઈ પણ પ્રકારમાં બંધાઈને રહેવું ન જોઈએ એ સમજ મને આવી છે. મારે ઘણા જુદા-જુદા પ્રકારના રોલ નિભાવવા છે, અનુભવ લેવો છે તો નક્કી વાત છે કે મારે જુદાં-જુદાં માધ્યમોમાં કામ કરવું જ જોઈએ. એમાં મને ગુજરાતી-મારી માતૃભાષાની ફિલ્મ મળે તો હું ખુશી-ખુશી એ કરું એ તો નક્કી વાત છે. મને આજની તારીખે સાઉથની કોઈ ફિલ્મ પણ ઑફર કરશે તો હું કરીશ. ‘ડેડા’માં મેં પહેલી વાર એક પ્રેગ્નન્ટ સ્ત્રીનું કિરદાર નિભાવ્યું છે. અલગ-અલગ પાત્રો અલગ-અલગ ચૅલેન્જિસ લઈને આવે છે જેમાં એક ઍક્ટર તરીકે તમે ઘણું શીખો છો.’

લગ્ન કરવાં તો છે...

હેલી પહેલાં અમદાવાદથી મુંબઈ થોડો સમય આવે, શૂટિંગ પતાવી પાછી અમદાવાદ જાય અને ભણે એમ થોડાં વર્ષો ચાલ્યું. પણ પછી કામ એટલું વધી ગયું કે મુંબઈ મમ્મી સાથે કાયમી શિફ્ટ થઈ ગઈ. ભાઈ પણ અહીં હેલી સાથે જ રહે છે અને IT ઇન્ડસ્ટ્રીમાં કામ કરે છે. હેલીના પપ્પાને મુંબઈ ગમતું નથી એટલે તેઓ અમદાવાદમાં જ રહે છે, જેને કારણે મમ્મીને મુંબઈ-અમદાવાદના ફેરા રહે છે. તો પછી લગ્નનો શું પ્લાન છે? એ વાત પર હસી દેતાં હેલી શાહ કહે છે, ‘લગ્ન તો કરવાં જ છે પણ ઉતાવળ નથી. કોઈ યોગ્ય પાત્ર મળશે તો ચોક્કસ કરી લઈશ. મને એવી વ્યક્તિ જોઈએ છે જે માણસ અવ્વલ દરજ્જાનો હોય. મારું કોઈ ચેક-લિસ્ટ નથી. મને એવું નથી કે આવો હોય કે તેવો હોય, પણ એક માણસ તરીકે તે ખરું સોનું હોય એવી અપેક્ષા છે.’

નો પ્લાનિંગ પ્લીઝ

જીવનમાં કોઈ બાબતે અફસોસ ખરો? આ વાત માટે નિખાલસતાથી સ્વીકારતાં હેલી શાહ કહે છે, ‘મને અફસોસ એટલે નથી કારણ કે હું કશું પ્લાનિંગ નથી કરતી. કશું પ્લાન કરીએ અને એ પ્રમાણે થાય નહીં તો હાલત ખૂબ ખરાબ થઈ જાય છે. મન ઉદાસ થઈ જાય. હકીકતે એવું જ છે કે આપણે પ્લાન કરીએ, પણ જીવન આપણી પાસેથી કંઈ જુદું જ ઇચ્છતું હોય એટલે એ પ્લાન સફળ ન થાય. એટલે નાનપણથી જ હું ‘ગો વિથ ધ ફ્લો’ના નિયમ પ્રમાણે જ ચાલું છું. પ્લાનિંગની જો વાત કરું કે આજે સવારે વિચાર્યું કે જિમ તો જવું જ છે, પણ ન જઈ શકાયું. જો આટલી નાની બાબત પણ પ્લાનિંગ પ્રમાણે ન થતી હોય તો મોટા નિર્ણયોનું તો શું કહેવું? ક્યારેક અફસોસ થઈ આવે કે કૉલેજ લાઇફ જેવી નૉર્મલ લોકોએ માણી હોય એનાથી હું વંચિત રહી ગઈ, જેટલું ભણવું હતું એ ન ભણી શકી, પણ પછી સમજાય છે કે સારું છે એ પ્લાનિંગ પ્રમાણે ન થયું તો આજે હું જે છું એ હું ન બની શકી હોત!’

હું અને મારો પ્રથમ પ્રેમ

હેલી શાહને જ્યારે પૂછ્યું કે તમારો ફર્સ્ટ લવ શું છે? તો એ પ્રશ્નના જવાબમાં તેણે ખૂબ મજાથી કહ્યું, ‘ફૂડ! હું પાક્કી ગુજરાતી છું. ચાટથી લઈને ચાઇનીઝ સુધી અને દાળ-ભાતથી લઈને ડિઝર્ટ સુધી બધું ખૂબ ભાવે મને. પાણીપૂરી તો મને દિવસના ગમે તે સમયે આપો, હું ખાઈ શકું. મને મારાં નાનીના હાથનું જમવાનું ખૂબ ભાવતું. અમુક ભોજન હોય જે શરીર સુધી પહોંચે, પણ તેમના હાથે બનાવેલું ભોજન આત્મા સુધી પહોંચતું. હું એ રીતે પણ ગુજરાતી જ જીન્સ ધરાવું છું કે જેવું થોડુંક પણ કંઈક ખાઉં કે તરત જ શરીર પર દેખાય. એટલે હું ઇચ્છું છું કે ભગવાન મને વરદાન આપે કે તું જે પણ ખાય એનાથી વજન નહીં વધે તો હું ચાર હાથે ખાઈ શકું. અને એ મારા જીવનનો અતિ હૅપી ફેઝ હશે.’

જલદી ફાઇવ

 શોખ - મને ગાવાનો શોખ છે પણ એકલાં, બધાની વચ્ચે નહીં. બધા હોય ત્યારે ગાવામાં હું એકદમ કૉન્શિયસ થઈ જાઉં છું એટલે એકલી ગાતી હોઉં, ખુદ માટે.

 શું ખૂબ ગમે? - કામ અને દુનિયાદારીથી દૂર ભાગી જવાનું મન થાય ત્યારે એ એસ્કેપ મને ડ્રાઇવિંગમાં મળે છે. કાર લઈને નીકળી પડો. હું સતત ૪-૫ કલાક ડ્રાઇવ કરી શકું છું અને મને ખૂબ મજા આવે.

 શેનાથી ડર લાગે? – ગરોળીથી.

 અફસોસ - સ્વિમિંગ નથી આવડતું. એ એક લાઇફ-સ્કિલ છે અને શીખવું જ જોઈએ એમ વિચારી મેં ત્રણ વાર પૈસા ભર્યા, પણ એક વખત ઇન્જરીને કારણે, બીજી વખત કોવિડને કારણે અને ત્રીજી વખત પૂલ રિનોવેશનમાં જતો રહ્યો એટલે શીખવાનું ટળતું જ રહ્યું.

ટ્રાવેલ-પ્લાન - આ વર્ષે જપાન જવું છે.

television news indian television colors tv ahmedabad gujarati film cannes film festival zee5 zee tv entertainment news web series