હું ખરાબ વર્તન કરતી હતી તો આજ સુધી તેઓ ચૂપ કેમ હતા? : જેનિફર

13 May, 2023 06:28 PM IST  |  Mumbai | Harsh Desai

તેનું કહેવું છે કે હોળીના દિવસે મારી દીકરી સાથે સમય વિતાવવા માટે મેં રજા માગી હતી, પરંતુ મને એ નહોતી આપવામાં આવી અને સોહેલે મને ગેટઆઉટ કહ્યું હતું

અસિતકુમાર મોદી, જેનિફર મિસ્ત્રી બન્સીવાલ

જેનિફર મિસ્ત્રી બન્સીવાલે કહ્યું કે જો તે સેટ પર આટલાં વર્ષોથી ખરાબ વર્તન કરતી આવી હતી તો મેકર્સ આટલા સમયથી ચૂપ કેમ હતા. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં તે છેલ્લાં પંદર વર્ષથી કામ કરી રહી છે. તેણે હાલમાં જ અસિતકુમાર મોદી પર સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટનો આરોપ મૂક્યો છે તેમ જ શોના પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણી અને જતિન બજાજ પણ તેની સાથે ખરાબ વર્તન કરતા હોવાનું કહ્યું હતું. આ વિશે સોહેલ રામાણી અને જતિન બજાજે કહ્યું હતું કે ‘તે રેગ્યુલર શોની સમગ્ર ટીમ સાથે ખરાબ રીતે વર્તન કરતી હતી. તે જ્યારે શૂટ છોડીને ગઈ હતી ત્યારે તેની કારને એકદમ ફુલ સ્પીડમાં ચલાવીને ગઈ હતી. તેના રસ્તામાં યુનિટની કોઈ પણ વ્યક્તિ આવી જાય એની તેને પરવા નહોતી. તેણે સેટની પ્રૉપર્ટીને પણ ડૅમેજ કરી હતી. શૂટ દરમ્યાનના તેના ખરાબ વર્તન અને તેનામાં ડિસિપ્લિનનો અભાવ હોવાથી અમારે તેનો કૉન્ટ્રૅક્ટ ટર્મિનેટ કરવો પડ્યો હતો.’

સોહેલ રામાણી અને જતિન બજાજના આ સ્ટેટમેન્ટ વિશે પૂછતાં જેનિફરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોહેલ રામાણી જે ખરાબ વર્તનની વાત કરે છે એ મેં તેમની સાથે નહોતું કર્યું, પરંતુ તેઓ મારી સાથે કરી રહ્યા હતા. હોળીના સમયે મને મારી દીકરી સાથે સમય પસાર કરવા માટે વહેલી રજા જોઈતી હતી. મેં તેમને અગાઉથી એ વિશે કહ્યું પણ હતું. જોકે એક દિવસ પહેલાં તેમણે મને ના પાડી દીધી. સેટ પર દરેક વ્યક્તિ માટે ઍડ્જસ્ટ થઈ રહ્યું હતું, પરંતુ તેઓ મારા માટે જ નહોતું કરી રહ્યા. મેં તેમને વિનંતી કરી, પરંતુ તેઓ ટસના મસ ન થયા અને મારી સાથે ખરાબ વર્તન કરવા લાગ્યા. મેં એ સમયે ત્યાંથી જતાં રહેવાનું જ હિતાવહ સમજ્યું, પરંતુ તેમણે ગેટનો દરવાજો બંધ કરી દીધો અને મને જતી અટકાવી. એ સમયે મેં મારી કારને રિટર્ન લીધી તો ત્યાં સોહેલ રામાણી મારી પાસે આવ્યો અને કારનો દરવાજો ખોલીને મને બહાર બોલાવી. મેં તેની સાથે પણ બધી વાત કરી, પરંતુ તેણે મને કહ્યું કે મને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે. આ સાથે જ સોહેલે મને એ સમયે ચાર વાર ગેટઆઉટ એમ કહ્યું હતું અને મને રિપ્લેસ કરવાની ધમકી આપી હતી. મેં તેમને વાંધો નહીં એમ કહ્યું હતું અને એમ પણ કહ્યું હતું કે તમે વધુમાં વધુ મારા પૈસા અટકાવી શકશો. મને પૈસાની જરૂર હતી પરંતુ છતાં મેં તેમને કહ્યું હતું કે કંઈ નહીં, મારા પૈસા પણ તમે ન આપતા. મેં તેમને દાનમાં આપી દીધા હતા. જોકે મેં આજ સુધીએ પૈસાની પણ વાત નહોતી કરી. આ સાત માર્ચે થયું હતું અને તેમણે મને ૨૪ માર્ચે ટર્મિનેશન લેટર મોકલ્યો હતો. મારી પાસે એક અઠવાડિયામાં જવાબ માગ્યો હતો અને મેં મારી વકીલની મદદથી એ જવાબ આપી દીધો હતો. આ વાતને આજે બે મહિના ઉપર થઈ ગયા છે ત્યારે તેઓ કહી રહ્યા છે. જો હું એટલું ખરાબ વર્તન કરતી હોત તો આજ સુધી તેઓ ક્યાં ગયા હતા?’

ચૂપ હતી, કારણ કે મેં ચૂપ રહેવાનું પસંદ કર્યું હતું : જેનિફર
જેનિફરે મિસ્ત્રી બન્સીવાલે કહ્યું છે કે તેણે અત્યાર સુધી ચૂપકી સાધી હતી, કારણ કે તેણે ચૂપ રહેવાનું પસંદ કર્યું હતું. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’માં તે મિસિસ રોશન સોઢીનું પાત્ર ભજવી રહી હતી. તેણે છેલ્લે માર્ચની સાતમીએ શૂટિંગ કર્યું હતું. તેણે અસિતકુમાર મોદી પર સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટનો આરોપ મૂક્યો છે. તેમ જ શોના પ્રોજેક્ટ હેડ સોહેલ રમાણી અને જતિન બજાજ પણ તેની સાથે ખરાબ વર્તન કરતા હોવાનું કહ્યું હતું. આ વિશે સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કરીને જેનિફરે કહ્યું કે ‘હું શાંત છું એથી મને કમજોર ન સમજતા. હું ચૂપ હતી, કારણ કે મારામાં થોડી સેન્સ છે અને મેં ચૂપ રહેવાનું પસંદ કર્યું હતું. ખુદાને ખબર છે કે સત્ય શું છે. યાદ રાખજો, તેના ઘરમાં તારા અને મારામાં કોઈ દિવસ ફરક નથી હોતો.’

ઇન્ક્વાયરી શરૂ કરી પોલીસે
જેનિફર મિસ્ત્રી બન્સીવાલે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના પ્રોડ્યુસર અસિતકુમાર મોદી પર સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટનો આરોપ મૂક્યો હતો. આ માટેની ફરિયાદ તેણે રજિસ્ટર કરાવી હોવાથી પોલીસે હવે ઇન્ક્વાયરી શરૂ કરી છે. નૅશનલ કમિશન ફૉર વિમેન દ્વારા આઠ મેએ ફરિયાદ કરવામાં આવી હતી. જેનિફરે કરેલી ફરિયાદમાં તેણે કહ્યું હતું કે તેની સાથે આવું ઘણી વાર થયું હતું. તે મજાકમાં કાઢી નાખતી હતી, પરંતુ હવે પાણી માથા પરથી જઈ રહ્યું હોવાથી હવે એ માટે તેણે પોલીસ-ફરિયાદ કરી હતી. મેકર્સ દ્વારા જેનિફરના આરોપને પાયાવિહોણા કહેવામાં આવ્યા છે. આ શો ૨૦૦૮થી શરૂ થયો હતો અને હજી પણ ચાલી રહ્યો છે. જેનિફર છેલ્લાં પંદર વર્ષથી આ શોમાં કામ કરી રહી છે. ઇન્ડિયન ટેલિવિઝનમાં આ શો સૌથી લાંબો સિટકૉમ શો છે. આ શોમાં દિલીપ જોષી, મુનમુન દત્તા અને મંદાર ચાંદવડકર પણ કામ કરી રહ્યાં છે.

indian television television news taarak mehta ka ooltah chashmah harsh desai