અભિનવ કોહલીએ કરેલી મારપીટનો વિડિયો જોઈને શ્વેતા તિવારીના સપોર્ટમાં આવી એકતા કપૂર

13 May, 2021 12:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાલમાં શ્વેતા ‘ખતરોં કે ખિલાડી 11’માં ભાગ લેવા માટે સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં છે

વિડિયોનો સ્ક્રીનશૉટ

શ્વેતા તિવારીએ એક વિડિયો શૅર કર્યો છે જેમાં તેનો હસબન્ડ અભિનવ કોહલી તેની સાથે જોર-જબરદસ્તી કરી રહ્યો છે અને તેના દીકરા રેયાંશને પણ ખેંચી રહ્યો છે. આ બે વિડિયો જોઈને એકતા કપૂર, રિદ્ધિમા પંડિત, અશ્મિત પટેલ, સૃષ્ટિ રોડે, ટીજે સિધુ અને કરણવીર બોહરા શ્વેતાના સપોર્ટમાં આવ્યાં છે. એકતા કપૂરે અભિનવની ધરપકડની માગણી કરી છે. અશ્મિત પટેલે તેને સ્ટ્રૉન્ગ રહેવાની સલાહ આપી છે. કરણવીર બોહરાએ તેને તરત કેસ ફાઇલ કરવાની વાત કહી છે. હાલમાં તો શ્વેતા ‘ખતરોં કે ખિલાડી 11’માં ભાગ લેવા માટે સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં છે. થોડા દિવસો પહેલાં જ અભિનવ કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર વિડિયો શૅર કરીને શ્વેતા પર ઘણા આરોપો મૂક્યા હતા કે તે તેના દીકરાને કોઈ હોટેલમાં છોડીને કહ્યા વગર શોમાં ભાગ લેવા ચાલી ગઈ છે. સાથે જ દીકરાને શોધવા માટે તેણે અનેક હોટેલમાં તપાસ કરી હતી, પરંતુ દીકરો ક્યાં છે એ જાણ નથી. એ તમામ આરોપો પર શ્વેતાએ પલટવાર પણ કર્યો હતો. હવે શ્વેતાએ ઇન્સ્ટાગ્રામ પર બે વિડિયો શૅર કર્યા હતા. એક વિડિયો સીસીટીવીનો છે, જેમાં અભિનવ બળજબરીપૂર્વક રેયાંશને શ્વેતા પાસેથી ઝૂંટવી રહ્યો છે. એવામાં રેયાંશને બચાવવા જતાં શ્વેતા જમીન પર પડી જાય છે. આમ છતાં અભિનવ પોતાની મનમાની કરે છે. સોસાયટીના લોકો પણ જમા થઈ જાય છે અને લોકો પણ ચોંકી જાય છે. તો બીજા વિડિયોમાં રેયાંશ પોતાને ચાદરની પાછળ છુપાવી રહ્યો છે અને તેની બહેન પલક તેને શાંત પાડી રહી છે. આ બધી ઘટનાઓથી સ્પષ્ટ થાય છે કે તે નાનું બાળક આ બધું જોઈને ગભરાઈ જાય છે. આ વિડિયો શૅર કરીને શ્વેતાએ કૅપ્શન આપી હતી કે ‘સત્યને બહાર આવવા દો. (આ વિડિયો મારા અકાઉન્ટમાં હંમેશાં નહીં રહે. સત્યને બહાર લાવવા માટે હું આ પોસ્ટ કરી રહી છું. ત્યાર બાદ હું એને ડિલીટ કરી નાખીશ.) આ કારણ છે કે મારું બાળક એનાથી ખૂબ જ ડરે છે. આ ઘટના બાદ મારું બાળક એક મહિનાથી પણ વધુ સમય માટે ડરતું હતું. તેને એટલો ડર લાગતો હતો કે તે રાતે સૂઈ પણ નહોતો શકતો. તેનો હાથ બે અઠવાડિયાં કરતાં વધુ સમય માટે દુખ્યો હતો. આજે પણ તેના પપ્પા ઘરે આવે એ જાણીને તેને ડર લાગે છે. મારું બાળક આ મેન્ટલ ટ્રૉમામાંથી પસાર થાય એ મને પસંદ નથી. તેને શાંત અને ખુશ રાખવા માટે હું ખૂબ જ કોશિશ કરું છું. જોકે આ વ્યક્તિ તેની મેન્ટલ હેલ્થને બગાડવા માટે કોઈ કસર નથી છોડતો. જો આ ફિઝિકલ અબ્યુઝ ન હોય તો શું છે? આ મારી સોસાયટીનું સીસીટીવી ફુટેજ છે.’

આ પોસ્ટ પર એકતા કપૂરે કમેન્ટ કરી હતી કે આ માણસને હજી સુધી અરેસ્ટ કરવામાં કેમ નથી આવ્યો?

entertainment news television news indian television shweta tiwari ekta kapoor