પહેલી વાર સ્ટેજ પર પર્ફોમ કરશે અભિનેતા પુનીત ઇસ્સાર, જોવા મળશે આ હિન્દી નાટકમાં

17 June, 2022 03:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

૧૯૫૦ના દાયકાને આધારિત મ્યુઝિકલ નાટક ‘ધપ્પા’ મુંબઈમાં લોન્ચ થશે

પુનિત ઇસ્સાર

ઓમ થિયેટર મુંબઈ આપ સહુની સમક્ષ એક નવી રજુઆત લઈને આવી રહ્યું છે. ૧૮ જૂનના રોજ સાંજે સાત વાગે બાંદ્રાના સેન્ટ એન્ડ્રુ ઓડિટોરિયમમાં ૧૯૫૦ના દાયકાને આધારિત મ્યુઝિકલ નાટક ‘ધપ્પા’ લોન્ચ થશે. મહત્વની વાત એ છે કે, આપણે બી.આર.ચોપરાની મહાભારતમાં જેને દુર્યોધન તરીકે જોયો છે તે અભિનેતા એટલે કે પુનિત ઇસ્સાર થિયેટરમાં પ્રથમ વખત પ્રાયોગિક ભૂમિકા ભજવતો જોવા મળશે. આ નાટક અક્ષય મિશ્રા દ્વારા દિગ્દર્શિત કરવામાં આવ્યું છે. તેમજ અક્ષય મિશ્રા અને શેરોન ચંદ્રાની લેખન અને પ્રસ્તુતિ છે. ભવ્ય સેટ, વિન્ટેજ ડિઝાઇનર કોસ્ચ્યુમ, અદભૂત સ્ક્રિપ્ટ, મધુર ગીતો અને સંગીત તેમજ નૃત્યથી ભરપૂર આ નાટક છે.

‘ધપ્પા’ ખૂબ જ અર્થપૂર્ણ અને વાસ્તવિક નાટક છે. સ્ટેજ પર કલાકારોને પર્ફોમ કરતા જોઈને લોકો તેમના બલિદાન, પસ્તાવો, જુસ્સો અને દ્રઢતા સાથે સંબંધ સાધી શકશે. આ નાટકમાં અભિનેતા પુનિત ઇસ્સાર એક એવા પાત્રમાં જોવા મળશે જે તેણે ક્યારેય નથી ભજવ્યું. તેની સાથે મુખ્ય ભૂમિકામાં ફિજી ટાપુની વતની થિયેટર અભિનેત્રી અને કથક નૃત્યાંગના શેરોન ચંદ્રા છે.

લેખક અને દિગ્દર્શક અક્ષય મિશ્રા જણાવે છે કે, ‘મુગલ-એ-આઝમ, જલસાઘર, પાકિઝા, જનક જનક પાયલ બાજે વગેરે ફિલ્મોમાં ઉપયોગમાં લેવાતા નૃત્ય, સંગીત, કોસ્ચ્યુમ અને સેટના પ્રકારોથી હું હંમેશા આકર્ષિત હતો. હું તે સમયમાંનો કેટલોક સમય નાટક દ્વારા ફરીથી રજુ કરવા માંગતો હતો. બસ પછી આ જ રીતે ‘ધપ્પા’ નાટકનો જન્મ થયો. પરંતુ તે સરળ નહોતું. મેં તે યુગમાં વગાડવામાં આવતી ઠુમરીના પ્રકારો પર ઘણું સંશોધન કર્યું અને મારા પ્રેક્ષકોને ગમે તેવી ઠુમરીઓ લખવાનો પ્રયત્ન કર્યો. તે સિવાય ૧૯૫૦ના દાયકામાંથી પ્રેરણા લઈને તે સમયની ઝલક દેખાડવા માટે કોસ્ચ્યુમ, સેટ, સગીત, નૃત્ય બધું જ નાટકમાં સમાવવાની કોશિશ કરી છે.’

અભિનેતા પુનિત ઇસ્સાર કહે છે, ‘જ્યારે અક્ષયે મને સ્ક્રિપ્ટ સંભળાવી ત્યારે તરત જ મને લાગ્યું કે ૧૯૫૦ના દાયકાના લેખક અને દિગ્દર્શકનું ચિત્રણ કરવાની અને ઋત્વિક ઘટક, સત્યજીત રે, બિમલ રોય, વી. શાંતારામ, ગુરુ દત્ત, રાજ કપૂર, મહેબૂબ ખાન અને વિજય આનંદ જેવા ફિલ્મ નિર્માતાઓએ અનુભવેલી વાસ્તવિક પીડા દર્શકો સુધી પહોચાડવાની આ મારી તક છે. યોગાનુયોગ, જ્યારે મેં સ્ક્રિપ્ટ વાંચી ત્યારે ‘દુર્યોધન’ વિશે એક પંક્તિ હતી. ત્યારે મને થયું કે, આ સ્ક્રિપ્ટ મારા માટે નિર્ધારિત છે.’

entertainment news indian television television news mumbai bandra