ભાખરવડીમાં કામ કરનાર વ્યક્તિનું કોરોનાને કારણે મૃત્યુ, અન્ય આઠ પૉઝિટિવ

29 July, 2020 05:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભાખરવડીમાં કામ કરનાર વ્યક્તિનું કોરોનાને કારણે મૃત્યુ, અન્ય આઠ પૉઝિટિવ

તસવીર સૌજન્ય: યુટયુબ

‘ભાખરવડી’માં કામ કરનાર એક સિને-કર્મચારીનું કોરોનાને કારણે મૃત્યુ થતાં સિરિયલનું પ્રોડક્શન-હાઉસ તેના ફૅમિલીને પૂરતી મદદ કરશે. આ શોને પ્રોડ્યુસ જે. ડી. મજીઠિયા કરી રહ્યાં છે. એ કર્મચારીના સાથીઓને પણ કોરોનાનું સંક્રમણ થયું છે. અબ્દુલ નામના કર્મચારીનું મૃત્યુ 21 જુલાઈએ થયું હતું. તે સેટ પર દરજીકામ કરતો હતો. આ કારણસર શૂટિંગ પણ બંધ છે. તમામ કલાકારો અને કર્મચારીઓની કોરોના-ટેસ્ટ કરવામાં આવી હતી. એમાંથી ૮ લોકોને સંક્રમણ છે.

11 જુલાઈએ અબ્દુલની તબિયત સારી નહોતી એથી તેને ઘરે જઈને આરામ કરવાનું અને સારવાર લેવાનું કહેવામાં આવ્યું હતું. ડૉક્ટર દ્વારા તેને માત્ર શરદી-ખાંસીની દવા આપવામાં આવી હતી. જોકે દવા લીધા બાદ તેણે ફરી કામ શરૂ કર્યું હતું. સરકારના નિયમ મુજબ સેટ પર દરરોજ લોકોનું ટેમ્પરેચર, ઑક્સિજનનું સ્તર અને તમામ તપાસ કરવામાં આવતી હતી. અબ્દુલે કોરોના-ટેસ્ટ કરાવી હતી, પરંતુ તેના મૃત્યુ બાદ તેનો રિપોર્ટ આવ્યો હતો. સિરિયલના પ્રોડયૂસર અને ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન પ્રોડ્યૂસર્સના વાઈસ ચેરમેન જે ડી મજેઠિયાએ આ વાતની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે, આ દુર્ઘટનાથી તેઓ દુ:ખી છે અને તેના પરિવારને પૂરતી મદદ મળે તેનું ધ્યાન પ્રોડક્શન હાઉસ રાખશે.

જે ડી મજેઠિયા

એક સમાચાર ચેનલને આપેલા ઈન્ટવ્યૂમાં જે ડી મજેઠિયાએ કહ્યું હતું કે, અબ્દુલ કંપની સાથે 10-12 વર્ષથી જોડાયેલો હતો. પહેલી જુલાઈના રોજ તેનું ટેમ્પરેચર 94.8 અને પલ્સ 76 તથા ઓક્સીમીટર 96 હતું. 13 જુલાઈના રોજ ટેમ્પરેચર 91.8 અને પલ્સ 78-80 તથા ઓક્સીમીટર 98 હતું. અબ્દુલે મને તબિયત સારી ના હોવાની વાત કરી હતી અને વચ્ચે તે ડોક્ટર પાસે પણ જઈ આવ્યો હતો. ડોક્ટરે તેને વીકનેસ તથા વાઇરલ ઇન્ફેક્શન થયું હોવાનું કહ્યું હતું. સેટ પર બહુ કામ રહેતું નહોતું અને ટીમ પૂરો સહયોગ આપતી હતી. 11 જુલાઈના રોજ તેની તબિયત સારી હતી. જોકે, 13 જુલાઈએ તેણે ઘરે જવાની વાત કરી હતી અને તે જતો રહ્યો હતો. ટીમ સતત તેના સંપર્કમાં હતી.

કોરોના વાયરસને કારણે નિયમ બનાવવામાં આવ્યો છે કે સેટ પર પરત આવવું હોય તો તમામ મેડિકલ રિપોર્ટ ક્લિયર હોવા જોઈએ. પ્રોડક્શનના એક ગ્રુપે 19 જુલાઈના રોજ અબ્દુલને ફોન પર કહ્યું હતું કે, સેટ પર આવતા પહેલા મેડિકલ રિપોર્ટ આપવા પડશે. અબ્દુલ પણ કામ કરવા માટે આતુર હતો. 21 જુલાઈના રોજ જ્યારે ફોન કર્યો તો તેના પરિવારે કહ્યું કે તેનું અવસાન થઈ ગયું છે. પ્રોડક્શન હાઉસે સેટ પરના તમામ કર્મચારીઓનો ઈન્શશ્યોરન્સ કરાવેલો છે અને બહુ જલ્દી અબ્દુલનો ઈન્શ્યોરન્સ કંપનીને આપીને કાર્યવાહી પુરી કરવામાં આવશે જેથી પરિવારને મદદ મળે.

નોંધનીય છે કે, આજથી એટલે કે 29 જુલાઈથી ફરીવાર ‘ભાખરવડી’નું શૂટિંગ શરૂ થશે. જોકે, શૂટિંગ શરૂ થાય તે પહેલાં પ્રોડ્યૂસરે તમામ ક્રૂ તથા સ્ટાર-કાસ્ટની વાત કોકિલાબેન હોસ્પિટલના ડોક્ટર સાથે કરાવી હતી. દરેકની પરવાનગી સાથે શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હોવાનું પણ જે ડી મજેઠિયાએ જણાવ્યું હતું. કારણકે તેમની માટે માનસ પહેલાં અને કામ પછી આવે છે.

entertainment news television news indian television coronavirus covid19 sab tv JD Majethia