ખડખડાટ હસાવનાર રાજુ શ્રીવાસ્તવે બધાંને રડાવ્યાં, દુનિયાને અલવિદા કહ્યું કલાકારે

21 September, 2022 10:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ નથી રહ્યા. રાજુ શ્રીવાસ્તવનું નિધન થતાં તમામ લોકોને આઘાત લાગ્યો છે.

રાજુ શ્રીવાસ્તવ

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ (Raju Srivastav)નું નિધન થયું છે. 10 ઓગસ્ટના રોજ જીમમાં વર્કઆઉટ દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો હતો. હૃદયમાં અનેક બ્લોકેજના અહેવાલો સામે આવ્યા બાદ, દિલ્હી એઈમ્સના ડૉકટરોની ટીમે રાજુની એન્જીયોગ્રાફી કરવાનો નિર્ણય કર્યો. જો કે તેની સ્થિતિમાં ખાસ સુધારો જોવા મળ્યો ન હતો.

છેલ્લા કેટલાય દિવસોથી વેન્ટિલેટર પર મૃત્યુ સામે લડી રહેલા રાજુ શ્રીવાસ્તવે આજે પોતાનો જીવ છોડી દીધો છે. જ્યારથી રાજુ શ્રીવાસ્તવના મૃત્યુના સમાચાર સામે આવ્યા છે ત્યારથી સમગ્ર દેશમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. દરેક જણ ભીની આંખે રાજુને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

નોંધનીય છે કે કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ છેલ્લા 41 દિવસથી વેન્ટિલેટર સપોર્ટ પર હતા. 10 ઓગસ્ટે તે બેહોશ થઈ ગયા ત્યારથી તે ભાનમાં આવ્યા ન હતા. આ જ કારણ હતું કે ડૉક્ટરો માટે તે મુશ્કેલીનો વિષય બની ગયો હતો.

કાનપુરના રહેવાસી રાજુ શ્રીવાસ્તવનું સાચું નામ સત્ય પ્રકાશ શ્રીવાસ્તવ હતું અને તે પડદા પર ગજોધર ભૈયા તરીકે પ્રખ્યાત હતા. તેમનો જન્મ 25 ડિસેમ્બર 1963ના રોજ થયો હતો. શ્રીવાસ્તવ પોતાના અભિનયથી બધાને ખૂબ હસાવતા હતા.

શ્રીવાસ્તવે રાજકારણમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું હતું. 2014ની લોકસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ તેમને કાનપુર સીટ પરથી મેદાનમાં ઉતાર્યા હતા પરંતુ તેમણે પાર્ટીના સ્થાનિક કાર્યકર્તાઓનું સમર્થન ન મળવાનું કહીને ટિકિટ પરત કરી દીધી હતી. બાદમાં તે જ વર્ષે માર્ટ 2014માં તેઓ ભાજપમાં જોડાયા હતા.

television news raju shrivastav indian television