05 December, 2023 10:45 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દિનેશ ફડનીસ
C.I.D સિરિયલમાં ફ્રેડરિક્સ (Fredericks)ની ભૂમિકા દ્વારા લોકપ્રિય બનેલા અભિનેતા દિનેશ ફડનીસ (Dinesh Phadnis)નું થયું છે. શનિવારે રાત્રે, તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. મુંબઈ (Mumbai)ની તુંગા હૉસ્પિટલ (Tunga Hospital)માં તેમણે અંતિમ શ્વાસ લીધા. દિનેશ ફડનીસના મૃત્યુના સમાચારની પુષ્ટિ C.I.Dના તેના કૉ-સ્ટાર અને અભિનેતા દયાનંદ શેટ્ટી (Dayanand Shetty)એ કરી હતી.
દિનેશ ફડનીસ ૫૭ વર્ષના હતા. ETimes સાથે વાત કરતા, દિનેશના કૉ- સ્ટાર અને નજીકના મિત્ર દયાનંદ શેટ્ટીએ સમાચારની પુષ્ટિ કરી અને કહ્યું કે, ‘હા, એ વાત સાચી છે કે દિનેશ હવે આપણી વચ્ચે નથી રહ્યો. સોમવારે મધરાતે ૧૨.૦૮ વાગ્યાની આસપાસ આ દુર્ઘટના બની હતી. હું અત્યારે તેના ઘરે છું. તેના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે. અંતિમ ક્રિયા માટે તેને દૌલત નગર સ્મશાનભૂમિમાં લઈ જવામાં આવશે. C.I.Dના લગભગ દરેક જણ અત્યારે હાજર છે.’
અગાઉ એવા અહેવાલ હતા કે, અભિનેતા દિનેશ ફડનીસને સ્ટ્રોક આવ્યો હતો જેના પગલે તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, દયાનંદ શેટ્ટીએ હાર્ટ એટેકની અફવાઓને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, અભિનેતાની અન્ય કોઈ બાબતની સારવાર ચાલી રહી છે.
રવિવારે પિન્કવિલાને આપેલા ઇન્ટરવ્યૂમાં શેટ્ટીએ કહ્યું હતું કે, ‘પહેલી વાત તો એ કે દિનેશને હાર્ટ એટેક નહોતો આવ્યો. તેના લીવરને નુકસાન થયું હતું, જેના કારણે તેને તાત્કાલિક મલાડ (Malad)ની તુંગા હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. છેલ્લા બે દિવસથી તેની હાલત નાજૂક હતી. આજે સવારે (રવિવારે) પણ મેં જાણ્યું કે તેની તબિયતમાં જોઈએ તેવો સુધારો નથી. અમે આશા રાખીએ છીએ કે તે જલ્દીથી સાજો થઈ જશે.’
તમને જણાવી દઈએ કે, C.I.D એ એક લોકપ્રિય ડિટેક્ટીવ શો હતો. જે સોની ટીવી (SONY TV) પર વર્ષ ૧૯૯૮થી ૨૦૧૮સુધી પ્રસારિત થયો હતો અને તે સૌથી લાંબા સમય સુધી ચાલતા કાલ્પનિક શોમાંનો એક છે. આ શોમાં અભિનેતા દિનેશ ફડનીસે ફ્રેડરિક્સની ભૂમિકા ભજવી હતી. કૉમિક ટાઇમિંગ અને નિર્દોષતા માટે ફડનીસના પાત્રને વખાણવામાં આવ્યું હતું.. તેઓ એસીપી પ્રદ્યુમન એટલે કે શિવાજી સાટમ (Shivaji Satam)ની આગેવાની હેઠળની ટીમનો ભાગ હતા. આ ટીવી સિરીઝમાં ઈન્સ્પેક્ટર તરીકે કામ કરવા ઉપરાંત તેમણે C.I.D.ના કેટલાક એપિસોડ પણ લખ્યા છે. અભિનેતાએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)ના એક એપિસોડમાં પણ ખાસ હાજરી આપી હતી. તેઓ બોલિવૂડ ફિલ્મ `સરફરોશ` (Sarfarosh) અને `સુપર 30` (Super 30)માં પણ જોવા મળ્યા હતા.
દિનેશ ફડનીસ બોરિવલીમાં રહેતા હતા.