લગ્નમાં કોરોના નિયમોનું ઉલ્લંધન કરવા બદલ કૉમેડિયન સુગંધા મિશ્રા વિરુદ્ધ કેસ

06 May, 2021 03:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વાયરલ વીડિયોના આધારે કરવામાં આવી કાર્યવાહી

સુગંધા મિશ્રા અને સંકેત ભોસલેના લગ્નની ફાઈલ તસવીર

કૉમેડિયન સુગંધા મિશ્રા (Sugandha Mishra)એ તેના કો-સ્ટાર સંકેત ભોસલે (Sanket Bhosle) સાથે ૨૬ એપ્રિલના રોજ જાલંધરમાં લગ્ન કર્યાં હતા. જેની તસવીરો અને વીડિયો સોશ્યલ મીડિયા પર બહુ વાયરલ થયા છે. પન આ વાયરલ વીડિયોને લીધે કૉમેડિયન મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. આજે સુગંધા મિશ્રા અને તેના પતિ વિરુદ્ધ લગ્ન સમારંભમાં કોરોનાના નિયમોનું ઉલ્લંધન કરવા બદલ ફગવાડામાં કેસ નોંધવામાં આવ્યો છે. વાયરલ વીડિયોના આધારે કાર્યવાહી કરીને પોલીસે સુગંધા મિશ્રા, વર પક્ષ અને ક્લબ કરાનાના માલિક વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. જોકે, આ બાબતે હજી સુધી કોઈની ધરપકડ કરવામાં નથી આવી અને વાયરલ વીડિયોના આધારે તપાસ કરવામાં આવી રહી છે.

૨૬ એપ્રિલના રોજ જાલંધરમાં આવેલા ફગવાડાના ક્લબ કબાનામાં સુગંધા મિશ્રા અને સંકેત ભોસલેના લગ્નના કાર્યક્રમો યોજાયા હતા. સુંગધાના પરિવારે પહેલા જ કહ્યું હતું કે, કોરોના મહામારીને કારણે લગ્નની વિધિ સાદાઈથી કરવામાં આવશે અને ફજ્ત પરિવારના નજીકના લોકો જ ઉપસ્થિત રહેશે. પરિવારજનોનું કહેવું છે કે, તેમણે પ્રયત્નો કર્યા હતા કે લગ્ન સમારંભ પરિવારના સભ્યો સુધી જ સીમિત રહે.

જોકે, વાયરલ વીડિયોના આધારે પોલીસનું કહેવું છે કે લગ્ન સમારંભમાં ૧૦૦ કરતા વધુ લોકો ઉપસ્થિત હતા. જે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ કોવિડ ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન કરે છે. સરકારની કોવિડ ગાઈડલાઈન્સ મુજબ, લગ્ન પ્રસંગમાં ૨૦ કરતા વધુ લોકો એકઠા થવા પર પ્રતિબંધ છે. પોલીસે આ કેસમાં વાયરલ વીડિયોને આધાર બનાવીને ધારા ૧૮૮ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો છે.

સુગંધા મિશ્રા અને સંકેત ભોસલેના લગ્નના કાર્યક્રમો એક જ દિવસ યોજાયા હતા. એક જ દિવસમાં બધી વિધિ પુર્ણ કરવામાં આવી હતી. ૨૬ એપ્રિલે સવારે સગાઈ અને રાત્રે લગ્ન થયા હતા. હવે સોશ્યલ મીડિયા પર તેમના લગ્નની અને લગ્ન પછીની વિધિઓની તસવીર પણ વાયરલ થઈ છે.

તમને જણાવી દઈએ કે, સુગંધા મિશ્રા અને સંકેત ભોસલે ‘ધ કપિલ શર્મા શો’માં સાથે જોવા મળ્યાં હતાં. બન્ને ઘણા લાંબા સમયથી સારા મિત્રો હતા.

entertainment news indian television television news tv show sugandha mishra sanket bhosle