જાતીય સતામણીના આરોપ પર આસિત મોદીએ આપ્યો જવાબ, અભિનેત્રી પર લગાવ્યા પરસ્પર આરોપ

11 May, 2023 04:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સિરિયલના પ્રોડ્યુસર આસિત કુમાર મોદીએ કહ્યું છે કે, “તે મને અને શૉ બંનેને બદનામ કરવાની કોશિશ કરી રહી છે, એટલે અમે તેની સામે કાયદેસરનાં પગલાં લઈશું."

ફાઇલ તસવીર

છેલ્લાં ૧૪ વર્ષથી દર્શકોનું મનોરંજન કરતો ટેલિવિઝન શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ફરી વિવાદમાં અટવાયો છે. શૉમાં રોશન સિંહ સોઢીની પત્નીનો રોલ કરનાર જેનિફર મિસ્ત્રી (Jennifer Mistry Bansiwal)એ નિર્માતા આસિત કુમાર મોદી પર સનસનીખેજ આરોપ લગાવ્યો છે. `મિસિસ સોઢી`નું પાત્ર ભજવતી અભિનેત્રીએ આસિત મોદી પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. આસિત કુમાર મોદી ઉપરાંત અભિનેત્રીએ પ્રોજેક્ટ હેડ સોહેલ રામાણી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતીન બજાજ સામે પણ જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી છે.

જેનિફર મિસ્ત્રીએ લગાવેલા આરોપ પર શૉના નિર્માતાઓની પણ પ્રતિક્રિયા સામે આવી છે. ડાયરેક્શન ટીમના હર્ષદ જોશી, ઋષિ દવે અને અરમાને જેનિફર વિશે કહ્યું છે કે, “તેનામાં સેટ પર સામાન્ય શિસ્ત જ નહોતું અને કામમાં તેનું ધ્યાન પણ નહોતું. અમારે તેના વર્તન બાબતે પ્રોડક્શન હેડને વારંવાર ફરિયાદ કરવી પડતી હતી. તેના છેલ્લા દિવસે તેણે આખા યુનિટની સામે અસભ્ય વર્તન કર્યું અને શૂટિંગ પૂરું કર્યાં વગર સેટ છોડીને ચાલી ગઈ હતી.”

પ્રોડક્શન હેડ સોહિલ રામાણી અને જતીન બજાજે એક નિવેદનમાં કહ્યું કે, “તે સમગ્ર ટીમ સાથે અવારનવાર ગેરવર્તન કરતી હતી. શૂટિંગથી જતી વખતે તેણે રસ્તામાં ઊભેલા લોકોની પરવા કર્યા વિના બેફામ સ્પીડે કાર હાંકી હતી અને ચાલી ગઈ હતી. તેણે સેટની પ્રોપર્ટીને પણ નુકસાન પહોંચાડ્યું હતું.”

તેમણે ઉમેર્યું કે, “અમારે શૂટિંગ વખતે તેના આવા ખરાબ વર્તન અને ગેરશિસ્તને કારણે તેનો કોન્ટ્રેક્ટ રદ કરવો પડ્યો હતો. આ સમગ્ર ઘટના બની તે સમયે આસિત મોદી અમેરિકામાં હતા. હવે તે પાયાવિહોણા આક્ષેપો કરીને અમને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. અમે સંબંધિત ઑથોરિટી સમક્ષ તેના આ પાયાવિહોણા આક્ષેપો સામે અમારી ફરિયાદ દાખલ કરી દીધી છે.”

સિરિયલના પ્રોડ્યુસર આસિત કુમાર મોદીએ કહ્યું છે કે, “તે મને અને શૉ બંનેને બદનામ કરવાની કોશિશ કરી રહી છે, એટલે અમે તેની સામે કાયદેસરનાં પગલાં લઈશું. અમે તેની સેવાઓ રદ કરી દીધી છે. હવે તે પાયાવિહોણા આક્ષેપો કરી રહી છે.”

આ પણ વાંચો: તારક મહેતાના આસિત મોદી વિરુદ્ધ આ અભિનેત્રીએ જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી

ઉપલબ્ધ માહિતી મુજબ જેનિફર મિસ્ત્રીએ બે મહિના પહેલા જ શૂટિંગથી દૂરી બનાવી લીધી હતી. તે છેલ્લે 7 માર્ચે સેટ પર પહોંચી હતી.

entertainment news television news taarak mehta ka ooltah chashmah