નાના-નાના રોલ કર્યા, ૧૫ કલાક સુધી સેટ પર બેઠી રહી

17 February, 2026 09:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રિયંકાએ હૉલીવુડમાં નામના મેળવવા પહેલાં કરેલા સંઘર્ષ વિશે વાત કરી

પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડાની ગણતરી ગ્લોબલ સ્ટાર તરીકે થાય છે પણ બહુ ઓછા લોકોને ખ્યાલ છે કે આ સ્તરે પહોંચવા માટે તેણે લાંબો સંઘર્ષ કર્યો છે. હાલમાં એક ઇન્ટરવ્યુમાં પ્રિયંકાએ પોતાના જીવનનાં અનેક અજાણ્યાં પાસાં વિશે ખુલાસો કર્યો.

પ્રિયંકાએ જણાવ્યું કે જ્યારે તેણે અમેરિકામાં પોતાની નવી શરૂઆત કરી ત્યારે ભારતમાં તેનો કરીઅર-ગ્રાફ સ્થિર નહોતો અને સતત ઊંચ-નીચ ચાલતી હતી. પ્રિયંકાએ ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે ‘હું માત્ર કામ કરવા માગતી નહોતી પરંતુ એક એવી ઓળખ બનાવવી માગતી હતી જે સમય સાથે જીવંત રહે. નવી શરૂઆત મારા માટે સરળ નહોતી. અમેરિકામાં હું સંપૂર્ણપણે નવી હતી. નાના-નાના રોલ કર્યા, લાંબા સમય સુધી રાહ જોવી પડી. ઘણી વાર તો ૧૫ કલાક સેટ પર બેઠા રહેવા છતાં શૂટિંગ પણ ન થતું છતાં હું હિંમત ન હારી અને જાતને સમજાવી કે હું આ ઇન્ડસ્ટ્રીમાં લાંબી રેસ માટે આવી છું.’

આ ઇન્ટરવ્યુમાં પ્રિયંકાએ જણાવ્યું કે તેના માટે સફળતાનો અર્થ માત્ર મોટા મુકામ હાંસલ કરવો નથી. તેના મુજબ સાચી સફળતા એ છે કે તે પોતાના પરિવાર સાથે સમય વિતાવી શકે, દીકરીને સ્કૂલથી લેવા જઈ શકે અને કામ તથા વ્યક્તિગત જીવન વચ્ચે સંતુલન જાળવી શકે.

priyanka chopra hollywood news bollywood bollywood news entertainment news