‘ધ મૅટ્રિક્સ રીસરેક્શન’ Review : પ્રિયંકા બની તારણહાર

23 December, 2021 12:09 PM IST  |  Mumbai | Harsh Desai

‘મૅટ્રિક્સ’ ટ્રિલજીની સરખામણીમાં ચોથી ફિલ્મની ઍક્શનમાં દમ નથી અને સ્લો મોશન માટે જાણીતી આ ફિલ્મમાં અદ્ભુત કહી શકાય એવું એક પણ દૃશ્ય નથી : હૉલીવુડના ઍક્ટર્સની સરખામણીએ પ્રિયંકા પાસે નાનો પરંતુ મહત્ત્વનો રોલ છે

‘ધ મૅટ્રિક્સ રીસરેક્શન’નો સીન

ફિલ્મ : ‘ધ મૅટ્રિક્સ રીસરેક્શન’

કાસ્ટ : કીઆનુ રીવ્ઝ, કૅરી-ઍન મોસ, પ્રિયંકા ચોપડા જોનસ

ડિરેક્ટર : લેના વચોસ્કી

રિવ્યુ : અઢી સ્ટાર

‘મૅટ્રિક્સ’ ટ્રિલજીમાં હાલમાં જ ચોથી ફિલ્મ ‘ધ મૅટ્રિક્સ રીસરેક્શન’નો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફિલ્મ એના ચોથા પાર્ટને કારણે જ નહીં, પરંતુ એમાં આપણી દેશી ગર્લ પ્રિયંકા ચોપડા જોનસે પણ કામ કર્યું હોવાથી ખૂબ જ ચર્ચામાં છે. લેના વચોસ્કી દ્વારા ડિરેક્ટ થયેલી અને લખવામાં આવેલી આ ફિલ્મમાં કીઆનુ રીવ્ઝ અને કૅરી-ઍન મોસે લીડ રોલ ભજવ્યાં છે. તેમણે અનુક્રમે નીઓ અને ટ્રિનિટીનું પાત્ર ભજવ્યું છે.
લેના દ્વારા લખવામાં અને ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મ જોવા પહેલાં અગાઉની ત્રણ ફિલ્મ જોવી જરૂરી છે. ચોથી ફિલ્મને અગાઉની ફિલ્મો સાથે કનેક્ટ કરવાની કોશિશ કરવામાં આવી છે. નીઓ એક ગેમ ડિઝાઇનર હોય છે. આથી મૅટ્રિક્સ ગેમની સીક્વલ માટે તેના પર પ્રેશર કરવામાં આવે છે. તેને સપનાંઓ આવતાં હોય છે અને એથી તે તેના થેરપિસ્ટની મદદ લેતો હોય છે. તેને ખબર નથી પડતી કે એ હકીકત છે કે સપનાંઓ. ચોથી ફિલ્મનું ફોકસ વધુપડતું નીઓ અને ટ્રિનિટીની લવ સ્ટોરી પર કરવામાં આવ્યું છે. આ ફિલ્મની સ્ટોરી આગળ વધારવા કરતાં તેને કઈ રીતે ભૂતકાળમાં લઈ જવામાં આવે અને કેવી રીતે સ્ટોરીને અન્ય ફિલ્મોની સ્ટોરી સાથે કનેક્ટ કરવામાં આવે એના પર વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે.
વર્ષો પહેલાં સ્લો મોશન અને બંદૂકની ગોળીને જે રીતે માત આપવામાં આવી હતી એ માટે જાણીતી આ ફિલ્મની સિરીઝના ચોથા પાર્ટમાં એવી કોઈ ખાસ વાત નથી. ૧૯૯૯માં આવેલી ‘ધ મૅટ્રિક્સ’ ઍક્શનની દુનિયામાં એક અલગ જ પ્રકારની ફિલ્મ હતી. એ સમયે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને રિયલિટી વચ્ચેની વાત કરવામાં આવી હતી. જોકે એ ફિલ્મનાં આટલાં વર્ષ બાદ પણ એમાં એની એ જ વાત કરવામાં આવી છે. એક તરફ જ્યારે દુનિયાભરની ઍક્શનને એક અલગ લેવલ પર લઈ જવામાં આવી છે ત્યારે મૅટ્રિક્સ જેવી ફિલ્મની ઍક્શનમાં કોઈ નવીનતા ન હોવી ડિસઅપૉઇન્ટ કરે છે. એક પણ એવું દૃશ્ય નથી જે અદ્ભુત લાગે.
કીઆનુ રીવ્ઝ પાસે ખાસ કરવા માટે કંઈ હતું નહીં. તેને જે કામ આપવામાં આવ્યું એને તેનાથી શક્ય હોય એટલું સારી રીતે તેણે ભજવવાની કોશિશ કરી છે. કૅરી-ઍન મોસ દ્વારા ખૂબ જ સારું કામ કરવામાં આવ્યું છે. તેની ઍક્શન પણ ખૂબ જ સારી છે. તે જ્યારે ફાઇટ કરી રહી હોય ત્યારે તેના પરથી નજર નથી હટતી. તેમ જ અગાઉની ફિલ્મોનાં કેટલાંક પાત્રોની જગ્યાએ આ ફિલ્મમાં નવા ચહેરાને પસંદ કરવામાં આવ્યા છે જેમાંનો એક મોરફીસ છે. મોરફીસ પણ સમય-સમયે વર્ચ્યુઅલ અને રિયલિટી વચ્ચે બદલાતો રહે છે. પ્રિયંકાએ આ ફિલ્મમાં સતીનું પાત્ર ભજવ્યું છે. સતીની એન્ટ્રી સૌથી પહેલાં ૨૦૦૩માં આવેલી ‘ધ મૅટ્રિક્સ રેવલ્યુશન્સ’માં નાની છોકરી તરીકે થઈ હતી. આ સતી હવે મોટી થઈ ગઈ છે અને એ પ્રિયંકા છે. પ્રિયંકાનું પાત્ર ખૂબ જ નાનું, પરંતુ ખૂબ જ મહત્ત્વનું છે. તે તમામની તારણહાર બનીને આવી હોય છે.
‘મૅટ્રિક્સ’ ટ્રિલજીની સરખામણીમાં આ ફિલ્મ એટલી ખાસ નથી, પરંતુ એમ છતાં આ સિરીઝના ફૅન્સ અને પ્રિયંકાના ચાહકો એ જોઈ શકે છે.

entertainment news hollywood news hollywood film review harsh desai