રેવા: અ જર્ની વિધિનને મળ્યો બેસ્ટ ગુજરાતી ફિલ્મનો નૅશનલ અવૉર્ડ

10 August, 2019 10:27 AM IST  |  મુંબઈ | હર્ષ દેસાઈ

રેવા: અ જર્ની વિધિનને મળ્યો બેસ્ટ ગુજરાતી ફિલ્મનો નૅશનલ અવૉર્ડ

‘રેવા: અ જર્ની વિધિન’ને નૅશનલ ફિલ્મ અવૉર્ડ્સમાં બેસ્ટ ગુજરાતી ફિલ્મ તરીકે સન્માનિત કરવામાં આવી છે. આ ફિલ્મને ડિરેક્ટ વિનીત કનોજીયા અને રાહુલ ભોલેએ કરી છે. ગુજરાતી લેખક ધ્રુવ ભટ્ટની ૧૯૯૮માં આવેલી બુક ‘તત્વમસી’ પરથી આ ફિલ્મ બનાવવામાં આવી છે. આ ફિલ્મની સ્ટોરી એક અમેરિકન એનઆરઆઇથી શરૂ થાય છે, જેનાં દાદાનું અવસાન થતાં તેમણે પોતાની સંપત્તિ એક સંસ્થાને દાન કરી દીધી હોય છે. એ સંસ્થા નર્મદા નદીનાં કાંઠે આવેલી હોય છે. ત્યાર બાદ ફિલ્મનું મુખ્ય પાત્ર પોતાની પ્રોપર્ટી મેળવવા માટે પ્રયાસો શરૂ કરે છે. આ ફિલ્મ ૨૦૧૮ની ૬ એપ્રિલે રિલીઝ થઈ હતી. ફિલ્મને મળેલાં આ સન્માન વિશે ડિરેક્ટર વિનીત કનોજીયાએ કહ્યું હતું કે ‘બેસ્ટ ગુજરાતી ફિલ્મ કૅટેગરીમાં અમારી ફિલ્મને નૅશનલ અવૉર્ડ મળવો એ માનવામાં નથી આવી રહ્યું. અમે અમારા દર્શકો અને પૂરી ટીમનાં ખૂબ આભારી છીએ. અમારી ફિલ્મને મળેલાં આ બહુમાન માટે નૅશનલ અવૉર્ડ જ્યુરીનો પણ ખૂબ આભાર. નર્મદે હર.’

આ પણ વાંચોઃ Jahnvi Shrimankar: આ ગુજરાતી સિંગરનો અંદાજ જોઈને થઈ જશો ફૅન

ડિરેક્ટર રાહુલ ભોલેએ કહ્યું હતું કે ‘આ સન્માન માટે હું ખૂબ ગદ્ગદ્ થયો છું. દર્શકોએ અમારી ફિલ્મને ખૂબ પસંદ કરી હતી અને હવે આ સર્વોચ્ચ માન મળતાં અમારી ખુશીની કોઈ સીમા નથી રહી. આ અમારી ટીમ વર્કને કારણે શક્ય બન્યું છે અને અમે ખુશ છીએ કે અમારી મહેનત રંગ લાવી છે. આવી વધુ સારી ફિલ્મો બનાવવા માટે અમને પ્રેરણાં મળી છે.’

gujarati film entertaintment national award