હિમાચલ પ્રદેશમાં ડેટ પર જવા માગે છે ઓજસ રાવલ

22 January, 2023 01:37 PM IST  |  Mumbai | Harsh Desai

ઓજસ રાવલે ટેલિવિ​ઝનની સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે હિન્દી સિરિયલ ‘સરગમ કી સાડે સાતી’ અને ‘લેડીઝ સ્પેશ્યલ’માં કામ કર્યું છે

ઓજસ રાવલ

ઓજસ રાવલે ટેલિવિ​ઝનની સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે હિન્દી સિરિયલ ‘સરગમ કી સાડે સાતી’ અને ‘લેડીઝ સ્પેશ્યલ’માં કામ કર્યું છે. તેણે રાજકુમાર રાવ અને મૉની રૉયની ‘મેડ ઇન ચાઇના’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. ઓજસને રાઇટિંગનો પણ શોખ છે. તેણે ૨૦૧૬માં ‘પોલમ પોલ’માં લીડ રોલ કર્યો હતો. ત્યાર બાદ તેણે ‘ચોર બની થનગાટ કરે’, ‘તંબૂરો’, ‘વેન્ટિલેટર’, ‘ઑર્ડર ઑર્ડર’, ‘ચાસણી’ અને ‘સર સર સરલા’ જેવી ઘણી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે.

પોતાની જાતને પાંચ શબ્દોમાં કેવી રીતે વર્ણવશો?
કલાકાર, જ્ઞાનાર્થી, શબ્દશિલ્પી, યાત્રી અને વિશ્વનાગરિક.

ચહેરા પર કઈ વાતથી સ્માઇલ આવી જાય છે અને શાનો ડર લાગે છે?
પરિવારની યાદથી, સેવા કર્યા પછી અને મારા બગીચામાં બાગકામ કર્યા પછી ચહેરા પર સ્માઇલ આવી જાય છે. મારા સ્વજનને ગુભાવવાની બીક એ જ મારો સૌથી મોટો ડર છે.

ડેટ પર કોઈને લઈ જવું હોય તો ક્યાં લઈ જશો અને કેમ?
હિમાચલ પ્રદેશમાં લઈ જઈશ, કારણ કે એ સ્વર્ગ છે. અથવા તો લોકલી હું કોઈ આર્ટ-ક્રાફ્ટ ઍક્ટિવિટીની જગ્યાએ, કારણ કે ત્યાં બેસીને સર્જન-ક્રીએશન કરી શકાય છે.

સૌથી વધુ પૈસાનો ઉપયોગ શું ખરીદવામાં કરો છો?
પૈસાનો સૌથી વધુ ઉપયોગ હું નવા કુરતા, બો-ટાઇ અને બ્રોચિસ ખરીદવામાં કરું છું.

તારું અટેન્શન કોઈએ મેળવવું હોય તો શું કરવું જોઈએ?
મારા પ્રત્યેની પ્રખર લાગણીના પુરાવા આપીને મારું ધ્યાન કોઈ પણ પોતાની તરફ કેળવી શકે છે. મારું ગમતું ગીત-ગઝલ, કોઈ છોડ, કોઈ કલાકૃતિ વગેરે વિશે વાત કરીને પણ મારું અટેન્શન મેળવી શકે છે.

તારા વિશે એવી કઈ વાત છે જે લોકો હંમેશાં યાદ રાખે એવી તારી ઇચ્છા છે?
મારું કળા પ્રત્યેનું સમર્પણ, મારી કામ પ્રત્યેની નિષ્ઠા, મારી સફળતા પાછળનો મારો સંઘર્ષ અને મારી કૃતિઓ દ્વારા મને લોકો યાદ રાખે એવી મારી ઇચ્છા છે.

ફૅન્સ દ્વારા કરવામાં આવેલી સૌથી વિચિત્ર અથવા તો સ્પેશ્યલ વસ્તુ કઈ છે?
એક ફૅને ખૂબ જ નાની ઉંમરમાં મને ધ્યાનમાં રાખીને એક કાવ્યસંગ્રહ લખ્યો હતો અને એને પ્રકાશિત પણ કર્યો હતો એ મારા માટે સ્પેશ્યલ હતું. તેમ જ એક લંડનસ્થિત મારી એક ફૅને મારી ઇમોશનલ-મોટિવેશનલ શૉર્ટ ફિલ્મ જોઈને પોતાને આત્મહત્યા કરવાનો તેનો ત્રીજો પ્રયત્ન પડતો મૂક્યો હતો.

તારી સૌથી યુઝલેસ ટૅલન્ટ કઈ છે?
જો ખરેખર ટૅલન્ટ હોય તો એ કદી પણ યુઝલેસ ન હોઈ શકે.

પહેલી જૉબ કઈ હતી?
અમેરિકામાં યુનિવર્સિટીના કૅમ્પસ પર કૉલેજ તરફથી સાયન્સ અને ઇંગ્લિશનાં ટ્યુશન આપતો હતો અને હું ત્યારે પોતે પણ સ્ટુડન્ટ હતો. હું ઇન્ડિયામાં સુપ્રસિદ્ધ દિગ્દર્શક અને લેખક સ્વર્ગીય કુંદન શાહની ઑફિસમાં અસિસ્ટન્ટ હતો. શાહરુખ ખાન તેમના પહેલા અસિસ્ટન્ટ અને હું છેલ્લો હતો. અમે બન્ને તેમની પ્રાર્થનાસભામાં સાથે જ બેઠા હતા.

ફેવરિટ કપડાં કયાં છે જે હજી પણ સાચવીને રાખ્યાં હોય?
મારો ગ્રૅજ્યુએશનનો ગાઉન મેં હજી પણ સાચવી રાખ્યો છે. અમેરિકાની યુનિવર્સિટીમાં ૪૪,૦૦૦ હજારથી વધુ સ્ટુડ​ન્ટની વચ્ચે સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થીનો પુરસ્કાર મળ્યો એ સમયે મેં પહેર્યો હતો. મારા અલગ-અલગ કેમિકલના કલરથી રંગાયેલો મારો લૅબનો કોટ પણ મેં સાચવીને રાખ્યો છે.

સૌથી ડેરિંગવાળું કામ આજ સુધી કયું કર્યું છે?
માનસરોવરની યાત્રા મારા માટે ડેરિંગવાળુ કામ હતું. મેં બે વાર કરી છે અને એ પણ પગપાળા. મેં કોઈ ઘોડાનો સહારો નહોતો લીધો. કામની વાત કરું તો મેં ત્રણ સિરિયલ માટે બૅક-ટુ-બૅક બાર કલાકની એટલે કે ટોટલ ૩૬ કલાકની શિફ્ટ કરી હતી.

એવી કઈ વસ્તુ છે જેને હજી પણ તમે એક મિસ્ટરી બનાવીને રાખી છે?
મારી પર્સનલ અને ફૅમિલી લાઇફ. તેમ જ ઇન્ડસ્ટ્રીનો સૌથી મિસ્ટિરિયસ પ્રશ્ન કે ઓજસ ક્યારે ઊંઘે છે?

entertainment news dhollywood news harsh desai