વિજય સેતુપતિને ડેટ પર મૉલદીવ્ઝ લઈ જવો છે નીલમ પંચાલને

13 November, 2022 01:28 PM IST  |  Mumbai | Harsh Desai

૬૦૦ રૂપિયાની પહેલી સૅલેરીની જૉબ કરનારને તે પોતાના કરતાં નિકટના લોકોને ગિફ્ટ આપવામાં પૈસાનો વધુ ખર્ચ કરે છે

વિજય સેતુપતિને ડેટ પર મૉલદીવ્ઝ લઈ જવો છે નીલમ પંચાલને

‘હેલ્લારો’ અને ‘૨૧મું ટિફિન’માં જોવા મળેલી નીલમ પંચાલ હવે શેમારૂ મી પર આવી રહેલી ‘યમરાજ કૉલિંગ’ની બીજી સીઝનમાં જોવા મળશે. આ શો સોમવારે રિલીઝ થઈ રહ્યો છે, જેમાં તેની સાથે દેવેન ભોજાણી પણ છે.

પોતાની જાતને પાંચ શબ્દોમાં કેવી રીતે વર્ણવીશ?
વર્સેટાઇલ ઍક્ટર, નિખાલસ વ્યક્તિ, ફુલ-ઑફ-લાઇફ, યંગ અને બ્યુટિફુલ.

ચહેરા પર કઈ વાતથી સ્માઇલ આવી જાય છે અને શાનો ડર લાગે છે?
મને કોઈ વસ્તુનો ડર નથી લાગતો. કોઈના મૃત્યુ કે દુઃખ સિવાય હું કોઈ પણ વાત પર સ્માઇલ કરું છું.

ડેટ પર કોઈને લઈ જવા હોય તો ક્યાં લઈ જશો અને કેમ?
હું વિજય સેતુપતિને ડેટ પર લઈ જઈશ. તે મારો ક્રશ છે એથી મારે તેને મૉલદીવ્ઝ લઈ જવો છે. વિજય સેતુપતિ પાસે ટાઇમ ન હોય તો પંકજ​ ​ત્રિપાઠી અથવા જયદીપ અહલાવતને લઈ જવો છે.

સૌથી વધુ પૈસાનો ઉપયોગ શું ખરીદવામાં કરે છે?
હું ખર્ચાળ વ્યક્તિ નથી. જોકે હું મારા નિકટના લોકોને ગિફ્ટ આપવા માટે વધુ પૈસાનો ખર્ચ કરું છું.

તારું અટેન્શન કોઈએ મેળવવું હોય તો શું કરવું જોઈએ?
હું અટેન્શન સીકર નથી, પરંતુ કોઈ પ્રેમથી વાત કરે એટલું બસ છે.

તારા વિશે એવી કઈ વાત છે જે લોકો હંમેશાં યાદ રાખે એવી તારી ઇચ્છા છે?
મારાં પાત્રો દ્વારા લોકો મને ઓળખે એ જ મારી ઇચ્છા છે. ઍક્ટરની સાથે એક સારી વ્યક્તિ તરીકે પણ લોકો મને ઓળખે એવી મારી ઇચ્છા છે.

ફૅન્સ દ્વારા કરવામાં આવેલી સૌથી વિચિત્ર અથવા સ્પેશ્યલ વસ્તુ કઈ?
મારા નેચરને કારણે કોઈ વિચિત્ર વસ્તુ કરવાની હિંમત નથી કરતું.

તારી સૌથી યુઝલેસ ટૅલન્ટ કઈ?
મારી પાસે કોઈ યુઝલેસ ટૅલન્ટ નથી. બધું જ કામ આવે એવું છે.

પહેલી જૉબ કઈ હતી?
હું એલઆઇસીમાં જૉબ કરતી હતી. મારા કાકાની ઑફિસ હતી. જોકે એ ઘરની જૉબ હતી. હું એક પૅથોલૉજી લૅબમાં પાર્ટટાઇમ જૉબ કરતી હતી, જેમાં મારો પગાર ૬૦૦ રૂપિયા હતો. એ સમયે મારા ઘરમાં એ ૬૦૦ રૂપિયાની ખૂબ વૅલ્યુ હતી.

ફેવરિટ કપડાં કયાં છે જે હજી સાચવી રાખ્યાં છે?
મારી પ્રેગ્નન્સી દરમ્યાન મારું યલો ટૉપ અને ગ્રીન પૅન્ટ હતાં જેમાં મેં દરેક મહિનાની પહેલી તારીખે ફોટો પડાવ્યો હતો અને એ મેં હજી સાચવી રાખ્યાં છે. આ સાથે જ દરેક છોકરીની જેમ મેં પણ મારાં લગ્નનું પાનેતર સાચવી રાખ્યું છે.

સૌથી ડૅરિંગવાળું કામ આજ સુધી કયું કર્યું છે?
મારાં બધાં કામ ડૅરિંગવાળાં હોય છે. હૈદરાબાદ-સિકંદરાબાદની ટ્રેન મારે પકડવાની હતી. અમદાવાદ સ્ટેશન પર મારી ટ્રેન ચૂકી જવાની હતી. કૂલી સામાન ઊંચકીને ધીમે-ધીમે ચાલી રહ્યો હતો એટલે મેં એ તમામ સામન ઉઠાવીને દોટ મૂકી હતી. ટ્રેન તો પકડી લીધી હતી, પરંતુ મારી ટિકિટ કન્ફર્મ નહોતી થઈ એની મને ખબર નહોતી. જોકે એક વ્યક્તિએ મને તેની સીટ આપી હતી અને આજે પણ તે મારા કૉન્ટૅક્ટમાં રહે છે.

એવી કઈ વસ્તુ છે જેને હજી પણ તેં મિસ્ટરી બનાવી રાખી છે?
મારી કોઈ વાત એવી નથી જે મિસ્ટરી હોય. કાંડ કર્યા છે, પરંતુ એને મિસ્ટરી જ રહેવા દો.

entertainment news harsh desai dhollywood news