મહેશ કનોડિયા અને નરેશ કનોડિયાને મરણોત્તર પદ્મશ્રી એનાયત કરાયો

10 November, 2021 08:29 PM IST  |  Mumbai | Karan Negandhi

નરેશ કનોડિયાનો એવોર્ડ પત્ની રતનબેન કનોડિયાએ એવોર્ડ સ્વીકાર્યો હતો, જ્યારે મહેશ કનોડિયાનો એવોર્ડ તેમના ભત્રીજા અને અભિનેતા હિતુ કનોડિયાએ સ્વીકાર્યો હતો.

ફાઇલ ફોટો

ગુજરાતી ગાયક સ્વ. મહેશ કનોડિયા અને તેમના ભાઈ, ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર નરેશ કનોડિયાને કલા ક્ષેત્રે તેમના યોગદાન બદલ ગઈકાલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે મરણોત્તર પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. નરેશ કનોડિયાનો એવોર્ડ પત્ની રતનબેન કનોડિયાએ એવોર્ડ સ્વીકાર્યો હતો, જ્યારે મહેશ કનોડિયાનો એવોર્ડ તેમના ભત્રીજા અને અભિનેતા હિતુ કનોડિયાએ સ્વીકાર્યો હતો.

આ સંદર્ભે વાત કરતા સ્વ. નરેશ કનોડિયાના પત્ની રતનબેન કનોડિયાએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું કે “આ ખૂબ જ ખુશીની વાત છે. બંને ભાઈઓના સંપૂર્ણ જીવનની મહેનતનું આ ફળ છે, પરંતુ દુ:ખ એ વાતનું છે કે જ્યારે બંને ભાઈઓ હયાત હતા, ત્યારે જો આ સન્માન મળ્યું હોત તો સારું હતું.”

કાકા મહેશ કનોડિયાનો એવોર્ડ સ્વીકારનાર હિતું કનોડિયાએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું કે “આ પ્રતિષ્ઠિત એવોર્ડ સ્વીકારવાની અનુભૂતિ અદ્ભુત છે. સંપૂર્ણ પરિવાર, સમાજ અને દુનિયાભરમાં વસવાટ કરતાં ગુજરાતીઓએ અઢળક શુભેચ્છાઓ અને અભિનંદન અમને પાઠવ્યા છે.” સ્વ. પિતા નરેશ કનોડિયા અને કાકા મહેશ કનોડિયાને યાદ કરતાં તેમણે ઉમેર્યું કે “જે લોકો માટે આ થઈ રહ્યું છે, જો એ લોકો પણ સાથે હોત તો વધુ સારું લાગત, પરંતુ હું માનું છું કે તેઓ જ્યાં પણ હશે ત્યાં ખુશ હશે.”

નરેશ કનોડિયાએ 300થી વધુ ફિલ્મોમાં તેમના યોગદાન અને ભૂમિકા માટે વર્ષ ૨૦૧૨માં દાદા સાહેબ ફાળકે એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા હતા. દરમિયાન, મહેશ 32 અલગ-અલગ અવાજોમાં ગાઈ શકતા હતા અને 20થી વધુ ભાષાઓ જાણતા હતા.

ઉલ્લેખનીય છે કે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ‘નરેશ-મહેશની જોડી’ પ્રખ્યાત છે. બંને ભાઈઓ એકસાથે ગાતા હતા – અને કમનસીબે લગભગ સમાનકાળે મૃત્યુ પામ્યા હતા. મહેશ કનોડિયાના 25 ઑક્ટોબર, 2020ના રોજ લાંબી માંદગી બાદ અવસાન બાદ બે દિવસ પછી નરેશ કનોડિયાનું 27 ઑક્ટોબરની સવારે કોવિડ-19 થી અવસાન થયું હતું.

entertainment news dhollywood news ram nath kovind padma shri