સ્વીકૃતિ અને પ્રેમની અનોખી વાર્તા `કટલા કરી`: ગુજરાતી સિનેમામાં એક નવી લહેર

14 August, 2025 06:58 AM IST  |  Mumbai | Hetvi Karia

Katlaa Curry Movie Review: ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં પ્રેમકથાઓ તો બહુ જોવા મળે છે, પરંતુ `કટલા કરી` જેવી ફિલ્મો ભાગ્યે જ આવે છે. નર્મદાના કિનારે વસતા માછીમાર સમાજની જીવનશૈલી, તેમના સંઘર્ષ અને લાગણીઓને આ ફિલ્મ ખૂબ સુંદર રીતે પ્રસ્તુત કરે છે.

`કટલા કરી` ફિલ્મનું પોસ્ટર (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

ફિલ્મ: કટલા કરી
ડાયરેક્ટર: રોહિત પ્રજાપતિ
અભિનેતા: પ્રિયાંક ગંગવાણી, રંગનાથ ગોપાલારત્નમ, કિન્નરી પંક્તિ પંચાલ, રવિ ભોઈ
સાઉન્ડ ડિઝાઇન અને સંગીત: બિરજુ કંથારિયા 
લેખન: પ્રયાગ બરછા, પ્રિયાંક ગંગવાણી, રોહિત પ્રજાપતિ

ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં પ્રેમકથાઓ તો બહુ જોવા મળે છે, પરંતુ `કટલા કરી` જેવી ફિલ્મો ભાગ્યે જ આવે છે. નર્મદાના કિનારે વસતા માછીમાર સમાજની જીવનશૈલી, તેમના સંઘર્ષ અને લાગણીઓને આ ફિલ્મ ખૂબ સુંદર રીતે પ્રસ્તુત કરે છે. ફિલ્મ પ્રેમકથા હોવા છતાં માત્ર પ્રેમ વિશે નથી, એ નર્મદાની સાથે જીવતા અને શ્વાસ લેતા લોકોની વાર્તા પણ છે. 

આ ફિલ્મના નિર્માતા રોહિત પ્રજાપતિ, પ્રિયાંક ગંગવાણી અને મયંક ગઢવી છે. ફિલ્મનું લેખન અને દિગ્દર્શન રોહિત પ્રજાપતિએ કર્યું છે. મુખ્ય પાત્રોમાં રાયમલ તરીકે પ્રિયાંક ગંગવાણી અને રતન તરીકે રંગનાથ ગોપાલારત્નમ છે, જ્યારે કુમતીનું પાત્ર કિન્નરી પંક્તિ પંચાલે ભજવ્યું છે.

ફિલ્મની સૌથી મોટી તાકાત તેની સિનેમેટોગ્રાફી છે. નર્મદાના ઝળહળતા પાણી, માછીમારોની જાળ, માછલાંઓનું બજાર, લાકડાની નાવડીઓ અને નદી કિનારાની માટીનો રંગ, દરેક ફ્રેમમાં આ સ્થળની સુગંધ અને જીવંતતા અનુભવાય છે. કેમેરા દ્વારા, નર્મદા ફક્ત પૃષ્ઠભૂમિ જ નહીં, પણ વાર્તાનું એક પાત્ર પણ બની જાય છે.

વાર્તાના કેન્દ્રમાં એક પ્રેમકથા છે, જે ઑવર-ઈમોશનલ કે વધુ પડતી નાટ્યાત્કમક્તા વિના તેની લાગણીઓ વ્યક્ત કરે છે. નજરોની આપલે, રોજિંદા વાતચીત અને શાંતિપૂર્ણ ક્ષણો દ્વારા, પ્રેમને એક સરળ અને હૃદયસ્પર્શી સ્વરૂપ આપવામાં આવ્યો છે. `કટલા કરી` ની વાર્તા નર્મદા કિનારે રહેતા માછીમાર સમુદાયના જીવન સાથે જોડાયેલી છે, જેમાં પ્રેમ, સંબંધો અને પરિસ્થિતિઓના ઉતાર-ચઢાવને નાજુક રીતે દર્શાવવામાં આવ્યા છે. ફિલ્મનું કેન્દ્રબિંદુ રાયમલ અને રતનની પ્રેમકથા છે.

એક દિવસ, રાયમલ, જે એક અનુભવી માછીમાર છે, તે રતનને નદીમાં ડૂબતા બચાવે છે. રતન, જે કામકાજ કે બોલ-ચાલમાં બહુ સારો નથી, તે રાયમલ સાથે રહેવાનું શરૂ કરે છે. રાયમલ તેને રસોઈ બનાવતા, નાવડી ચલાવતા અને રોજિંદા જીવનના ઘણા પાઠ શીખવે છે. બંને ધીમે-ધીમે એકબીજાને સમજે છે અને પ્રેમમાં પડે છે. રતન ખાસ રાયમલ માટે કટલા કરી બનાવવાનું શીખે છે, જે તે દિવસથી તેમના પ્રેમની ખાસ ઓળખ બની જાય છે. જો કે, રાયમલની માતા તેને લગ્ન કરવા દબાણ કરે છે. સામાજિક દબાણને કારણે, રાયમલ કુમતી સાથે લગ્ન કરે છે. લગ્ન પછી, રાયમલ કુમતીને ખુશ રાખી શકતો નથી. રાયમલ રતન પ્રત્યેનો પ્રેમ બધાથી છુપાવે છે, પણ અંદરથી તે નાખુશ રહે છે. ફિલ્મ તેમના સંબંધો, લાગણીઓ અને સંઘર્ષોને ખૂબ જ સત્ય અને સંવેદનશીલ રીતે દર્શાવે છે. 

હા, ફિલ્મની કથન શૈલી થોડી નોન-લિનીયર છે, એટલે કે ફિલ્મ પાસ્ટ અને પ્રેઝેન્ટ વચ્ચે જમ્પ કરે છે. આ નૉન-લિનિયર અભિગમની કારણે શરૂઆતમાં દર્શકો માટે વાર્તા સાથે જોડાયેલા રહેવું થોડું મુશ્કેલ બની જાય છે, કારણ કે સમયરેખામાં થતાં અચાનક ફેરફારો સમજવા માટે થોડું ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે. તેમ છતાં, સુંદર કેમેરાવર્ક, નદીકાંઠાના મોહક દ્રશ્યો અને હૃદયસ્પર્શી ક્ષણો મળીને ફિલ્મને એક સ્વપ્નીલ પરીકથાની જેમ અનુભવ કરાવે છે, જ્યાં ખામીઓ હોવા છતાં લાગણીઓની મીઠાશ અને દ્રશ્યસૌંદર્ય દર્શકોના હૃદયમાં વસે છે.

કેટલાક દૃશ્યોમાં પુનરાવર્તન (Repetition)ને કારણે ફિલ્મનો પ્રભાવ થોડો ઘટી જાય છે. ઉદાહરણ તરીકે, માછલી બજારમાં માછલીઓ પર ઉડતી માખીઓના શૉટ્સ વારંવાર બતાવવામાં આવ્યા છે. એકાદ-બે વાર હોય તો તે વાસ્તવિક લાગે, પરંતુ જ્યારે સતત જોવામાં આવે છે, ત્યારે તે થોડું અતિશય અને આંખને નડે એવું બને. તે જ રીતે, રાયમલના માછલી કાપવાના દૃશ્યો પણ અનેક વાર દેખાડવામાં આવ્યા છે. આ કારણે, જે પાત્રને નિર્ભય અને અનુભવી માછીમાર તરીકે રજૂ કરવામાં આવ્યું છે, તે ક્યારેક બિનઅનુભવી લાગે છે. આ થોડી અસંગતતા સર્જે છે, કારણ કે બાકીના ભાગોમાં રાયમલનો અભિનય ખૂબ જ સાહજિક સ્વાભાવિક છે. ખાસ કરીને, તેની ગામઠી ગુજરાતી ભાષા સ્થળની પૃષ્ઠભૂમિ સાથે એટલી બરાબર ફિટ થાય છે કે તે પાત્રને વાસ્તવિક બનાવે છે.

કટલા કરીનો પ્રતીકાત્મક અર્થ પણ ફિલ્મનો એક મુખ્ય ભાગ છે. આ ખાસ માછલી અને તેની કરી, પ્રેમનું સુંદર રૂપક બની જાય છે. જેમ કટલા માછલી પકડવા માટે ધીરજ, કળા અને કાળજી જોઈએ છે, તેમ પ્રેમમાં પણ સમય, સંભાળ અને નિષ્ઠા જરૂરી છે. જેમ આ વાનગી બનાવવા માટે યોગ્ય પદ્ધતિ અને યોગ્ય મસાલાની જરૂર પડે છે, તેવી જ રીતે સંબંધમાં સમજણ, લાગણી અને વિશ્વાસ હોવો જરૂરી છે. ફિલ્મમાં માછીમારીની જાળ, નાવડીઓ અને નદીના બદલાતા પ્રવાહોના વારંવાર આવતા દ્રશ્યો સંબંધોના ઉતાર-ચઢાવને પ્રતિબિંબિત કરે છે: ક્યારેક શાંત અને સ્થિર, ક્યારેક તોફાની અને પડકારજનક. છતાં, જેમ નદી હંમેશા વહેતી રહે છે, તેમ સાચો પ્રેમ પણ દરેક પરિસ્થિતિમાં ખીલે છે. એક સમાજ જ્યાં લોકો સાદા, ઓછું ભણેલાં હોવા છતાં તેમનામાં સ્વીકારની લાગણી બહુ જુદા સ્તરે કામ કરે છે. વળી, રાયમલની પત્નિનો અભિનય તથા તેના ગામના અન્ય મિત્ર રવિનો અભિનય પણ સાહજિક છે. પુરુષપ્રધાન સમાજમાં અમુક સ્તરની સ્ત્રીઓ કેટલી હદે સ્વીકૃતિના વિચારને જીવે છે તે આ ફિલ્મનું બીજું હૈયું છે એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. 

એકંદરે, `કટલા કરી` એક એવી ફિલ્મ છે જે માત્ર પ્રેમકથાથી આગળ જઈને માનવ લાગણીઓ, પોતાના અસ્તિત્વને સ્વીકારવાની હિંમત અને સમાજના બંધનો વચ્ચેના સંઘર્ષને સ્પર્શે છે. ફિલ્મની સંવેદનશીલતા, સિનેમેટોગ્રાફી અને પાત્રોની લાગણીઓ તેને લાંબા સમય સુધી યાદ રહે તેવી અનુભૂતિ બનાવે છે. અંતે, આ એવી સફર છે જે દર્શકના હૃદયમાં એક મીઠો, પણ ચિંતનશીલ સ્વાદ છોડી જાય છે — બિલકુલ કટલા કરી જેવો. આ ફિલ્મને દર્શકોએ જોવી જ જોઇએ, જો કે આ માટે અત્યારના તબક્કે તો આ ફિલ્મના મેકર્સને આર્થિક ટેકાની જરૂર છે. અમુક વિચારો કે વાસ્તવિકતાઓ પ્રત્યેનું આપણું અજ્ઞાન અણગમો ન બને તેની તકેદારી રાખવા ખાતર પણ આવી ફિલ્મન સાહસને ટેકો મળે તે અનિવાર્ય છે. આ એક ફિલ્મ રિવ્યૂ હોવા છતાં પણ ફિલ્મના મેકર્સ તરફથી મદદની હાકલ કરવનો ગુજરાતી  મિડ-ડે ડૉટ કોમનો પ્રયાસ છે એમ કહેવામાં કંઇ ખોટું નથી. ગુજરાતી નાટક જેવી નહીં પણ જિંદગી જેવી છે તેવી આ ફિલ્મ છે અને માટે જ તે વધુમાં લધુ લોકો સુધી પહોંચે તે જરૂરી છે.

આ ફિલ્મ ગયા વર્ષે એલજીબીટીક્યુ ફિલ્મો દર્શાવતા ફેસ્ટિવલ કશિશમાં પહોંચી હતી અને લોકોએ તેને ખૂબ વખાણી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે, આ ફિલ્મે `તસવીર ફિલ્મ ફેસ્ટિવલ` (સિએટલ) ખાતે `બેસ્ટ LGBTQI` ફિલ્મનો એવોર્ડ જીત્યો છે. માત્ર 11 જણાની ટીમથી બનેલી આ ફિલ્મનું સંગીત પણ મજબૂત છે અને ગામડાંના પ્રરિપ્રેક્ષ્યને બંધબેસે તેવું છે. લોકોના સંઘર્ષો બહુ અંગત હોવા છતાં પણ સમાજના હોય છે તે આ ફિલ્મમાં સમજી શકાય છે. સૌથી સારી બાબત એ છે કે આ ફિલ્મમાં અમુક એડિટિંગ જમ્પ્સ સિવાય બહુ ઓછી બાબતો આંખમાં ખૂંચે તેવી છે, પ્રેમ અને સ્વીકાર એક સિક્કાની બે બાજુ છે તે આ ફિલ્મનાં ત્રણેય પાત્રો વચ્ચેના સંવાદો પરથી સિદ્ધ થાય છે.

lesbian gay bisexual transgender sex and relationships relationships love tips baroda vadodara upcoming movie latest trailers latest films gujarati film gujarati mid day dhollywood news entertainment news news movie review