28 July, 2023 11:14 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
કમલેશ મોતા (ફાઈલ તસવીર)
દરવર્ષે લોકપ્રિય કલાકાર કમલેશ મોતાના સ્મરણાર્થે આંતરરાષ્ટ્રીય ડિજિટલ ગુજરાતી એકોક્તિ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. આ સ્પર્ધામાં વિશ્વભરમાંથી એન્ટ્રીઝ આવતી હોય છે. આ વર્ષે પણ કમલેશ મોતા આંતરરાષ્ટ્રીય ડિજિટલ ગુજરાતી એકોક્તિ સ્પર્ધાની 2023ની આવૃત્તિનો આરંભ થઈ ગયો છે.
કમલેશ મોતા 1984ની સાલથી રંગભૂમિમાં દિગ્દર્શનની કામગીરી સંભાળતા હતા. એમણે ‘સરસ્વતીચંદ્ર’, ‘હમ ભી કુછ કમ નહીં’ જેવા નાટકો (Gujarati Natak)નું દિગ્દર્શન અને નિર્માણ કર્યું હતું. એમના દિગ્દર્શનવાળા નાટકોમાં ‘પરિવાર’, ‘સંસાર’, ‘હમ નીલે ગગન કે પંછી’, ‘ઓળખાણ’, ‘રાધારાણી મુંબઈના શેઠાણી’ વગેરેનો સમાવેશ થાય છે. એમનું ‘ધૂમ્મસ’ નાટક ખૂબ જ હિટ થયું હતું.
ગુજરાતી રંગભૂમિના લોકપ્રિય કલાકાર, દિગ્દર્શક, નિર્માતા સ્વ. કમલેશ મોતાએ આ સ્પર્ધાની શરૂઆત કોરોના લોકડાઉનમાં કરી હતી. તેમના અણધાર્યા અવસાન પછી સ્પર્ધાને તેમના મિત્રો અને રંગકર્મીઓ આગળ વધારી રહ્યા છે.
ગયા વરસે સ્પર્ધામાં 22 દેશોમાંથી આશરે 200 જેટલી એન્ટ્રીઝ આવી હતી. આ વર્ષે પણ આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે જે સ્પર્ધકો વિજેતા થશે તેમને ઇનામમાં રોકડ રકમ, પ્રમાણપત્ર અને ટ્રોફીઝ આપવામાં આવશે. સાથે જ હેટ્સ ઓફ્ફ પ્રોડક્શન - JD Majethiaની ટીવી સિરિયલમાં કરવાની તક આપવામાં આવશે.
એટલું જ નહીં, મુંબઈ (Mumbai)માં યોજાનારા ખાસ શોમાં એકોક્તિઓ ભજવવા મળશે. આંગિકમ યુટ્યુબ ચેનલ પર મહત્તમ વ્યુઝ મેળવનારી એકોક્તિને પણ ઇનામ અપાશે. તમામ ગ્રુપના વિજેતાઓમાંથી એક વિજેતાને સ્પર્ધાની સર્વોચ્ચ ‘કમલેશ મોતા મેમોરિયલ ટ્રોફી’ કમલેશ મોતાનાં અભિનેતા સંતાનો ધ્રુવ અને શારવી મોતાના સૌજન્યથી એનાયત થશે.
જો ગયા વર્ષની વાત કરવામાં આવે તો માંગરોળ મલ્ટીમીડિયાની યુટ્યુબ ચેનલ આંગિકમ પર અપલોડ કરવામાં આવેલી સ્પર્ધાની એકોક્તિઓને એક લાખથી વધુ વ્યુઝ મળ્યા હતા. આ સ્પર્ધા ચાર જૂથમાં છે અને સૌ માટે ખુલ્લી છે. સ્પર્ધામાં ચાર ગ્રુપ્સ છે. ગ્રુપ 01- ઉંમર 07-15, ગ્રુપ 02- ઉંમર 16-32, ગ્રુપ 03- ઉંમર 33-50 અને ગ્રુપ 04- ઉંમર 51 અને વધુ વય.
સ્પર્ધાનું આયોજન અપ્રામી કમલેશ મોતા, બાબુલ ભાવસાર, સંજય શાહ, સોનાલી ત્રિવેદી, પ્રફુલ પરબ, માંગરોળ મલ્ટીમીડિયા અને આંગિકમ યુટ્યુબ ચેનલે કર્યું છે. આ સ્પર્ધા માટે વરિષ્ઠ રંગકર્મી નિરંજન મહેતા માર્ગદર્શક છે. રોકડ પારિતોષિકો હેમલ અશોક ઠક્કર, મિલન અજમેરા, કેતન રાવળ, ભૂપેન્દ્ર ચોવટિયા અને હેટ્સ ઓફ્ફ પ્રોડક્શન - JD Majethiaના સૌજન્યથી આપવામાં આવશે. ટ્રોફી અતુલ ઉનડકટ ફાઉન્ડેશનના સૌજન્યથી અપાશે. સ્પર્ધકોને ટીવી સિરિયલમાં કામ તથા, લાઇવ શોમાં પરફોર્મન્સની તક હેટ્સ ઓફ્ફના સૌજન્યથી મળશે. એકોક્તિઓનો લાઇવ શો ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરીના સહયોગમાં યોજાશે.
એન્ટ્રી સબમિટ કરવાની છેલ્લી તારીખ 10th August 2023 છે. એન્ટ્રી માટે એનરોલ કરવા https://tinyurl.com/4jnus96h ફોર્મ ભરવાનું રહેશે.