Interview: કરુણતાની ચરમસીમાએ હાસ્ય નિષ્પન્ન થાય છે- શાહબુદ્દિન રાઠોડ

20 February, 2022 03:19 PM IST  |  Mumbai | Nirali Kalani

મહાત્મા ગાંધીજીની બે વાતથી શાહબુદ્દિન રાઠોડ પ્રભાવિત થયા હતાં. એક, જેમાં ગાંધીજીએ કહ્યું હતું જો તેમનામાં વિનોદ વૃત્તિ ન હોત તો તેમણે આત્મહત્યા કરી હોત અને બીજી, ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા વ્યર્થ છે.

શાહબુદ્દિન રાઠોડ (ફોટો ડિઝાઈન: સોહમ દવે)

`કરુણતાની ચરમસીમાએ હાસ્ય નિષ્પન્ન થાય છે અને સત્તા, સમૃદ્ધિ અને સંપત્તિની ચરમસીમાએ આધ્યાત્મ શરૂ થાય છે ` આ શબ્દો છે સાહિત્યકાર, હાસ્ય કલાકાર અને શિક્ષક તરીકે ગુજરાતી સાહિત્યમાં યોગદાન આપનાર કલાકાર શાહબુદ્દિન રાઠોડના. 

સાહિત્યમાં મર્માળ હાસ્યનો રંગ ઉમેર્યો

ગુજરાતના કેટલાય સાહિત્યકારો છે જેમણે આજે પણ સાહિત્યને જીવતું રાખ્યું છે. તેમનું સાહિત્ય વાંચીને અને સમજીને લોકો ભવેભવનો પ્રવાસ ખેડી લેતા હોય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ `કલાકાર કહે છે` નામે ગુજરાતી સિનેમાં, સંસ્કૃતિ, સાહિત્ય અને કળાના ક્ષેત્રમાં યોગદાન આપનારા કલાકારોના ઈન્ટરવ્યુંની એક શ્રેણી ચલાવી રહ્યું છે. જેમાં આજે આપણે વાત કરવાની છે આવાં જ એક કલાકાર શાહબુદ્દિન રાઠોડની. જેમણે ગુજરાતી સાહિત્યમાં મર્માળ હસ્યનો રંગ ઉમેરી તેને વધારે રસપ્રદ બનાવ્યું છે.    

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં જન્મેલા અને હાસ્ય કલાકાર પહેલા એક શિક્ષક તરીકે જ્ઞાન પિરસતાં શાહબુદ્દિન રાઠોડે અનેક વર્ષો શિક્ષણ સેવામાં આપ્યાં છે. તેમણે મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, જીવનના 38 વર્ષ તેમણે શિક્ષણમાં આપ્યાં છે. આની સાથે જ તેમણે હાસ્યના કાર્યક્રમો કરવાની શરૂઆત કરી હતી. શાહબુદ્દિન રાઠોડે વર્ષ 1969માં સૌથી પહેલો જાહેર કાર્યક્રમ કર્યો હતો. ત્યાર બાદ 19971માં જે શાળામાં તેમણે અભ્યાસ કર્યો હતો ત્યાં જ હેડ માસ્ટર તરીકે તેમની નિમણૂક થઈ. આ દરમિયાન તેમણે વિદ્યાર્થીને તો ભણાવ્યાં પણ ખુદમાં રહેલા વિદ્યાર્થીને પણ જીવંત રાખ્યો.    

ગાંધીજીના વિચારોથી થયા પ્રેરિત

મહાત્મા ગાંધીજીની બે વાતથી શાહબુદ્દિન રાઠોડ પ્રભાવિત થયા હતાં. એક, જેમાં ગાંધીજીએ કહ્યું હતું જો તેમનામાં વિનોદ વૃત્તિ ન હોત તો તેમણે આત્મહત્યા કરી હોત અને બીજી, ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા વ્યર્થ છે. આ બે વાક્યોથી પ્રેરિત થઈ શાહબુદ્દિન રાઠોડે હાસ્યનું મંડાણ કર્યુ. મર્યાદાનો સ્તર ઊંચામાં ઊંચો રાખી સહકુટુબં સાથે બેસીને માણી શકાય એવું હાસ્ય સર્જવાના મુળમંત્ર સાથે જીવતરની વાતો વણી શાહબુદ્દિન રાઠોડે સાહિત્યમાં નવું પાનું ઉમેર્યુ. 

ઈશ્વરની દેન

હાસ્ય કળા અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, `મારા માટે હાસ્યવૃત્તિ ઈશ્વરની દેન છે, મને જન્મથી જ આ ભેટ મળી છે.` પહેલા તેઓ મિત્રોની વચ્ચે જ પોતાની હસ્ય કળાનું પ્રદર્શન કરતાં અને તેઓ પણ તેની મોજ માણતાં. પોતાની હાસ્ય કળાથી અવગત થતાં ધીમે ધીમે શાહબુદ્દિન રાઠોડે જાહેર કાર્યક્રમો શરૂ કર્યા. સ્ટેજ સાથે પહેલેથી નાતો ધરાવતાં આ કલાકારે પોતાની આગવી શૈલીમાં લિંબડીમાં પહેલો કાર્યક્રમ કરી લોકોને ખડખડાટ હસાવી દીધાં હતા. તેમનું કહેવું છે કે આ દરમિયાન તેમણે પૈસાને ક્યારેય પ્રાધાન્ય આપ્યું નથી. બસ પોતાની કળાને રજૂ કરવા અને અન્ય કલાકારો જેવા દિવાળી બેન, ભીખુદાન ગઢવીને મળવાની તકને ધ્યાને રાખી કાર્યક્રમ માટે સંમત થઈ જતાં હતાં. નવાઈની વાત છે કે સો કાર્યક્રમો તેમણે માત્ર સો-સો રૂપિયામાં કર્યા છે. 

જીવનના સાદા સત્યોને હળવાશથી રજૂ કરવા

શાહબુદ્દિન રાઠોડે કહ્યું કે તેઓ હાસ્યના માધ્યમથી જીવનના સાદા સત્યોને હળવાશથી રજૂ કરવા માંગતા હતા. આ જ કડીમાં તેમણે એક રસપ્રદ વાત કરતાં કહ્યું કે, `એક વાર મારા મિત્રએ મને પૂછ્યુ કે સારા કામમાં થોડા પૈસા વાપરવાં શું કરવું.. તો મેં કહ્યું કે જેના પૈસા ઉછીના લીધા હોય તેને પાછાં આપી દેવા.`આવી જ રસપ્રદ વાતને આગળ ધપાવતાં શાહહુદ્દિન રાઠોડે કહ્યું કે,`એકવાર મને કોઈએ પૂછ્યું કે મગજ વગર માણસ કેટલા વર્ષ જીવી શકે ? મેં કહ્યું મને ખબર નથી.. તમારી ઉંમર..!?` તેમની આવી હાસ્યની વાતો સાબિત કરે છે કે આજની કૉમેડી એ કૉમેડી જ છે અને પહેલાનું હાસ્ય એ હાસ્ય સાથે જીવનના ઘડતરની પ્રક્રિયા. 

`પદ્મશ્રી` એવોર્ડથી સન્માનિત

એક કલાકાર તરીકે શાહબુદ્દિન રાઠોડે, રેડિયો, ટેલિવિઝન, સિરીયલ અને ફિલ્મ જેવા તમામ માધ્યને સ્વીકાર્યા છે. અહીં નોંધવું રહ્યું કે `શાહબુદ્દિન રાઠોડનો હાસ્ય વરઘોડો` નામની ફિલ્મ પણ તેમના પર બની છે. તેમણે અનેક વિદેશ પ્રવાસો કર્યા છે. ઈંગ્લેન્ડ, અમેરિકા, દુબઈ અને કેનેડા જેવા આશરે 22 દેશોમાં તેમણે કાર્યક્રમ કર્યા છે. આ સાથે જ શાહબુદ્દિન રાઠોડે ત્રણ એકાંકી અને પાંચ નાટકો લખ્યાં છે. તેમજ તેમને અનેક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં છે. રાજ્ય તરફથી શાહબુદ્દિન રાઠોડને ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં છે, જ્યારે આ વર્ષે જ તેમને `પદ્મશ્રી` થી પણ નવાજવામાં આવ્યાં છે. આ ઉપરાંત તેમના એક શિષ્ય વિદ્યાર્થીએ તેમના નામે `પદ્મશ્રી શાહબુદ્દિન રાઠોડ શાળા`નું નિર્માણ કર્યુ છે. 

આજના કૉમેડી કાર્યક્રમ વિશે કહ્યું કે..

જ્યારે વાત આટલા મોટા હાસ્ય કલાકારની થતી હોય ત્યારે એક સવાલ તો મનમાં ઉભો થાય જ કે શું તે આજના કપિલ શર્મા અને ભારતી સિંહના કાર્યક્રમો જોતા હશે..? અને જો જોતા હશે તો તેમનો અભિગમ શું હશે..? બરાબરને.! મને પણ આ સવાલ ઉદ્ભવ્યો, જેના જવાબમાં શાહબુદ્દિન રાઠોડે કહ્યું કે, તે આવા કોઈ પણ કાર્યક્રમને જોતા નથી. તેમણે વધુમાં કહ્યું કે બધાના હેતુ અને શૈલી અલગ અલગ હોય છે. મારો હેતુ હંમેશા મર્યાદાનો સ્તર ઊંચામાં ઊંચો રાખી સહકુટુબં સાથે બેસીને માણી શકાય એવું હાસ્ય સર્જવાનો હતો અને એ મંત્ર સાથે જ મેં મારુ કામ કર્યુ છે. 

શિક્ષણ અને હાસ્યોનો સુમેળ કેવી રીતે?

એકવાર સુરેશ દલાલે શાહબુદ્દિન રાઠોડને પૂછ્યું હતું કે તમે શિક્ષણ અને હાસ્યનો સુમેળ કેવી રીતે સાધ્યો? જેનો જવાબ આપતાં શાહબુદ્દિન રાઠોડે કહ્યં હતું કે તેમણે હાસ્યથી શિક્ષણને હળવું બનાવ્યું અને શિક્ષણથી હાસ્યને ગંભીર.

અંતમાં શાહબુદ્દિન રાઠોડે કહ્યું કે હાસ્ય એક એવો ભાવ છે જેમાં, મન બુદ્ધિ અને ચિત્તમાં પ્રસન્નતા જાગે છે અને તેના અનુભવથી હ્રદયમાં હર્ષની ભાવના જાગે તેની અભિવ્યક્તિ હાસ્ય દ્વારા થાય છે. 

વડાપ્રધાન મોદી સાથે હાથ મિલાવતાં  શાહબુદ્દિન રાઠોડ

 

 

dhollywood news gujarat gujarat news