આશુ પટેલની નોવેલ પરથી ડિરેક્ટર જયંત ગિલાટર બનાવશે ફિલ્મ

28 February, 2020 06:32 PM IST  |  મુંબઈ

આશુ પટેલની નોવેલ પરથી ડિરેક્ટર જયંત ગિલાટર બનાવશે ફિલ્મ

જયંત ગિલાટર અને આશુ પટેલ

જાણીતા ગુજરાતી લેખક આશુ પટેલની વધુ એક નોવેલ પરથી ફિલ્મ બનવા જઈ રહી છે. આશુ પટેલની નોવેલ 'બાત એક રાત કી' પરથી જયંત ગિલાટર ગુજરાતી અને હિન્દી એમ બંને ભાષામાં ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. આશુ પટેલની આ નોવેલ બાત એક રાત કી જાણીતા ગુજરાતી અખબારમાં પબ્લિશ થઈ હતી, ત્યાર બાદ તે હિન્દી અખબારમાં પણ પ્રકાશિત થઈ હતી. હવે ચોક એન્ડ ડસ્ટર, નટસમ્રાટ જેવી ફિલ્મો બનાવી ચૂકેલા જયંત ગિલાટરે આ નોવેલના રાઈટ્સ ખરીદીને તેના પરથી ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. રસપ્રદ વાત એ છે કે આશુ પટેલ આ ફિલ્મને જયંત ગિલાટર સાથે મળીને ડિરેક્ટ પણ કરવાના છે. આશુ પટેલની અંગ્રેજી નોવેલ બેસ્ટ સેલર બની હતી. ત્યારે હવે તેમની ગુજરાતી નોવેલ પરથી પણ ફિલ્મ બની રહી છે.

હાલ જયંત ગિલાટર ગુજરાતી ફિલ્મ 'ગુજરાત ઈલેવન'નું શૂટિંગ કરી રહ્યા છે. આ ફિલ્મનું શૂટિંગ પુરુ થયા બાદ આશુ પટેલની નોવેલ પર આધારિત ફિલ્મની શરૂઆત થશે. ઉલ્લેખનીય છે કે આશુ પટેલ અને જયંત ગિલાટર વર્ષોથી મિત્ર છે. ત્યારે આશુ પટેલના જન્મદિવસે જયંત ગિલાટરે નોવેલના રાઈટ્સ ખરીદીને તેમને ગિફ્ટ આપી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલા આશુ પટેલની ઈંગ્લિશ નોવેલ 'મેડમ એક્સ' પરથી પણ ફિલ્મ બની રહી છે. જેને તિગ્માંશુ ધૂલિયા ડિરેક્ટ કરી રહ્યા છે.

આશુ પટેલનું કહેવું છે કે,'હા, હું જયંત ગિલાટર સાથે આ ફિલ્મનું ડિરેક્શન કરીશ. તેમણે આ માટે તૈયાર બતાવી એ માટે હું તેમનો આભારી છું.' તો આ પહેલા આશુ પટેલ બાય લેંગ્યુઅલ (angreji-hindi) ફ્યુચરિસ્ટિક ફિલ્મ રેગારેઝા ડિરેક્ટ કરી ચૂક્યા છે. આ ફિલ્મ જ્યારે બની રહી હતી ત્યારે તેની સરખામણી ન્યૂઝ ચેનલ્સે જેમ્સ કેમેરૂનની અવતાર સાથે કરી હતી. જો કે એ સ્પેસ ફિક્શન ફિલ્મ કોઈ કારણસર અધૂરી રહી ગઈ હતી. આ વિશે મિડ ડે દ્વારા પૂછવામાં આવતા આશુ પટેલે કહ્યું,'હા, એ ફિલ્મ અધૂરી રહી ગઈ છે,પણ હું એ ફિલ્મ પૂરી કરવાનો છું. એટલું જ નહીં એ ફિલ્મનું ગુજરાતી વર્ઝન પણ બનાવીશ.' આ ઉપરાંત 'બાત એક રાત કી' નોવેલ પર આધારિત ફિલ્મ વિશે વાત કરતા આશુ પટેલે કહ્યું કે,'આ ફિલ્મના ડિરેક્શન હું જયંત ગિલાટર સાથે કરી રહ્યો છું. પરંતુ ભવિષ્યમાં મારું ફોકસ તો રાઈટિંગ પર જ રહેશે. ખાસ કરીને ગુજરાતી સાથે મારો નાતો નહીં તૂટે. ભલે હવે હું અંગ્રેજી માર્કેટ તરફ વળ્યો છું, અને મારી અંગ્રેજી નોવેલ મેડમ એક્સ બેસ્ટ સેલર બની ચૂકી છે, પણ મારો લગાવ તો ગુજરાતી ભાષા સાથે જ છે. મારી જ અન્ય એક સ્ટોરી પરથી ગુજરાતી ફિલ્મ પ્લાન થઈ રહી છે.' મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મને પણ આશુ પટેલ પોતે જ ડિરેક્ટ કરવાના છે.

આ પણ વાંચોઃ Anjali Desai: આ બ્રિટિશ સિંગર છે મૂળ ગુજરાતી

મળતી માહિતી પ્રમાણે 'બાત એક રાત કી' નોવેલ પર આધારિત આ ફિલ્મ સસ્પેન્સ થ્રિલર હશે. જે હિન્દી અને ગુજરાતી એમ બે ભાષાઓમાં બનશે. હાલ જયંત ગિલાટર ડેયઝી શાહ અને પ્રતીક ગાંધી સાથેની ફિલ્મ ગુજરાત 11ના શૂટિંગ માટે બહેરીન છે. ત્યારે ગુજરાત 11નું શૂટિંગ અને પોસ્ટ પ્રોડક્શન પુરુ થયા બાદ તેઓ આ ફિલ્મ પર કામ શરૂ કરશે. જયંત ગિલાટરને તાજેતરમાં જ દાદાસાહેબ ફાળકે ફિલ્મ ફાઉન્ડેશન તરફથી નટસમ્રાટ માટે બેસ્ટ ડિરેક્ટરનો એવોર્ડ મળ્યો હતો. જયંત ગિલાટર ગુજરાતીમાં 'નટસમ્રાટ' અને બોલીવુડમાં 'ચૉક એન્ડ ડસ્ટર' જેવી ફિલ્મો બનાવી ચૂક્યા છે. આ ઉપરાંત એક મહેલ હો સપનો કા જેવી ટ્રેન્ડ સેટર સિરીયલ તેમના નામે બોલે છે.

gujarati film entertaintment