નવું આપશો નહીં તો નવું આવશે કોણ?

23 October, 2022 01:41 PM IST  |  Mumbai | Bhavya Gandhi

ગુજરાત પાસે બહુ સરસ સબ્જેક્ટ છે, પણ એ કરવા માટે અને એ દેખાડવા માટેની તૈયારી હશે તો જ એ બનાવવા કોઈ આગળ આવશે

પ્રતીકાત્મક તસવીર, સૌજન્ય : આઇસ્ટૉક

ગુજરાતના ગુજરાતીઓ આજે પણ ગુજરાતી ચૅનલ જુએ છે અને ગુજરાતી પ્લૅટફૉર્મ પર શો જુએ છે. જો ઑફબીટ સબ્જેક્ટ્સ આવશે તો જ એ ઑડિયન્સ એ ચૅનલ-પ્લૅટફૉર્મ પર રહેશે, પણ ધારો કે એક જ ટાઇપનું કન્ટેન્ટ આવશે કે પછી એકસરખું બધું જોવા મળશે તો પછી કેવી રીતે એવું બને કે યંગસ્ટર એ પ્લૅટફૉર્મ પર જાય?

આજની આપણી આ વાત વાંચવાનું શરૂ કરતાં પહેલાં એક ખાસ વાત કહેવાની.
જો તમે ‘દિલ્હી ક્રાઇમ’ની બન્ને સીઝન ન જોઈ હોય તો પ્લીઝ એ પહેલાં જોઈ લો અને એ જોયા પછી આજનો આ પીસ વાંચો. જે સ્તરનું કામ ‘દિલ્હી ક્રાઇમ’માં થયું છે એ જેન્યુઇનલી અદ્ભુત છે. વાત આગળ વધારતાં પહેલાં એક સ્પષ્ટતા કરી દઉં કે એવું નથી કે આ વેબ-શોની બન્ને સીઝન મેં હમણાં જોઈ હોય. ના, નહીં. આ બન્ને સીઝન મેં હમણાં બીજી વાર જોઈ અને એક ખાસ કામસર જોઈ, પણ એ જોતી વખતે મારા મનમાં એક જ વાત ચાલતી હતી કે આપણે ગુજરાતીમાં શું કામ આ ન બનાવીએ, શું કામ આપણે એ દિશામાં વિચારતા નથી?
વિચારવું પડશે અને એ દિશામાં કામ પણ કરવું પડશે, કારણ કે આજે ગુજરાતીઓ ઓટીટી પ્લૅટફૉર્મ પર ‘સ્કૅમ 1992’ જેવી વેબ-સિરીઝને હિટ કરે છે અને સોની-લિવ જેવા પ્લૅટફૉર્મને ગુજરાત અને ગુજરાતીઓમાંથી જ મિલ્યન્સમાં સબસ્ક્રિપ્શન મળે છે. નવું કરવાની જો તૈયારી રાખીશું તો જ આપણે નવા વર્ગને આપણી સાથે જોડી શકીશું અને આ વાત હું સતત કહેતો આવ્યો છું. જો ગુજરાતી ફિલ્મો પણ એક જ પ્રકારની કરીશું તો એ જોવા માટે લોકો આગળ આવતા બંધ થઈ જશે અને એવું જ ગુજરાતી ઓટીટી પ્લૅટફૉર્મ સાથે પણ બનશે. 
અત્યારે આપણી પાસે બે પ્લૅટફૉર્મ છે, આવતા એકાદ મહિનામાં ત્રીજું પ્લૅટફૉર્મ પણ આવે છે તો ઑલરેડી ઍમેઝૉન અને સોની-લિવે પણ ગુજરાતી શો માટે તૈયારી શરૂ કરી દીધી છે. એ ગુજરાતી પ્રોજેક્ટ સાંભળતા પણ થયા છે અને સારા લાગતા ગુજરાતી શોને શૉર્ટલિસ્ટ પણ કરતા થયા છે, તો બીજાં પણ બે એક્ઝિસ્ટિંગ પ્લૅટફૉર્મે પણ ગુજરાતી શો સાથે આવવાની પોતાની તૈયારી શરૂ કરી દીધી છે. 
નવા પ્લૅટફૉર્મ કે પછી પ્લૅટફૉર્મના નવા સેક્ટરમાં નવી લૅન્ગ્વેજના શો આવતા થાય, એ નવા પ્રકારની સ્ટોરી લાવવાનું શરૂ કરે ત્યારે જ આપણે એને માટે તૈયારી કરીએ એના કરતાં જો આપણે પહેલેથી એ દિશામાં કામ કરવા માંડીશું તો ચોક્કસ લોકો એને આવકારશે. 
આપણે વાતની શરૂઆત જે ‘દિલ્હી ક્રાઇમ’થી કરી એની બન્ને સીઝનમાં સત્યઘટનાઓ લેવામાં આવી છે. સત્યઘટનાને જે રીતે શોમાં દેખાડવામાં આવી છે અને એને જે રીતે સ્ક્રીન પર લેવામાં આવી છે એ જૅન્યુઇનલી અદ્ભુત છે. આવી, કદાચ આનાની પણ વધારે ખોફનાક કહેવાય એવી ઘટનાઓ ગુજરાતીઓએ જોઈ છે. હું એક યંગસ્ટર તરીકે ઇચ્છું કે મને એ સ્ક્રીન પર જોવા મળે. મારે એ ઘટના જોવી છે, જે મેં જોઈ નથી અને હું ક્યારેય રિયલ લાઇફમાં જોવાની હિંમત નથી કરવાનો, પણ સ્ક્રીન પર દેખાતી એ ઘટના મને ઘણું બધું એવું શીખવી જશે કે ક્યારેય લાઇફમાં કટોકટી આવે તો એમાંથી રસ્તો કેવી રીતે કાઢવાનો. દરેક ક્રાઇમ શોની એક બેઝિક મકસદ એવી હોય છે કે એ શો તમને એ પણ સમજાવે કે લાઇફમાં ક્યારેય એવી પરિસ્થિતિ આવે તો કેવી રીતે એનો સામનો કરવો અને કઈ રીતે એ ખરાબ સમયમાંથી પસાર થઈને બીજાને પણ બચાવવા. 
‘દિલ્હી ક્રાઇમ’ જ નહીં, એ સિવાય પણ અનેક એવી વેબ-સિરીઝ છે જે જોયા પછી તમને ખરેખર થાય કે આ એ વાત છે જે જોવા માટે આપણે તરસતા હતા, પણ એ કામ આપણા ગુજરાતી પ્લૅટફૉર્મ પર જોવા નથી મળતું. ઘણા એવી આર્ગ્યુમેન્ટ કરે છે કે એવા સબ્જેક્ટ્સ બીજે તો જોવા મળે જ છે, પણ હું કહીશ કે મુંબઈના ગુજરાતી એ પ્લૅટફૉર્મ પર જાય છે. ગુજરાતના ગુજરાતીઓ તો આજે પણ ગુજરાતી ચૅનલ જુએ છે અને ગુજરાતી પ્લૅટફૉર્મ જુએ છે. જો ઑફબીટ સબ્જેક્ટ્સ આવશે તો જ એ ઑડિયન્સ આ પ્લૅટફૉર્મ પર રહેશે, પણ ધારો કે એક જ ટાઇપનું કન્ટેન્ટ આવશે કે પછી એકસરખું બધું જોવા મળશે તો પછી કેવી રીતે એવું બને કે યંગસ્ટર એ પ્લૅટફૉર્મ પર જઈને સબસ્ક્રિપ્શન લે.
સબ્જેક્ટ્સનો તોટો નથી. બહુ સારા-સારા અને એકદમ ઇન્ટરેસ્ટિંગ્સ સબ્જેક્ટ્સ ગુજરાત અને ગુજરાતી પાસે છે, પણ એને પ્લૅટફૉર્મ મળે અને એ બનાવવા કે પછી રજૂ કરવા કોઈ તૈયાર થાય એ જરૂરી છે. જે સમયે એ થશે એ સમયે એટલું નક્કી છે કે આપણે પણ રીજનલ કન્ટેન્ટની જેમ જ એકદમ સ્ટ્રૉન્ગ કન્ટેન્ટ સાથે આગળ આવીશું. આપણને કોઈ પાછળ રાખી નહીં શકે.

bollywood news dhollywood news entertainment news Bhavya Gandhi bollywood bollywood gossips