આજે ઓપન થાય છે નવું નાટક એક ભૂલ વન્ડરફુલ

17 March, 2019 10:42 AM IST  | 

આજે ઓપન થાય છે નવું નાટક એક ભૂલ વન્ડરફુલ

આજે ઓપન થાય છે અપરા મહેતાનું નાટક એક ભૂલ વન્ડર ફુલ

બાલીવાલા થિયેટર્સનું નવું નાટક ‘એક ભૂલ વન્ડરફુલ’ના લેખક પંકજ ત્રિવેદી છે અને એનું ડિરેક્શન ફિરોઝ ભગતનું છે. ઢળતી ઉંમરે પહોંચેલા લોકોના જીવનમાં નીરસતા આવી જાય ત્યારે એ જીવન કેવું વસમું બની જાય અને વસમા લાગતા જીવનને કેવી રીતે રસપ્રદ બનાવી શકાય એની વાત નાટકમાં કરવામાં આવી છે. નાટકના મુખ્ય કલાકાર અને ડિરેક્ટર ફિરોઝ ભગત કહે છે, ‘જીવનમાં રંગો હોવા અનિવાર્ય છે અને જીવન જ્યારે બેરંગી બની જાય ત્યારે વ્યક્તિની પોતાની ફરજ છે એ બેરંગી જીવનને કેમ રંગીન બનાવવું. નાટકના કેન્દ્રમાં આ જ વાત રહેલી છે.’

વૃદ્ધાશ્રમમાં આકાર લેતા આ નાટકમાં વૃદ્ધાશ્રમના નીરસ જીવનની વાત છે, પણ એ નીરસ જીવન વચ્ચે એક વ્યક્તિ એવી પણ નીકળે છે જે આ રીતે નીરસ અવસ્થામાં રહેવા કે મરવા નથી માગતી. વૃદ્ધાશ્રમની એ વ્યક્તિ બધાને એક કરીને એક પ્લાન બનાવે છે, જેને કારણે તેમની લાઇફમાં નવો રોમાંચ આવે. બધું પ્લાન મુજબ ચાલે છે અને પ્લાન જ્યારે અમલમાં મૂકવાનો સમય આવે છે ત્યારે જ એવી ઘટના બને છે અને આખો પ્લાન ઊંધો પડે છે. કહોને, મનમાં જે હતું એના કરતાં સાવ જ વિપરીત પરિસ્થિતિ ઊભી થઈ જાય છે. કહોને, ઊલમાંથી ચૂલમાં પડે છે. હવે શું? કેવી રીતે બધું કાબૂમાં લેવું અને કેવી રીતે બધું હવે ફરીથી સરખું કરવાની રમત અહીંથી શરૂ થાય છે પણ એમાં વધારે ને વધારે ફિયાસ્કા થતા જાય છે. નાટકના લીડ ઍક્ટ્રેસ અપરા મહેતા કહે છે, ‘આ જે ફિયાસ્કાઓ છે એ ફિયાસ્કા જ નાટકનો આત્મા છે. એકધારા ગોટાળાઓ ચાલે છે અને એ ગોટાળા વચ્ચે બધાને જે ફન જોઈતું હતું એ ફન પણ મળે છે અને બેરંગી લાઇફમાંથી બહાર આવવાની એક નવી પ્રક્રિયા શરૂ થાય છે.’

‘એક ભૂલ વન્ડરફુલ’નાં મુખ્ય પાત્રોમાં ફિરોઝ ભગત, અપરા મહેતા, અરવિંદ વેકરિયા, અમિત દિવેટિયા, રજની શાંતારામ, અજય પારેખ, અશ્વિની ટેકળે, પૃથ્વી પંચોલી અને હર્ષિત રાવલ છે.

નાટકનો શુભારંભ આજે સાંજે સાડાસાત વાગ્યે નેહરુ ઑડિટોરિયમથી થશે.

gujarat news