હિતુ કનોડિયા અને નીલમ પંચાલ સ્ટારર આ ગુજરાતી સાયકોલોજિકલ થ્રીલરનું પોસ્ટર આઉટ

14 January, 2024 08:37 PM IST  |  Mumbai | Karan Negandhi

ફિલ્મમાં હિતુ કનોડિયા (Hitu Kanodia) અને નીલમ પંચાલ લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મ મનોજ આહિરે પ્રોડ્યુસ કરી છે

નાસૂર ફિલ્મનું પોસ્ટર

વર્ષ ૨૦૨૪ ગુજરાતી ફિલ્મોના ચાહકોમાં ઉત્સુકતા ભર્યું છે. વર્ષની શરૂઆતમાં જ વધુ એક ગુજરાતી ફિલ્મનું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. મેકર્સે ગુજરાતી સાયકોલોજિકલ થ્રીલર ફિલ્મ ‘નાસૂર’ (Gujarati Film Nasoor)નું પોસ્ટર રિલીઝ કર્યું છે. સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી છે. ફિલ્મમાં હિતુ કનોડિયા (Hitu Kanodia) અને નીલમ પંચાલ લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મ મનોજ આહિરે પ્રોડ્યુસ કરી છે. તો ફિલ્મનું ડિરેક્શન ઋષિલ જોશીએ કર્યું છે, જ્યારે ફિલ્મ કાજલ મહેતાએ લખી છે.

ફિલ્મનું પોસ્ટર સોશિયલ મીડિયા (Gujarati Film Nasoor) પર ફેન્સ સાથે શેર કરતાં અભિનેત્રી નીલમ પંચાલે (Niilam Paanchal) લખ્યું કે, “પરિવાર સાથે ઉતરાયણ મનાવવાની મજા આવીને? અમુક પળો પૈસા કરતાં પણ મહત્વની હોય છે એ સત્ય સમય સાથે જ સમજાય છે! પૈસા અને લાગણીઓ વચ્ચેની વાત લઈને આવી રહ્યા છીએ અમે!! ‘નાસૂર’ મરવાની પહેલી ઈચ્છા કે પછી જીવવાની છેલ્લી ઈચ્છા!”

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે વાત કરતાં નીલમ પંચાલે જણાવ્યું કે, “રાડો અને વશ બાદ હિતુ કનોડિયા સાથે મારી આ ત્રીજી ફિલ્મ છે. હું હંમેશા સારી સ્ક્રિપ્ટ સાંભળવા અને એના પર કામ કરવા માટે આતુર હોવ છું. ‘નાસૂર’ પણ એવી જ એક ફિલ્મ છે, જેની વાર્તા દર્શકોને જકડી રાખશે. હિતુ કનોડિયા સાથે જ ફિલ્મની સ્ટારકાસ્ટ પણ એક મહત્ત્વનો ભાગ છે, જેને કારણે મેં આ ફિલ્મ માટે હા પાડી હતી.”

હિતુ કનોડિયા અને નીલમ પંચાલની ડાયનેમિક લીડ જોડી ઉપરાંત ‘નાસૂર’માં દેનિશા ઘુમરા અને હીના વરદે મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં હેમીન ત્રિવેદી, વૈશાખ રતનબેન, વિશાલ ઠક્કર અને જિગ્નેશ મોદી પણ મોટા પરદા પર દેખાશે.

ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ રિલીઝ થશે.

nilam panchal hitu kanodia gujarati film gujarati mid-day dhollywood news entertainment news