ગ્રીવા કંસારા અમારી રીટેક રોશન છે : ઉર્વીશ પરીખ

12 April, 2019 11:37 AM IST  |  | હર્ષ દેસાઈ

ગ્રીવા કંસારા અમારી રીટેક રોશન છે : ઉર્વીશ પરીખ

ગુજરાતી ફિલ્મ કાચિંડોનું પોસ્ટર

આજે રિલીઝ થઈ રહેલી ગુજરાતી ફિલ્મ ‘કાચિંડો’ એક સસ્પેન્સ-ડ્રામા ફિલ્મ છે જેનું શૂટિંગ પૅરિસમાં કરવામાં આવ્યું છે. પૅરિસમાં શૂટિંગ કરવામાં આવેલી આ પહેલી ગુજરાતી ફિલ્મ છે. આ ફિલ્મમાં રાજ જટાણિયા, છાયા વોરા, અપરા મહેતા, ભાવિની ગાંધી, ગ્રીવા કંસારા, મોહસિન શેખ, બાબુલ ભાવસાર, હિતેશ સંપત અને કૃપા મિશ્રાએ કામ કર્યું છે. બાબુલ ભાવસારે આ ફિલ્મ લખી છે. આ ફિલ્મને પ્રોડ્યુસ અને કો-ડિરેક્ટ ઉર્વીશ પરીખે કરી છે. ઉર્વીશ પરીખે આ ફિલ્મમાં નાનકડું પાત્ર પણ ભજવ્યું છે. ફિલ્મમાં માણસ કેવી રીતે પોતાના રંગ બદલે છે એ વિશે વાત કરવામાં આવી છે તેમ જ જે-તે વ્યક્તિ લગ્ન કરી વિદેશમાં સેટલ થવા માગતી હોય ત્યારે તેણે કેવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે એની પણ વાત કરવામાં આવી છે. ‘કાચિંડો’ની ટીમે ‘મિડ-ડે’ સાથે કરેલી વાતચીતના કેટલાક અંશ જોઈએ :

ફિલ્મનું નામ ‘કાચિંડો’ રાખવાનું કેમ વિચાર્યું?

બાબુલ ભાવસાર : વ્યક્તિનો સ્વભાવ દરેક વ્યક્તિ સાથે અલગ-અલગ હોય છે. વ્યક્તિ એક હોય છે, પરંતુ એના રંગ અનેક હોય છે. થોડા સમય પહેલાં જ મેં વાંચ્યું હતું કે માણસને રંગ બદલતા જોઈને કાચિંડાએ પણ કરી આત્મહત્યા. આ લાઇન વૉટ્સઍપ પર પણ ખૂબ વાઇરલ થઈ હતી. શૈલેશ દવેના નાટક ‘ઉડખાણ’માં તેમની સલીલક્વિ હતી. એ અને વૉટ્સઍપનો મેસેજ અમારી ફિલ્મની થીમને બંધબેસતું હતું અને એને કારણે જ મેં આ નામ લેવાનું નક્કી કર્યું હતું.

આ ફિલ્મનું શૂટિંગ પૅરિસમાં કરવામાં આવ્યું તો શું ચૅલેન્જિસ આવી છે?

ઉર્વીશ પરીખ : અમારે વીઝાથી લઈને ઍક્ટર્સની તારીખથી લઈને શૂટિંગ-શેડ્યુલની પરવાનગી લઈને બધું જ મેઇન્ટેઇન કરવાનું હતું. આ તમામ બાબતોમાં અમને ઘણી ચૅલેન્જિસ નડી હતી. અમારા એક આર્ટિસ્ટ એન્ડ ટાઇમ પર ન આવી શક્યા. અમારું શેડ્યુલ થોડું પાછળ થયું હોવાથી પ્રોફેશનલ કમિટમેન્ટને કારણે એ આર્ટિસ્ટ નહોતા જોડાઈ શક્યા. ત્યાર બાદ અમે અન્ય આર્ટિસ્ટનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેને વીઝા નહોતા મળ્યા. અમે બધાં પૅરિસમાં હતાં અને આર્ટિસ્ટને કારણે અમે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. જોકે મને દરેક ઍક્ટર્સ અને ટીમે ખૂબ જ સર્પોટ કર્યો હતો.

ફિલ્મમેકિંગની સાથે પ્રમોશનમાં કોઈ મુશ્કેલી આવી હતી ખરી? ખાસ કરીને બજેટને લઈને?

ઉર્વીશ પરીખ : બૉલીવુડમાં લોકો પાસે પૈસા છે અને તેમની પાસે સ્ટુડિયો પણ છે. જોકે ગુજરાતી ફિલ્મો પાસે એવું કાંઈ નથી. સરકાર તરફથી મદદ મળે છે, પરંતુ એ ફિલ્મ બની ગયા પછી. જોકે એમ
છતાં અમને પ્રમોશનને લઈને કોઈ મુશ્કેલી નથી પડી.

અત્યાર સુધીની ગુજરાતી ફિલ્મો કરતાં આ ફિલ્મમાં દર્શકોને શું અલગ જોવા મળશે?

ઉર્વીશ પરીખ : આ પહેલી ગુજરાતી સસ્પેન્સ-થિલર ફિલ્મ છે તેમ જ પૅરિસમાં શૂટ કરવામાં આવેલી પણ પહેલી ગુજરાતી ફિલ્મ છે. વિમેન ઓરિયેન્ટેડ મેસેજ આપતી આ ફિલ્મ છે.

ફિલ્મના ટ્રેલરમાં એક લાઇન છે કે દુનિયામાં સાત અજાયબી છે, પરંતુ આઠમી અજાયબી માણસ છે. તો આ તમામ ઍક્ટર્સની અજાયબી વિશે જણાવો.

બાબુલ ભાવસાર (મસ્તીમાં) : કુપા ખૂબ જ હરામખોર છે. ગ્રીવા ખૂબ જ લુચ્ચી છે.

ગ્રીવા કંસારા : મને ભૂલી જવાની આદત છે. હું જ્યારે વીઝા લેવા માટે ગઈ હતી ત્યારે હું ઝેરોક્સવાળા પાસે પાર્સર્પોટ ભૂલી ગઈ હતી. ત્યાર બાદ હું કૉફી પીવા માટે ગઈ હતી અને ત્યાં મને યાદ આવ્યું કે હું મારો પાસર્પોટ ભૂલી ગઈ છું. અમારી ટીમની સાથે ઍમ્બેસીનો વૉચમૅન પણ મારો પાસર્પોટ શોધતો થઈ ગયો હતો.

હિતેશ સંપત : હું પર્ફેક્શન, પંક્ચ્યુઅલિટી અને ચોકસાઈમાં માનું છું. મને દરેક વસ્તુ ચોક્કસ જોઈએ. હું જો તેમની સાથે પૅરિસ ગયો હોત તો હું ગ્રીવાનો પાસર્પોટ પણ નહીં ખોવા દેત.

ગ્રીવા કંસારા : છાયા વોરા સેટ પર હંમેશાં ખૂબ જ ખુશ હોય છે. તેમનામાં ૧૬ વર્ષની છોકરી જેવી એનર્જી છે. તેમની આસપાસ તેઓ હંમેશાં પૉઝિટિવ એનર્જી રાખે છે. રાજ જટાણિયાની વાત કરું તો તે કાચિંડો છે.

કેમ કાચિંડો?

ગ્રીવા : તે હંમેશાં સેટ પર ઉર્વીશ સાથે ઝઘડો કરતો અને અમારો મોટા ભાગનો સમય રાજને મનાવવામાં જતો. તેઓ ત્યાર બાદ એક થઈ જતા અને અમને સાઇડ કરી દેતા.

ઉર્વીશ : રાજ ઝઘડો કરતો અને થોડા સમય રહીને મને મેસેજ અને કૉલ કરીને કહેતો કે તેનો કહેવાનો મતલબ એવો નહોતો અને વગેરે વગેરે... તે સૉરી કહેતો અને અમે ફરી સાથે કામ શરૂ કરતા.

કૃપા : એક રીતે જોવા જઈએ તો રાજ એ ઉર્વીશની હાફ-ગર્લફ્રેન્ડ છે. તેમની વચ્ચે ઝઘડા ચાલતા રહેતા, પરંતુ તેઓ હંમેશાં સાથે રહેતા.

ગ્રીવા : ભાવિનીનું કામ ટેન્શનમાં રહેવાનું હતું. તે હંમેશાં સવાલ કરતી રહેતી કે ઉર્વીશ, પેલો આવ્યો કેમ નથી? ઉર્વીશ તું કાર એમ કેમ ચલાવે છે? વગેરે.

સેટ પર સૌથી વધુ મસ્તી કોણ કરતું હતું?

કૃપા : રાજ સૌથી શરમાળ છે અને એથી જ અમે તેને ખૂબ જ હેરાન કરતા હતા. કેમ છે બેબી? આવને બેૅબી કહીને તેને બધાની સામે શરમમાં મૂકી દેતા.

ગ્રીવા : ફિલ્મમાં અમે કપલ છીએ અને એથી એવા કોઈ દૃશ્યનું શૂટિંગ હોય એ પહેલાં હું તેને કહેતી કે આપણે રિહર્સલ કરવાની છે અને એ સાંભળીને તે ખૂબ જ નર્વસ થઈ જતો. છોકરીઓની આસપાસ રહેવાથી તે ખૂબ જ નવર્સ થઈ જાય છે.

આ પણ વાંચોઃ સંગીતના જાદુગર જિગર સરૈયાની આવી છે પર્સનલ લાઈફ, જુઓ ફોટોઝ

સૌથી વધુ રીટેક કોણ લેતું હતું?

ઉર્વીશ : ગ્રીવા અમારી રીટેક રોશુન છે.

કૃપા : એ લાઇવ ઇન્ટરવ્યુમાં પણ રીટેક લે છે.

રાજ : સાચું કહું તો ગ્રીવાને જ્યાર સુધી અંદરથી સંતોષ ન મળે ત્યાં સુધી તે રીટેક લે છે.

આ ફિલ્મની ટીમમાં તમામ ઇન્ડિયન હતા કે પૅરિસની ટીમનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો?

બાબુલ ભાવસાર : અમે લગભગ ૧૬ વ્યક્તિ પૅરિસમાં હતા. ૨૦-૨૧ દિવસ સુધી અમે પૅરિસમાં શૂટિંગ કર્યું હતું.

ગ્રીવા : અમે જ્યારે પૅરિસમાં હતાં ત્યારે એક આર્ટિસ્ટ ન આવી શક્યા હતા અને વીઝાનો ઇશ્યુ હોવાથી અમારી ટીમે તાત્કાલિક નર્ણિય લેવો પડે એવું હતું. આથી ઉર્વીશે આ પાત્ર ભજવવાનું નક્કી કર્યું હતું.
ગુજરાતી ફિલ્મ માટે ઇન્ડસ્ટ્રી તરફથી કેવો સર્પોટ મળે છે?

ઉર્વીશ : ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હવે ઘણા લોકો સર્પોટ કરે છે. અમને હિતેનભાઈ, સંજય ગોરડિયા સર તેમ જ ઘણા ઍક્ટર્સે સર્પોટ કર્યો છે. તેમણે અમારી ફિલ્મને વગર કહીએ તેમના સોશ્યલ અકાઉન્ટ પર પણ શૅર કરે છે.

રાજ જટાણિયાએ ડાન્સર તરીકે કરીઅરની શરૂઆત કરી હતી, પરંતુ ઍક્ટર તરીકેનો અનુભવ કેવો રહ્યો?

હું ડાન્સર તરીકે વિદેશમાં ગયો છું, પરંતુ ઍક્ટર તરીકે પહેલી વાર ગયો છું. ઍક્ટર તરીકે વિદેશમાં જઈને શૂટિંગ કરવાનું ફીલ જ અલગ છે. હું ઍક્ટર હોવાથી મને ટ્રીટમેન્ટ પણ અલગ મળી રહી હતી. મને ઍક્ટર તરીકે ખૂબ જ લિબર્ટી હોવાથી મેં શૂટિંગને ખૂબ જ એન્જૉય કર્યું હતું.

આ પણ વાંચોઃ સોહન માસ્ટર: ડેલી બોનસના એન્કરની આવી છે પર્સનલ લાઇફ

ભાવિની તારી સ્પેલિંગ કેમ અલગ છે?

મેં સ્પેલિંગમાં ડબ્લ્યુનો સમાવેશ કર્યો છે અને એ મારા ન્યુમરોલૉજિસ્ટને કારણે છે. હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જેવી દાખલ થઈ કે તરત જ મેં નામ ચેન્જ કરી નાખ્યું હતું.
હિતેશભાઈ તમારા વિડિયો યુટ્બ પર ખૂબ જ ફેમસ છે.... ખાસ કરીને...

ઉર્વીશ (મસ્તી કરતાં વચ્ચે અટકાવીને): તેઓ ત્યાં જ કામ કરે છે.

હિતેશભાઈ : ઘણી વાર મારી પાસે કોઈ વિડિયો હોય તો હું પોસ્ટ કરું છું, પરંતુ મારા જ વિડિયો મારી પાસે ઘણી વાર આવે છે.

ઉર્વીશ (મસ્તી કરતાં) : એ જોઈને પછી તમે વિચારતા હશો કે આ વિડિયો ક્યારે બનાવ્યો.

bollywood Raam Mori