21મું ટિફિનઃ ટૂંકી વાર્તા પરથી બનેલી ફિલ્મનું લેખકની કલમે વિશ્લેષણ

18 December, 2021 07:31 PM IST  |  Mumbai | Yamini Patel

નાયિકા નીલમ પંચાલનું પણ ટ્રાન્સફોરમેશન થાય છે  પણ ખૂબ હળવેથી, ખૂબ સરળતાથી. આ ટ્રાન્સફોરમેશનમાં ડાયરેક્શને લેખનને ગજબનો સાથ આપ્યો છે

સાવ સાધારણ લાગતી વર્તતી સ્ત્રી આપણા પણ દિલની નાયિકા થઈ જાય છે

ફિલ્મની શરૂઆતમાં ટાઈટલ જોઈને જ ખબર પડી જાય કે ફિલ્મ કેવી હશે અને એની ટ્રીટમેન્ટ કેવી હશે. પ્લેટફોર્મ પર પડેલા રસોઈના સામાન  તેમ જ વાસણો ઉપરથી જે રીતે કાવ્યાત્મક રીતે કેમેરા ખૂબ વ્હાલથી જાણે એક એક વસ્તુને પ્રેમ કરતો હોય એમ ચાલે ત્યારે આપણું હૃદય પણ સાથે નાચી ઉઠે. છેલ્લે 20 ટિફિન ગોઠવેલા દેખાય. (મેં તો ગણી પણ જોયા.) છેલ્લી ફ્રેમમાં જમણે એકવીસમાં ટિફિન પર નજર અટકે એટલે ખબર પડે કે એકવીસમું ટિફિન બિલકુલ અલગ તરી આવે છે,આ ફિલ્મની જેમ જ. એક તો આવે કમર્શિયલ ફિલ્મ અને બીજી પેરેલલ ફિલ્મ. આ ફિલ્મને હું પેરેકમર્શ ફિલ્મ કહીશ.  ક્યાંક બંને પ્રકારની વચ્ચે. જો કે હું આને ફિલ્મ નહિ પણ કવિતા જ કહીશ. નવો ચીલો ચાતરતી  ગુજરાતી ફિલ્મોમાં આ ફિલ્મનું નામ લેવાશે એની ખુશી અને આનંદ. 

કોઈ જ અદભુત લોકેશનો નહિ, ગ્લેમર નહિ, આઈટમ નંબર નહિ, મોટા નામવાળા કલાકાર નહિ છતાં ફક્ત અને ફક્ત કલાના જોર પર તરી જતી ફિલ્મ છે આ. એક્ટર પસંદ કરીને પછી જ જાણે ફિલ્મ લખાઈ હોય એવું લાગે એટલા સબળ રોલ નિભાવ્યા છે કલાકારોએ. હંમેશા જેને મહત્વના  કોમેડી રોલ કરતા માણ્યો છે એવા કલાકારને  ઉમદા નાનકડા પણ હૃદયસ્પર્શી કરુણ રોલમાં જોવો એ એક  સરપ્રાઇઝ. એનું નામ હું સરપ્રાઇઝ જ રાખીશ.

નેત્રી ત્રિવેદીનો અભિનય જોઈ લાગે કે એનામાં ખૂબ પોટેંશિયલ છે. આ ફિલ્મમાં પણ એવું લાગે કે જાણે એને પૂરેપૂરી ખીલવા તક ઓછી પડી. આ લખવાનું કારણ એ કે  એનું પાત્ર જ જાણે ખૂબ કૉમ્પ્લેક્સ છે. કયા સીનમાં એ શું કરે કંઈ કહેવાય નહિ. ટોટલી પ્રેડીક્ટ જ ના થઈ શકે તેવું. વળી આજની યંગ જનરેશનનું પ્રતિનિધિત્વ કરતા કરતા ક્યારે એ નાયિકાની સામે ઊભા રહેવાને બદલે બાજુમાં ઉભી રહી જાય છે, ક્યારે એ અલ્લડ છોકરીમાંથી સ્ત્રી બનવા લાગે છે, ક્યારે એ પ્રેક્ટીકલમાંથી ઈમોશનલ થઈ જાય છે,  ક્યારે એ સાથે હોવાનો અને ભેગા હોવાનો ફરક સમજતી થાય છે એ જોવું ખૂબ આનંદ આપે છે. 

નાયિકા નીલમ પંચાલનું પણ ટ્રાન્સફોરમેશન થાય છે  પણ ખૂબ હળવેથી, ખૂબ સરળતાથી. આ ટ્રાન્સફોરમેશનમાં ડાયરેક્શને લેખનને ગજબનો સાથ આપ્યો છે. જો ફિલ્મની શરૂઆતના નાયિકાના ફોટા જોઈએ અને અંતના જોઈએ તો બંને અલગ ધ્રુવ લાગે પણ આ આખી જર્ની કચકડે એટલી સરસ રીતે કંડારાઈ છે. અમુક એના આયાસો દેખાય એમ છે, અમુક શોધવા પડે એવા. વસ્ત્ર પરિધાન, કેશ કલાપ, મેકઅપ તો સાથ આપે જ છે પણ સીને સીને એના વ્યક્તિત્વમાં આવતો બદલાવ અદભૂત છે. અમસ્તાં પાત્ર માટે એક પાત્રાલેખન થાય, આ જોઈ લાગે કે એકએક સીન માટે  જાણે પાત્રાલેખન કરવું પડ્યું હશે. સાવ સાધારણ લાગતી વર્તતી સ્ત્રી આપણા પણ દિલની નાયિકા થઈ જાય છે અંતે.

રોનક કામદાર એ આપણને યંગ જનરેશનમાં જોવો ગમે એવો આદર્શ યંગસ્ટર છે. જેટલો સુલઝેલો એટલો જ ઈમોશનલ, મેચ્યોર. એના પાત્રમાં કશુંક એવું છે જેનો તાગ પામવો અઘરો છે કારણ કે બોલેલા શબ્દો કરતા ના બોલેલું ઘણું છે એના પાત્રમાં.  ક્યારેક લાગે કે આપણે એને સમજી લીધો તો ક્યારેક એ હાથતાળી દઈ ભાગી જાય, ઓળખી શકો  તો ઓળખી બતાવો એમ કહેતો. આ પાત્ર પણ એટલું જ કૉમ્પ્લેક્સ છે. સાવ છેલ્લા સીનમાં તો એણે કમાલ જ કરી નાખી છે. જાણતા પણ અજાણ્યા બનવાનું એણે કઈ રીતે સાધ્ય કર્યું હશે? બીજા બધા પાત્રોનું કાસ્ટીંગ પણ પરફેક્ટ.

સીનેમેટોગ્રાફી પણ મસ્ત. બે જ લોકેશનમાં જન્મ લેતી ફિલ્મમાં એક સીનેમેટોગ્રાફરને વૈવિધ્યનો સ્કોપ નથી કે નથી જુદા જુદા એન્ગલ કે કેમેરા મૂવમેન્ટનો ચાન્સ. આઉટડોરમાં અને  નેચરમાં  વધી વધીને એક ચંપો કે પછી વરસાદ. પંચાણું ટકા જેટલું ઇન્ડોર શૂટ. છતાં જોવી ગમે એવી સીનેમેટોગ્રાફી. વિજયગિરિ બાવાએ પહેલા પણ પોતાનું કૌવત બતાવ્યું જ છે, પણ આ ફિલ્મ અલગ છે. એની ટ્રીટમેન્ટ અલગ છે. કોઈ મોટા સ્ટારના ખભા નથી ફિલ્મને ઊંચકી જવા, છતાં ફિલ્મને ફક્ત અને ફક્ત ડાયરેકશન દ્વારા ઊંચકી લેવી એ સહેલું નથી. કેટલી બારીકાઈ, કેટલી ઝીણવટ. મને હતું કે હમણાં હું કોઈ કંટિન્યુઈટીની કે એવી કોઈ ભૂલ શોધી કાઢીશ પણ એ તો છોડો એમાં પ્રોડક્ટની જાહેરાતે ય જલ્દી કળાય એમ નથી. (એટલે છે ખરી.) એક ઉત્તમ ડાયરેક્ટર એને જે બતાવવું છે એ ત્યાં લેસર લાઈટ નાખ્યા વિના એવું  કશું કરે કે સૌની આંખ ત્યાં જ જાય. આ બહુ નાજુક છતાં શક્તિશાળી કળા છે. એ વિજયગીરી બાવાને સાધ્ય છે.  જ્યારે ફિલ્મના દરેક પાસા ઉત્તમ રીતે ઉભરે અને બધા ડિપાર્ટમેન્ટ એક તાલમાં ચાલે તો ઉત્તમ રિઝલ્ટ મળે એનો આ દાખલો છે. આ તાલમેલ જાળવવાનું કામ એક ડાયરેક્ટરનું જ છે, જે અહીં સુપેરે નિભાવી જાણ્યું છે એમણે.

ફિલ્મની પેસ ખૂબ જ મહત્વની હોય છે. એ જો  પકડાય અને જળવાય તો ક્યાંય કંટાળ્યા વગર અને ફોનમાં કે આજુબાજુ ફાંફાં માર્યા વિના આંખો સ્ક્રીન પર જ રહે. ગીત જ્યારે ગીત ના લાગે અને એક સળંગ અભિવ્યક્તિ જ લાગે ક્યાં શરૂ થાય અને ક્યાં પૂરું થાય એ ખબર ન પડે એવું થાય ત્યારે જ એ સફળ થયું કહેવાય. એમાંય ગીત ગણગણવાનું મન થાય તો બધું વસૂલ. સ્ત્રીને અને એના મનોજગતને એક સ્ત્રી વધારે સારી રીતે સમજી શકે એવી માન્યતાની રામ વર્ષોથી ધજ્જિયા ઉડાવતો આવ્યો છે . એની ટૂંકી વાર્તાઓ અને પુસ્તકો તો ભાવકો માણી જ રહ્યા છે વર્ષોથી, પણ આ ત્રણ સફળ ફિલ્મોની હેટ્ટ્રિક  એની કલગીમાં એક વધારે પીંછું ઉમેરે છે.   

વર્ષો પહેલાં નવનીત સમર્પણમાં રામ મોરીની વાર્તા વાંચેલી.  એ જ નામે એકવીસમું ટિફિન. એ વાર્તા ખબર હતી એટલે આગળ શું થશે એ જાણ હોવાથી હતું કે થોડી પ્રેડિક્ટેબલ  લાગશે પણ એને બાજુમાં મૂકી અમુક સીન દિલ નીચોવી ગયા. એ સીનનું પેપર નહિ ફોડું. જાતે જ શોધજો કોઈ ખજાનાની જેમ.  ના મળે તો આખા થિએટરમાં એક સાથે એક સરખો કોઈ પ્રતિભાવ સંભળાય એ જ એ ખજાનાની ચાવી. 

વિઝ્યુઅલ મીડિયામાં બે પાત્રોની કેમિસ્ટ્રી ખૂબ મહત્વની હોય છે. એ કામ સરળ થઈ જાય જો લેખકની કલમમાં જ એ હાજર હોય તો, અને અહીં એવું જ છે. પાત્રાલેખન,  પાત્રની જર્ની બહુ જ સરળ. પાત્રનું  ટ્રાન્સફોરમેશન એટલે સૌથી અઘરી કલમની પરીક્ષા. એમાં પાસ તો ખલ્લાસ.  અહીં એ માટે ફૂલ માર્ક.  જો આ  ફિલ્મ જોતાં આંસુ ના આવે કે આંખ ભીની ના થાય તો તમારા માટે થોડો સમય એકાંતમાં બેસી જાતતપાસ  કરવાનો સમય આવી ગયો કહેવાય.

કહેવાય છે કે દિલનો રસ્તો પેટથી શરૂ થાય છે પણ કોઈક વાર વચ્ચે પરમેનન્ટ રોડ બ્લોક આવે તો શું થાય? એ પણ ડાયવર્ઝનની અનુપસ્થિતિમાં? આમ જુઓ તો બધું નોર્મલ અને આમ જુઓ તો કશું ય નોર્મલ નહિ એવું કદી અનુભવ્યું છે? તરણું સમજી જેને ઝાલીએ એ જ તમને છોડી દે મઝધારમાં તો શું થાય એ જાણો છો? જીવન માંડ જીવવા જેવું લાગવા માંડે, સવારે ઉઠવા માટે હૃદયને ગમે એવું કોઈ કારણ હોય અને અચાનક એ બધું ધૂંધળું થઈ જાય તો?  જેનો અંત આવવાનો છે એ દિમાગને ખબર હોય પણ દિલ એક જુદી જ આશામાં ધડક્યા કરે અને એ અંતની ક્ષણ મોં ફાડી સામે ઊભી રહે તો શું થાય? કોઈ અંત એ કોઈ નવી શરૂઆત સાથે જ લઈને આવતો હોય છે. કોઈ અંત ક્યારેય અંત હોતો જ નથી કદાચ. કોઈ સંબંધ વ્યક્તિઓથી પર હોય, કરતો તમને સભર હોય, ક્યારેક પૂરો થશે એ ખબર હોય છતાં એ કરતો તમને તરબતર હોય , માતબર હોય ત્યારે તમે નસીબદાર હો છો. હાથ ભલે ને  ખાલી હોય ને છતાં  દિલ ભરેલું હોય હંમેશ માટે એ ઓછું છે?  દિલ એક વાર ભરાય ને તો પછી એ વ્યક્તિની ગેરહાજરીમાં ય ક્યારેય  એ ખાલી નથી થતું એ જ એક સત્ય છે સંબંધોનું.  એક રહસ્યકથાઓ લખવાની ચાહક આવું બધું શું લખી રહી છે? કેમ? એ જ તો આ ફિલ્મની કમાલ છે. આ બધું છોડો, હજુ ના જોઈ હોય ફિલ્મ તો ટિકિટ બુક કરો અને નીકળી પડો જોવા. તમને પણ ગમશે જ.

Raam Mori dhollywood news entertainment news gujarati film