EXCLUSIVE: હેલ્લારો ફેમ અભિનેત્રી નીલમ પંચાલ હવે જોવા મળશે આ ગીતમાં...

15 November, 2021 10:15 AM IST  |  Mumbai | Shilpa Bhanushali

"ગીતનું શૂટ ગુજરાતનું સૌંદર્ય દર્શાવતાં ગીરમાં કરવામાં આવ્યું છે. સાથે જ આ ગીતને સ્વર જાણીતા એવા ખ્યાતનામ ગાયક મયુર હેમંત ચૌહાણે આપ્યો છે તો ગીતનું ડિરેક્શન યુવાન અને ટેલેન્ટેડ એવા અખિલ કોટકે કર્યું છે."

નીલમ પંચાલ

ગુજરાતી ફિલ્મ અભિનેત્રી નીલમ પંચાલ પોતાની કારકિર્દીમાં દિવસે ને દિવસે નવી ઊંચાઈના શિખરો સર કરી રહ્યાં છે. તાજેતરમાં જ તેમની ફિલ્મ 21મું ટિફિન તાજેતરમાં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં પસંદગી પામી છે. હાલ અભિનેત્રી પોતાના એક ગીતના શૂટમાં વ્યસ્ત છે ત્યારે જાણો આ ગીત વિશે વધુ...

અભિનેત્રી નીલમ પંચાલ સાથે હર્ષલ માંકડ અને અખિલ કોટક આ ગીતમાં તેમનો સાથ આપી રહ્યા છે. આ ગીતને સ્વર જાણીતા એવા ખ્યાતનામ ગાયક મયુર હેમંત ચૌહાણે આપ્યો છે. આ ગીતના લિરિક્સ નરસિંહ ખેરે લખ્યા છે જ્યારે તેને સંગીત હેમાંગ સોની આપી રહ્યા છે. આ ગીતનું નામ એટલે `હાલોને મારા ગામડે`.

ગીત વિશે માહિતી આપતાં નીલમ પંચાલે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું કે, "આપણાં દેશના રાષ્ટ્રપિતા ગાંધીજીએ સતત એવું કહ્યું છે કે ભારતનો આત્મા તો તેના ગામડાઓમાં જ વસે છે. પરંતુ આજનો યુવા ગામડાઓથી દૂર થતો જાય છે અને આધુનિકતા તરફ વળ્યો છે ત્યારે યુવાનો ફરી ગામડાંની માટીની સુગંધ તરફ વળે તે માટે ખાસ આ ગીતની રચના થઈ છે."

આ ગીતના શૂટ વિશે વાત કરતા નીલમ પંચાલે કહ્યું કે, "ગીતનું શૂટ ગુજરાતનું સૌંદર્ય દર્શાવતાં ગીરમાં કરવામાં આવ્યું છે. સાથે જ ગીતનું ડિરેક્શન યુવાન અને ટેલેન્ટેડ એવા અખિલ કોટકે કર્યું છે."

નોંધનીય છે કે ગુજરાત તેની જાણીતી જગ્યાઓ અને ખાણી-પીણી માટે લોકપ્રિય છે ત્યારે જો તમારે ગુજરાતનું મૂળ જોવું -જાણવું હોય તો ગીર જવું જ જોઇએ. અને ગીરની આ સુંદરતા આ ગીત દ્વારા તમારા સુધી પહોંચાડશે.

dhollywood news entertainment news gujarati film