ગુજરાતી ફિલ્મો મોંઘી કેમ બને છે?

11 September, 2022 12:34 PM IST  |  Mumbai | Bhavya Gandhi

આ અને આ પ્રકારના સવાલો વારંવાર પૂછવામાં આવતા હોય છે. રિયલિટી એ છે કે હિન્દી ફિલ્મો એના સ્ટાર્સને કારણે અતિશય મોંઘી બને છે અને ગુજરાતી ફિલ્મો એની મેકિંગ-કૉસ્ટને કારણે મોંઘી લાગે છે

પ્રતીકાત્મક તસવીર

"આજે પણ મોટા ભાગની ગુજરાતી ફિલ્મોના એડિટિંગ અને મિક્સિંગથી માંડીને કલર-કરેક્શન જેવી અનેક પ્રોસ્ટ-પ્રોડક્શન ઍક્ટિવિટી મુંબઈમાં થાય છે અને એ જે બિલ હોય છે એ બિલ હિન્દીના સ્તરને ધ્યાનમાં રાખીને જ બનતું હોય છે. ઍક્ટર્સ કે ક્રૂનું પેમેન્ટ એવું નથી હોતું કે જે ફિલ્મનું બજેટ વધારે."

આમ જોઈએ તો હિન્દી ફિલ્મના કૅરૅક્ટર આર્ટિસ્ટની ફી કરતાં પણ ઓછા બજેટમાં ગુજરાતી ફિલ્મ બનતી હોય છે. સામાન્ય રીતે, અપવાદ અલગ છે. વાત અહીં એ જ છે કે ફિલ્મો બનાવવા આવેલા નવા-નવા લોકોને અત્યારે એવું લાગે છે કે ગુજરાતી ફિલ્મો મોંઘી બને છે, પણ આ માન્યતા માત્ર છે. ગુજરાતી ફિલ્મ અને હિન્દી ફિલ્મ વચ્ચેનો સીધોસાદો હિસાબ સમજવાની જરૂર છે. 
હિન્દી ફિલ્મની મેકિંગ-કૉસ્ટમાં મોટા ભાગની ફી સ્ટાર્સની ફી હોય છે. જો ફિગર્સ સાથે કહેવાનું હોય તો કહી શકાય કે હિન્દી ફિલ્મની મેકિંગ-કૉસ્ટમાં પચાસ ટકાથી મોટો શૅર સ્ટાર્સની ફી હોય છે, પણ ગુજરાતી ફિલ્મોમાં એ વાત જુદી છે. આપણે ત્યાં આજે પણ ખર્ચમાં સૌથી ઓછો શૅર જો કોઈનો હોય તો એ ઍક્ટર્સનો છે. મેકિંગ-કૉસ્ટ બહુ મોટી થઈ ગઈ હોવાને લીધે લોકોને એવું લાગે છે કે ઍક્ટર્સ બહુ ફી લે છે; પણ ના, એવું નથી. ઍક્ટર્સ આજે પણ ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી બેસ્ટ રીતે સર્વાઇવ થયેલી રહે એ માટે મહેનત કરે છે અને એટલે જ તેઓ પૂરેપૂરી કોશિશ કરતા રહે છે કે તેમનું વેઇટ ફિલ્મ પર ન આવે.

પર્સનલી દરેક ઍક્ટર એવું માનતો હોય છે કે ખર્ચમાં કાપ દરેક જગ્યાએ મુકાય, પણ બે જગ્યાએ કાપ ન મુકાવો જોઈએ. એક તો છે મેકિંગમાં અને બીજી જગ્યા છે પ્રમોશનમાં.

તમને એક ફિલ્મની વાત કરું. એ ફિલ્મનું શૂટિંગ શરૂ થયું ત્યારે એવું તો ઍટ્મૉસ્ફિયર હતું કે તમને હિન્દી ફિલ્મ પણ પાછળ લાગે. બધી જ ફૅસિલિટી બેસ્ટ લેવલની. અરે, ફિલ્મની રૅપ-અપ પાર્ટી હોય એ સમયે જે પ્રકારનું બુફે હોય એવું બુફે એવરી ડે. તમે કલ્પના પણ ન કરી હોય કે ગુજરાતી ફિલ્મના શૂટિંગ દરમ્યાન આ પ્રકારની ટ્રીટમેન્ટ કે પછી ફૅસિલિટી મળતી હોય. જોકે હા, એવી ટ્રીટમેન્ટ હતી અને એ પણ રોજેરોજ. તમને હસવું આવશે, પણ આજુબાજુમાં બીજી ફિલ્મો કે સિરિયલનું શૂટિંગ કરતા ઍક્ટર્સ પણ ફોન કરીને આ સેટ પર પૂછે કે આજનું મેનુ શું છે? ફિલ્મના ડિરેક્ટર અને પ્રોડ્યુસર પણ રાજી થઈ-થઈને તેમને આ સેટ પર જમવા માટે બોલાવે. આવું લગભગ દોઢ-બે મહિના ચાલ્યું અને ફિલ્મ રેડી થયા પછી વાત આવી પ્રમોશનની. હવે પ્રોડ્યુસર પાસે ફન્ડની કમી આવી અને પ્રમોશન પ્રૉપર્લી થયું નહીં. પરિણામ એ આવ્યું કે ફિલ્મ લોકો સુધી પહોંચી જ નહીં.

બધાએ બહુ મહેનત કરી હતી, સબ્જેક્ટ સારો હતો, ડિરેક્શન સરસ હતું; પણ રિઝલ્ટ એ આવ્યું કે ફિલ્મ લોકો સુધી પહોંચી જ નહીં, લોકોને ફિલ્મની ખબર પડી નહીં એટલે પરિસ્થિતિ એ આવી કે લોકો ફિલ્મ જોવા ગયા જ નહીં. બધાની મહેનત માથે પડી પણ હશે. અત્યારે આપણી વાતનો ટૉપિક જુદો છે. આપણી વાત ચાલે છે ફિલ્મના બજેટની અને મારું તમને સૌને કહેવું એ છે કે આજે પણ ગુજરાતી ફિલ્મ એ બજેટમાં બને છે જે બજેટમાં હિન્દી ફિલ્મમાં એક સારો કૅરૅક્ટર આર્ટિસ્ટ પોતાની ફી લેતો હોય છે.

બે-અઢી-ત્રણ કરોડમાં બનતી ફિલ્મ પાછળ ખર્ચાતું મોટા ભાગનું બજેટ મેકિંગ પાછળ જ ખર્ચાતું હોય છે. આજે પણ એડિટિંગ અને મિક્સિંગથી માંડીને કલર-કરેક્શન જેવી અનેક પ્રોસ્ટ-પ્રોડક્શન ઍક્ટિવિટી મુંબઈમાં જ થાય છે અને એ જે બિલ હોય છે એ બિલ હિન્દીના સ્તરને ધ્યાનમાં રાખીને જ બનતું હોય છે. ઍક્ટર્સ કે ક્રૂનું પેમેન્ટ એવું નથી હોતું કે જે ફિલ્મનું બજેટ વધારે.

આ ટૉપિક પર અચાનક જ વાત કરવાનું મનમાં શું કામ આવ્યું એની વાત પણ કરી લઈએ. હિન્દી ફિલ્મોનું બજેટ જે અનબિલીવેબલી લેવલ પર વધે છે એના પર બ્રેક લગાવવી જરૂરી છે. વધતા એ બજેટમાં મેકિંગ-કૉસ્ટ કરતાં પણ વધારે જો કંઈ હોય તો એ છે સ્ટાર્સની ફી. આજે પણ રીજનલ ફિલ્મમાં સ્ટાર્સ ફિલ્મ-ઇન્ડસ્ટ્રી જીવતી રહે એ વાત ધ્યાનમાં રાખે છે અને એ જ સાચી રીત છે. જો પગ કરતાં શરીરનું વજન વધી જાય તો પગ એ ભાર ન ઉપાડી શકે. હિન્દી ફિલ્મોનું અત્યારે ચાલીસથી પચાસ ટકા બજેટ સ્ટાર્સની ફી, તેમની ટ્રીટમેન્ટ, તેમના સ્ટાફ પાછળ ખર્ચાતું હોય છે. ઇન્ડસ્ટ્રીના સર્વાઇવલ માટે આ બહુ જોખમી કહેવાય, જેનું ધ્યાન આજે પણ ગુજરાતી ફિલ્મોના ઍક્ટર્સ રાખે જ છે.

columnists Bhavya Gandhi entertainment news