ગુજરાતી સિનેમાના 'રજનીકાંત' નરેશ કનોડિયા કોરોના સંક્રમિત

20 October, 2020 08:43 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

ગુજરાતી સિનેમાના 'રજનીકાંત' નરેશ કનોડિયા કોરોના સંક્રમિત

નરેશ કનોડિયા (તસવીર સૌજન્ય: ફેસબુક)

સામાન્ય માણસ હોય કે સેલિબ્રિટી કોરોના વાયરસ (COVID-19) કોઈને પણ તેના સંક્રમણમાંથી બાકાત રાખતો નથી. હૉલીવુડ અને બૉલીવુડ બાદ કોરોના વાયરસે ઢોલીવુડમાં પણ પ્રવેશ કર્યો છે. ગુજરાતી સિનેમાના 'રજનીકાંત' કહેવાતા અભિનેતા અને ભાજપના નેતા નરેશ કનોડિયા (Naresh Kanodia) કોરોનાની ચપેટમાં આવી ગયા છે. નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવતા તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આજે સાંજે નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. તેમને સારવાર માટે યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે, ફક્ત તેમના કોરોના સંક્રમિત હોવાની માહિતી મળી છે. તેમની તબિયત અને પરિસ્થિતિ વિશે હજી કોઈ સમાચાર નથી. 

અભિનેતા કોરોના પૉઝિટિવ હોવાના સમાચાર મળતા ફૅન્સને ઝટકો લાગ્યો છે અને તેઓ અભિનેતા જલ્દી સાજા થઈ જાય તે માટે પ્રાર્થના કરી રહ્યાં છે.

તમને જણાવી દઈએ કે, 80ના દાયકામાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નરેશ કનોડિયા નામ જાણીતું હતું. તેમને ગુજરાતી સિનેમાના 'રજનીકાંત' પણ કહેવામાં આવે છે. નરેશ કનોડિયાએ 1970માં આવેલી ફિલ્મ 'વેલીને આવ્યા ફૂલ'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. 1980 અને 1990ના દાયકામાં તેઓ ગુજરાતી સિનેમામાં રાજ કરતા હતા. અત્યારે તેઓ પરિવાર સાથે ગાંધીનગરમાં રહે છે.

આ પણ વાંચો: HBD નરેશ કનોડિયા: ગુજરાતી સિનેમાના 'રજનીકાંત'ની અટક પાછળ છે રસપ્રદ કારણ

નોંધનીય છે કે, ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 1,43,927 કેસ નોંધાયા છે અને 14,191 એક્ટિવ કેસ છે.

coronavirus covid19 entertainment news dhollywood news gujarati film ahmedabad