‘નવા પપ્પા’એ મને કઈ વાત યાદ કરાવી?

26 March, 2023 11:47 AM IST  |  Mumbai | Bhavya Gandhi

ધર્મેશ મહેતા અને મનોજ જોષીની જુગલબંધી. મારી પહેલી ફિલ્મ ‘પપ્પા, તમને નહીં સમજાય..!’માં બન્ને ધુરંધરોને મૅજિક કરતા મારી સગી આંખે જોયા છે

પ્રતિકાત્મક તસવીર (સૌજન્ય : આઈ-સ્ટૉક)

સીધી વાત, નો બકવાસ.

આ વીકમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘નવા પપ્પા’ જોઈ. મજા આવી ગઈ. પ્યૉર કૉમેડી કન્સેપ્ટ અને મનોજ જોષી સરે ધમાલ કરી નાખી. હું તો કહીશ કે મનોજ સર માટે તમારે આ ફિલ્મ જોવી જોઈએ. તેમને આ રીતે ખૂલતા અને ખીલતા મેં પહેલી વાર જોયા. અફકોર્સ હિન્દી ફિલ્મોમાં અનેક વખત જોયા હતા, પણ કદાચ, આ બીજી ફિલ્મ છે જેમાં તેઓ મન મૂકીને ખીલ્યા અને ખૂલ્યા છે. જો તમને મનમાં આવે કે પહેલી ફિલ્મ કઈ તો કહી દઉં કે પહેલી ફિલ્મ ‘પપ્પા, તમને નહીં સમજાય.’

મારી એ પહેલી ફિલ્મ અને મનોજ સરની પણ ગુજરાતી ફિલ્મોની શરૂઆત. અગાઉ તેમણે એકાદ-બે ફિલ્મો કરી હતી, પણ ‘પપ્પા, તમને નહીં સમજાય’ તેમની પહેલી લીડ રોલ સાથેની ફિલ્મ એવું કહું તો જરાય ખોટું નહીં કહેવાય. એ ફિલ્મમાં મનોજ સર અને અમારા ડિરેક્ટર ધર્મેશ મહેતાની જુગલબંધીએ જે કામ કર્યું હતું એ અનબિલિવેબલ હતું. તમને આજે પણ એ ફિલ્મમાં એટલી જ મજા આવે જેટલી મજા એ સમયે થિયેટરમાં આવે. ધર્મેશ સરની એક ખાસિયત કહું તમને.

કૉમેડીમાં ખરેખર તેઓ કિંગ છે. સીનમાં કોઈ કૉમેડી ન હોય તો પણ તેઓ એટલી સહજ રીતે કૉમેડી ઉમેરી દે કે તમે વિચાર સુધ્ધાં ન કરી શકો. નાનામાં નાની વાતમાં પણ તેઓ કૉમેડી લાવી દે અને સિરિયસમાં સિરિયસ કહેવાય એવી વાતોમાં પણ તેઓ કૉમેડી ભરી શકે. મને લાગે છે કે ધર્મેશ સરનું બહુ ઓછું કામ આપણને ગુજરાતી ફિલ્મોમાં જોવા મળ્યું છે અને આપણે આશા રાખીએ કે તેમનું વધારેમાં વધારે, મૅક્સિમમ કામ આપણને જોવા મળે અને એ પણ જલદી જોવા મળે. ધર્મેશ સર વિશે મારે ઘણી બધી વાતો કરવી છે, પણ એ આપણે એકાદ વીક પછી કરીએ. અત્યારે આપણે આપણા ‘નવા પપ્પા’ની વાત પર આવી જઈએ. 

મનોજ સરની જ એક ફિલ્મ હતી, ‘ફેરાફેરી હેરાફેરી’. એ ફિલ્મમાં મનોજ સરે જે પ્રકારે એકેક સીનમાં જમાવટ કરી હતી એવું જ ‘નવા પપ્પા’માં બન્યું છે. જૂના પપ્પા અને ફિલ્મમાં અચાનક જ આવતા નવા પપ્પા બન્ને એ સ્તરે મજા કરાવે છે કે તમે રીતસર પેટ પકડીને હસો. હસો પણ ખરા અને સાથોસાથ એવી જ ક્યુરિયોસિટી સાથે સ્ક્રીન સામે બેસી રહો કે હવે શું થાય છે અને એ કેવી રીતે બને છે?

‘નવા પપ્પા’નો કન્સેપ્ટ અને એનું રાઇટિંગ સુરેશ રાજડાએ કર્યું છે. રાજડા સર એટલે ગુજરાતી થિયેટરનું એવું મોટું નામ કે તમે ગુજરાતી રંગભૂમિની ૧૦૦ વર્ષની વાત લખવાની શરૂ કરો એટલે તમારે તેમનું નામ લખવું જ રહ્યું. અઢળક અદ્ભુત નાટકો આપનારા સુરેશ રાજડાએ અગાઉ ફિલ્મોમાં રાઇટિંગ કે ડિરેક્શન કર્યું હતું કે એ ફ્રેન્કલી કહું તો મને ખબર નથી, પણ મારું માનવું છે કે એવું ભાગ્યે જ બન્યું હશે. ‘નવા પપ્પા’ પરથી ખબર પડે છે કે રાજડા સર અને મનોજ સર જેવા દિગ્ગજો જો એકસાથે મળે તો તેઓ કેવું રિઝલ્ટ લાવીને દેખાડે અને કેવી કમાલ કરી દેખાડે.
સાવ સાચું કહું તો ‘નવા પપ્પા’ની સૌથી મોટી કમાલની વાત જો કોઈ હોય તો એ છે કે એમાં એવું કશું નથી જે તમે ઘરે લઈ જઈ શકો. હા, ખરેખર નથી અને આ વાત જેટલી સાચી છે એટલી જ એ વાત પણ સાચી છે કે ‘નવા પપ્પા’માં એ તાકાત છે કે તમે ઘરેથી જે ભાર લઈને આવ્યા હો એ ભાર બધો થિયેટરમાં હળવો થઈ જાય.

આ પણ વાંચો: જરૂર છે ફિલ્મ માર્કેટિંગની બાબતમાં અલર્ટ થવાની

મારે હમણાં લંડન જવાનું છે. અચાનક જ એ બધું પ્લાનિંગ ગોઠવાયું છે એટલે શેડ્યુલ એટલું હેક્ટિક થઈ ગયું છે કે ન પૂછો વાત. ગુજરાતમાં બહુબધાં કામ પેન્ડિંગ છે તો સાથોસાથ મુંબઈમાં પણ ઘણાં કામ એવાં છે જે પોસ્ટ પ્રોડક્શન લેવલ પર છે અને મારે એના પર ફોકસ કરવાનું છે. કામનાં એ બધાં ભારણ વચ્ચે જ મને થયું કે હું કશુંક એવું જોવા જાઉં કે જે મને ફ્રેશ કરે. મારી સામે ઑપ્શનમાં બે-ત્રણ ફિલ્મો હતી અને એમાં એક રાજકુમાર રાવની ‘ભીડ’ પણ હતી, પણ બોધપાઠ લેવાનો કે દુનિયાનો ભાર સહન કરવાનો મારો કોઈ ઇરાદો નહોતો અને અમદાવાદમાં સાવ જ એકલો હતો. બહુ વિચાર કર્યા પછી થયું કે બહેતર છે કે સાવ જ મીડિયોકર ટાઇટલ ધરાવતી ‘નવા પપ્પા’ જોવા માટે જવું. ટાઇટલ મીડિયોકર છે એટલે બની શકે કે ફિલ્મમાં કંઈક તો એવું હશે જે મજા કરાવી જાય અને સર, ખરેખર એવું જ બન્યું. મજા આવી ગઈ. એવું જ લાગ્યું જાણે હું કોઈ મસ્તમજાનું કૉમેડી નાટક જોઉં છું અને દરેક બીજી અને ત્રીજી લાઇને એ મને હસાવે છે.

વાત પૂરી કરતાં પહેલાં કહી દઉં કે આ કોઈ રિવ્યુ નથી. આ મારો ઓપિનિયન છે અને આ ઓપિનિયન પણ એટલા માટે છે કે મનોજ સર અને વંદના પાઠક એ બન્ને ઍક્ટર સાથે મેં કામ કર્યું છે અને તેમની પાસેથી હું ઘણું શીખ્યો પણ છું. ‘નવા પપ્પા’ જોઈને પણ શીખ્યો. શીખ્યો કે કઈ રીતે સામાન્યમાં સામાન્ય વાતને પણ હળવાશથી ભરીને એવી રીતે રજૂ કરવી કે જોનારાને પેટમાં દુઃખવા માંડે એવું અને એટલું હસવું આવે!

કામનાં બહુ બધાં ભારણ વચ્ચે જ થયું કે કશુંક એવું જોવા જાઉં કે જે ફ્રેશ કરે. ઑપ્શનમાં બે-ત્રણ ફિલ્મો અને એમાં રાજકુમાર રાવની ‘ભીડ’ પણ એક, પણ બોધપાઠ લેવાનો કોઈ ઇરાદો નહોતો એટલે બહુ વિચાર કર્યા પછી થયું કે બહેતર છે કે મીડિયોકર ટાઇટલ ધરાવતી ‘નવા પપ્પા’ જોવા જવું.

entertainment news dhollywood news Bhavya Gandhi gujarati film