સૌમ્ય જૌશીના શબ્દો, મેહુલ સુરતીના સંગીત સાથે આવ્યો 'અસવાર રે'

23 October, 2019 12:49 PM IST  |  મુંબઈ

સૌમ્ય જૌશીના શબ્દો, મેહુલ સુરતીના સંગીત સાથે આવ્યો 'અસવાર રે'

અસવાર ગીતની એક ઝલક

રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ હેલ્લારોનું પહેલું ગીત અસવાર રિલીઝ થઈ ગયું છે. સામાન્ય રીતે અસવારનો અર્થ થાય છે ઘોડા અથવા તો કોઈ પ્રાણી પર બેસેલો માણસ. હેલ્લારોનો આ અસવાર ગામની સ્ત્રીઓ માટે લઈને આવ્યો છે ખુશીઓની સવારી. વર્ષોથી જે ભાવનાઓ મનમાં દબાવી રાખી હતી તે બહાર આવે, વર્ષોના બંધન છૂટે ત્યારે કેવી ખુશીની લાગણી થાય તે આ ગીતમાં આબાદ રીતે ઝીલવામાં આવ્યું છે. ગીતનું ફિલ્માંકન ખૂબ જ સરસ રીતે કરવામાં આવ્યું છે. જયેશ મોરે એટલે કે ઢોલીના તાલે સવારે કૂવા પાસે મહિલાઓ ખુશીથી ગરબે ઘુમે છે અને સાંજે તેના જ તાલે ગામના પુરૂષો.

ગીત તમને મુક્તિ અને પૂર્ણતાનો અનુભવ કરાવશે. જ્યારે ગામની સ્ત્રીઓ હાથમાં બેડાં લઈને બધુ ભૂલીને ગરબા રમે છે ત્યારે તેમના ચહેરા પર જે મુક્તિનો ભાવ હોય છે તે અનન્ય છે. ગીતમાં તમને પરંપરાગત ગરબાની ઝલક પણ જોવા મળશે. કર્ણપ્રિય એવા આ ગીતને ઐશ્વર્યા મજમુદાર અને મૂરાલાલા મારવાડાએ ગાયું છે. સમીર અને અર્શ તન્નાની કોરિયોગ્રાફી છે. શબ્દો સૌમ્ય જોશીના છે અને મ્યુઝિક મેહુલ સુરતીનું.

હેલ્લારો કચ્છમાં આકાર લેતા કથા છે. જેમાં 13 અભિનેત્રીઓ કામ કરી રહી છે. આ અભિનેત્રીઓમાં શ્રદ્ધા ડાંગર, શચિ જોશી, બ્રિન્દા ત્રિવેદી નાયક, નીલમ પંચાલ, તેજલ પંચાસરા, કૌશાંબી ભટ્ટ, તર્જન ભાડલા, સ્વાતિ દવે, ડેનિશા, રિદ્ધિ યાદવ, જાગૃતિ ઠાકોર, કામિની પંચાલ, એકતાનો સમાવેશ થાય છે. સાથે જ ફિલ્મમાં જયેશ મોરે, આર્જવ ત્રિવેદી, શૈલેષ પ્રજાપતિ અને મૌલિક નાયક પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મના ડાયરેક્ટર છે અભિષેક શાહ અને ફિલ્મના સંવાદો, ગીત અને અતિરિક્ત પટકથા લેખક છે સૌમ્ય જોશી.

આ પણ જુઓઃ મળો નેશનલ અવૉર્ડ વિજેતા ફિલ્મ 'હેલ્લારો'ની ટેલેન્ટેડ અભિનેત્રીઓને...

1975ના વર્ષની આ વાત છે. સતત 3 વર્ષ સુધી વરસાદ નહોતો પડ્યો. પરંપરા એવી કે વરસાદ આવે તે માટે માતાજીને રિઝવવા માટે પુરૂષો ગરબા કરે અને મહિલાઓએ ઉપવાસ કરવાના. સ્ત્રીઓને ગરબા રમવાની છૂટ નહીં. તેમની આવી વેરાન રણ જેવી જિંદગીમાં એક ઢોલી આવે છે, ગુલાબ જેવી સુગંધ લઈને. પાણી ભરવા જાય ત્યારે એ ઢોલીના તાલે ગામની સ્ત્રીઓ ગરબે ઝૂમે છે.

gujarati film dhollywood news