વાર્તા એક એવા ગુજરાતી યુગલની જેણે કોરિયોગ્રાફી છોડી કર્યું ફિલ્મ બનાવવાનું સાહસ

21 July, 2022 09:01 PM IST  |  Mumbai | Karan Negandhi

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેના ખાસ ઇન્ટરવ્યૂમાં `સારથી`ના મેકર્સે શેર કરી તેમના જીવનની સફર

કીર્તિકા ભટ્ટ અને રફીક શેખ

આ વાત છે તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘સારથી’ (Sarathi)ના મેકર્સની જેમણે નૃત્યના ક્ષેત્રમાં નામના મેળવ્યા બાદ કંઈક કરવાની ચાહ સાથે પોતાની કારકિર્દીમાં નવો વળાંક આણ્યો. મૂળ વડોદરાના રફીક શેખ અને કીર્તિકા ભટ્ટની વ્યક્તિગત અને વ્યાવસાયિક બંને સફર સંઘર્ષ ભરી રહી. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથેના એક ખાસ ઇન્ટરવ્યૂમાં તેમણે પોતાની સફર વિશે વિગતવાર કરી. તો આવો જાણીએ તેમની લાઇફ જર્ની.

ફિલ્મના લેખક અને નિર્દેશક રફીક શેખે (Rafiq Shaikh) પોતાનો અભ્યાસ તો વાણિજ્ય શાખામાં શરૂ કર્યો, પરંતુ તે કળાનો જીવ, એટલે વાણિજ્ય છોડી કલા તરફ વળ્યા, જોકે ત્યાં પણ તેમને પોતાની કળા બતાવવાની તક ન મળી તેથી તેમણે પરફોર્મિંગ આર્ટસ પસંદ કર્યું અને ત્યાં ભરત નાટ્યમ શીખ્યા. રફીકને ડાન્સનો શોખ તો નાનપણથી જ હતો અને બારમા ધોરણથી જ તેઓ પોતાના ડાન્સ ક્લાસીસ ચલાવતા.

બીજી તરફ ફિલ્મના નિર્માતા કીર્તિકા ભટ્ટે (Kirtika Bhatt) અભ્યાસ વિજ્ઞાન શાખામાં કર્યો, પરંતુ નાનપણથી તેમને પણ ડાન્સનો ખૂબ જ શોખ હતો પણ યોગ્ય સ્ત્રોત મળ્યો નહીં. કૉલેજમાં ફ્રેશર્સ પાર્ટીની તૈયારી દરમિયાન તેમની અને રફીકની મુલાકાત થઈ અને ત્યારથી તેમણે સાથે ડાન્સ શીખવાનું શરૂ કર્યું. તેમણે B.Sc પૂર્ણ કર્યા બાદ કથ્થકમાં સ્નાતકની અને અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ કર્યો.

અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રફીક અને કીર્તિકાએ પોતાની કારકિર્દીની શરૂઆત પણ સાથે જ કરી. તેમણે સાથે નાટકો, ગુજરાતી અને વિવિધ પ્રાદેશિક ભાષાની ફિલ્મોમાં કોરિયોગ્રાફર, ડાન્સર એમ જુદી-જુદી જવાબદારીઓ નિભાવી. વર્ષ ૨૦૧૧માં તેમને મલેશિયા સરકાર તરફથી ફૉક ડાન્સ ફેસ્ટિવલમાં સહભાગી થવાનું પણ નિમંત્રણ મળ્યું. ત્યાર બાદ રફીક ડિરેક્શન તરફ વળ્યા અને તેનો અભ્યાસ પણ કર્યો. કારકિર્દીની આ સફરમાં તેમણે જીવનની સફર પણ સાથે માણવાનો નિર્ણય કર્યો.

આ રહ્યો ટર્નિંગ પોઈન્ટ

વર્ષો સુધી આ ઇન્ડસ્ટ્રીમાં કામ કર્યા બાદ સારું કોન્ટેન્ટ બનાવવાની અને સ્વબળે કંઈક કરી છૂટવાની ભાવના સાથે તેમણે ફિલ્મ લખવાની શરૂઆત કરી, પરંતુ ત્યાં તેમનો પહેલો પ્રોજેક્ટ કાસ્ટિંગ સ્ટેજ પર બંધ થઈ ગયો અને ત્યાર બાદ શરૂઆત થઈ તેમની પહેલી ફિલ્મ ‘સારથી’ની. લાંબા સમય સુધી અન્ડર ધ બોક્સ રહ્યા બાદ આખરે વર્ષ ૨૦૧૯માં ‘સારથી’ ફિલ્મની સ્ક્રિપ્ટ કૅમેરા સુધી પહોંચી. જોકે ત્યાં પણ કોરોના મહામારીને કારણે સંઘર્ષ બમણો થઈ ગયો અને ૧૫ જુલાઈ ૨૦૨૨ના રોજ આ ફિલ્મ રિલીઝ થઈ.

ફિલ્મ બનાવવામાં આવ્યા આ પડકારો

ફિલ્મ બનાવવામાં આવેલા પડકારો વિશે વાત કરતાં રફીક શેખ જણાવે છે કે “સ્વબળે ફિલ્મ બનાવવાની આ સફર અમારા માટે ખૂબ જ નવી હતી માટે પડકારો પણ ઘણા હતા. પહેલું પાસું પૈસાનું તો ખરું જ પણ સાથેસાથે બાળકોની ભાષા પર કામ કરવું પણ એક મોટો પડકાર હતો. બાળકો સાથે ઘણા બધા વર્કશોપ કર્યા બાદ અમે શૂટિંગ સ્ટેજ પર પહોંચ્યા. ઉપરાંત અમે ફિલ્મમાં જે થીમ ઊભી કરવા માગતા હતા તેના માટે અમે ક્યાંય પ્રાથમિક રંગોનો ઉપયોગ કર્યો નથી. તે પણ એક પડકાર કહી શકાય.”

તેમણે ઉમેર્યું કે “ફિલ્મનો થોડો ભાગ હિમાચલમાં શૂટ થયો છે, ત્યાં આખી ક્રૂ સાથે જવું અને કડકડટી ઠંડીમાં શૂટિંગ કરવાનો અનુભવ બધા જ માટે નવો અને પડકારજનક હતો, પરંતુ આ સમગ્ર પ્રક્રિયામાં ખૂબ મજા પણ આવી.”

આ ફિલ્મ મેકિંગની પ્રોસેસમાં તમે શું શીખ્યા? જ્યારે આ સવાલ અમે તેમને કર્યો ત્યારે કીર્તિકા ભટ્ટે કહ્યું કે “આ આખી જ પ્રોસેસમાં અમે ઘણું બધુ શીખ્યા છીએ, આત્મવિશ્વાસ પણ ખૂબ વધ્યો છે, પરંતુ જો કોઈ એક વાત કહેવાની હોય તો હું કહીશ કે અમે સ્વબળે પડકારો સાથે પણ કામ કરતાં શીખ્યા.” તો રફીકે કહ્યું કે “મારી વાત કરું તો મારા માટે મોટું લર્નિંગ એ સમજવું રહ્યું કે ફિલ્મ મેકિંગમાં ક્રિએટિવિટી સાથે કૉમર્શિયલ પાસું પણ વિચારવું પડે છે અને તેનું બેલેન્સ જાળવવું ખૂબ જરૂરી છે.”

આગળ તમે શું કરવા માગો છો? આ પ્રશ્નનો જવાબ આપતા રફીક જણાવે છે કે “એક નાના વિરામ બાદ ફરીથી સારા કોન્ટેન્ટ સાથેના પ્રોજેક્ટ પર કામ કરીશું અને દર્શકોનું મનોરંજન કરતાં રહીશું.”

entertainment news bollywood news