'પાડાની પોળ':હિટ છે સૌમ્ય જોશીનું લેટેસ્ટ નાટક, જાણો શું છે ખાસ ?

01 May, 2019 07:37 PM IST  |  અમદાવાદ

'પાડાની પોળ':હિટ છે સૌમ્ય જોશીનું લેટેસ્ટ નાટક, જાણો શું છે ખાસ ?

યુનાઈટેડ સ્ટે્ટસ ઓફ પાડાની પોળનું પોસ્ટર

વેલકમ જિંદગી અને 102 નોટ આઉટ જેવા શાનદાર નાટકો આપનાર સૌમ્ય જોશીના લેટેસ્ટ નાટક 'યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ પાડાની પોળ'ને પણ દર્શકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. માત્ર 130 દિવસમાં આ નાટકના 114થી વધુ શોઝ થઈ ચૂક્યા છે. એ પણ એક પણ પ્રિન્ટ એડ વગર. એટલે કે દિગ્દર્શક સૌમ્ય જોશીનું આ નવું નાટક પણ હિટ છે.

'પાડાની પોળ' વિશે વાત કરતા સૌમ્ય જોશી કહે છે કે આ સક્સેસ ગુજરાતી દર્શકોની છે. 'પાડાની પોળ' સાથે મેં નવો એક્સપેરિમેન્ટ કર્યો હતો કે નાની જગ્યાઓ એટલે કે નાના થિયેટર્સમાં નાટક ચલાવવાનો. એટલા માટે જ 1 કલાક 5 મિનિટનું આ નાટક મેં લખ્યું હતું. અને દર્શકોએ તેને સ્વીકાર્યું છે. છાપામાં પ્રમોશન વગર પણ નાટકના શૉ હાઉસફૂલ જઈ રહ્યા છે. નાટક એટલું સફળ છે કે રાત્રે 12 વાગે, બપોરના 12 વાગે જેવા ઓડ ટાઈમિંગ્સે પણ અમારા શૉઝ હાઉસફૂલ જઈ રહ્યા છે.

નાના થિયેટર્સમાં કેમ એ સવાલના જવાબમાં સૌમ્ય જોશી કહે છે કે મારો ઈરાદો જ નાની સ્પેસમાં નાટક ઓપન કરવાનો હતો. વળી આ નાટકમાં ઓડિયન્સ સાથેનો સંવાદ છે, સ્ટોરી ટેલિંગ છે. એટલે નાના થિયેટર્સમાં નાટક ચાલી રહ્યું છે. મુંબઈમાં પણ અમે નાના ઓડિટોરિયમ્સમાં જ આ નાટકના શો કરવાના છીએ.

આ નાટકમાં અમદાવાદના પોળની સંસ્કૃતિની વાત છે. પોળની અંદર વસતા લોકોનું પોતાનું વિશ્વ હોય છે. તેમની યુનિક સ્ટાઈલ હોય છે. પાડાની પોળ પણ આવી જ એક પોળની વાત છે. જેમાં બધા ભેગા થઈને એક સપનું પુરુ કરવા માટે કામ કરે છે. પોળના બધા જ લોકો કેવી રીતે ભેગા થાય છે અને પછી કેવી રીતે એન્જોય કરે છે તે વાત એટલે પાડાની પોળ.

નાટકમાં જિજ્ઞા વ્યાસ અને પ્રેમ ગઢવી લીડ રોલમાં છે. સાથે જ 17 જણાનું કોરસ છે. નાટકને સૌમ્ય જોષીએ જ લખ્યું અને ડિરેક્ટ કર્યું છે. પાડાની પોળમાં 5 ગીતો પણ છે, જેને પણ સૌમ્ય જોષીએ જ લખ્યા છે અને કમ્પોઝ પણ કર્યા છે. આ ગીતના લીડ સિંગર્સ મોસમ મલ્કા છે.

આ પણ વાંચોઃ 'કામ ચાલું છે'નું કામ થયું પુરું, કેદાર-ભાર્ગવનું નવું સોંગ થયું રિલીઝ

ઉલ્લેખનીય છે કે પાડાની પોળ સૌમ્ય જોશીનું પહેલું એવું નાટક છે જે મુંબઈના બદલે અમદાવાદમાં ઓપન થયું છે. હવે જૂન મહિનામાં આ નાટક મુંબઈમાં ભજવાશે એ પહેલા વડોદરા અને પછી સુરતમાં પણ મે મહિનામાં આ નાટકના શૉઝ થવા જઈ રહ્યા છે.

gujarat ahmedabad news entertaintment