Zwigato Trailer: કપિલ શર્માની નવી ફિલ્મનું ટ્રેલર રિલીઝ, જુઓ કૉમેડી કિંગનો નવો અવતાર

19 September, 2022 06:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઝ્વીગાટો ફિલ્મમાં કપિલ શર્મા બે બાળકોના પિતાની ભૂમિકા ભજવી રહ્યો છે

ફાઇલ તસવીર

બેસ્ટ કૉમેડિયન કપિલ શર્મા હવે ફિલ્મી પડદે ગંભીર ભૂમિકામાં જોવા મળવાનો છે. તેની ફિલ્મ ઝ્વીગાટો (Zwigato Trailer)નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. કપિલ શર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું છે. ઝ્વીગાટો ફિલ્મમાં કપિલ શર્મા એક ડિલિવરી બોયના રોલમાં જોવા મળશે જે પોતાના કામ અને પરિવાર પ્રત્યે સંપૂર્ણ રીતે જવાબદાર લાગે છે.

ઝ્વીગાટો ફિલ્મમાં કપિલ શર્મા બે બાળકોના પિતાની ભૂમિકા ભજવી રહ્યો છે. ઝ્વીગાટોમાં તે ડિલિવરી બોયની ભૂમિકામાં પણ જોવા મળશે. ફિલ્મમાં કપિલ શર્માનું પાત્ર ખૂબ જ ગંભીર હશે. કૉમેડી કિંગની આવી સ્ટાઈલ તમે પહેલા નહિ જોઈ હોય. આ ફિલ્મનું નિર્દેશન નંદિતા દાસ દ્વારા કરવામાં આવ્યું છે.

આ ફિલ્મ એક સામાન્ય માણસની વાર્તા પર આધારિત છે જે પોતાના પરિવારની જરૂરિયાતો પૂરી કરવા માટે દિવસભર મજૂરોની જેમ કામ કરે છે. પોતાના કામમાં 100 ટકા આપવા છતાં તે માત્ર નિરાશા જ અનુભવે છે. ઘરનો ખર્ચ પૂરો ન થવાને કારણે બાળકો પિતાના કામથી સંતુષ્ટ નથી. પત્ની તેના પતિને મદદ કરવા ઘરની બહાર કામ કરવાનું શરૂ કરે છે અને પછી વાર્તામાં જબરદસ્ત ટ્વિસ્ટ શરૂ થાય છે. શહાના ગોસ્વામી આ ફિલ્મમાં કપિલ શર્માની પત્નીનો રોલ કરી રહી છે.

કપિલ શર્માનું ગંભીર પાત્ર ફિલ્મી પડદે જોવા મળશે

કપિલ શર્મા આ પહેલાં પણ ફિલ્મી પડદે જોવા મળી ચૂક્યો છે. `ABCD 2`, `કિસ કિસ કો પ્યાર કરું`, `ફિરંગી` અને `ઇટ્સ માય લાઇફ` કૉમેડી કિંગની કેટલીક ફિલ્મો રહી છે, જેમાં તેના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. જોકે આ ફિલ્મ મોટા પડદા પર સારું પ્રદર્શન કરી શકી ન હતી. જોવાનું એ રહેશે કે ઝ્વીગાટોમાં કપિલ શર્માની ગંભીર ભૂમિકા તેના ચાહકોને કેટલી પસંદ આવે છે.
આ દિવસોમાં કોમેડિયન તેના શો `ધ કપિલ શર્મા શો`માં જોવા મળે છે. ઝ્વીગાટો ઉપરાંત ચાહકો તેની ફિલ્મ `મેગા બ્લોકબસ્ટર`ની પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દીપિકા પાદુકોણ, રશ્મિકા મંદન્ના જેવા દિગ્ગજ કલાકારો પણ આ ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મમાંથી દરેકનો લુક સામે આવ્યો છે.

આ પણ વાંચો: પ્રિયંકા ચોપડાએ આ રીતે ખાસ બનાવ્યો પતિ નિકનો જન્મદિવસ, જુઓ વીડિયો

entertainment news television news kapil sharma