26 March, 2026 11:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યામી ગૌતમે અને આદિત્ય ધરની ફાઇલ તસવીર
આદિત્ય ધરે બૉલીવુડમાં પોતાની શરૂઆત ‘ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક’ સાથે કરી હતી. આ ફિલ્મમાં યામી ગૌતમે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ જ ફિલ્મથી યામી ગૌતમ અને આદિત્ય ધરની લવસ્ટોરીની શરૂઆત થઈ હતી. કેટલાક મહિનાઓ સુધી પોતાના સંબંધને ખાનગી રાખ્યા બાદ યામી અને આદિત્યએ ૨૦૨૧માં લગ્ન કરીને ચાહકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા અને ૨૦૨૪માં તેઓ દીકરા વેદાવિદના પેરન્ટ્સ બન્યાં હતાં.
હાલમાં એક ઇન્ટરવ્યુ દરમ્યાન યામી ગૌતમે તેની અને આદિત્ય ધરના પ્રેમપ્રકરણની વિગતો શૅર કરી છે. યામીએ વાતચીતમાં કહ્યું હતું કે ‘ફિલ્મના શૂટિંગ વખતે તો અમારી વચ્ચે ખાસ કેમિસ્ટ્રી નહોતી, પણ પ્રમોશન દરમ્યાન જ મારી અને આદિત્ય વચ્ચે વાતચીત શરૂ થઈ અને અમે મિત્રો બની ગયાં. અમારી વચ્ચે ક્યારેય કોઈ ફિલ્મી પ્રપોઝલ જેવી ઘટના થઈ નહોતી. અમે માત્ર એટલું જાણતાં હતાં કે અમે એકબીજા સાથે લગ્ન કરવા માગીએ છીએ. અમારા પરિવારો પણ આ નિર્ણયથી ખુશ હતા.’
યામીએ ઇન્ટરવ્યુમાં પતિ આદિત્યની કેટલીક ખાસિયતો વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું હતું કે ‘આદિત્ય ખૂબ શાંત સ્વભાવના છે અને મેં ક્યારેય તેમને ગુસ્સામાં જોયા નથી. અમારી વચ્ચે વ્યાવસાયિક અને વ્યક્તિગત જીવન વચ્ચે સંતુલન જાળવવાની સારી સમજ પણ છે. ‘ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક’ના શૂટિંગ દરમ્યાન આદિત્યના શાંત અને એકાગ્ર સ્વભાવને જોઈને તેના પ્રત્યે મારા સન્માનમાં વધારો થયો હતો.’