07 June, 2025 07:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણદીપ હૂડા અને તેની પત્ની લિન લૈશરામે ભેગાં મળીને મધ્ય પ્રદેશના કાન્હા નૅશનલ પાર્ક નજીક ૫૦૦થી વધુ વૃક્ષો વાવ્યાં હતાં.
પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી થાય છે એ નિમિત્તે રણદીપ હૂડા અને તેની પત્ની લિન લૈશરામે ભેગાં મળીને મધ્ય પ્રદેશના કાન્હા નૅશનલ પાર્ક નજીક ૫૦૦થી વધુ વૃક્ષો વાવ્યાં હતાં. આ કામમાં ગામના લોકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાન્હા નૅશનલ પાર્ક દેશના સૌથી પ્રખ્યાત જંગલોમાંનો એક છે.
રણદીપ હૂડાની પત્ની લિન લૈશરામ પણ અભિનેત્રી અને બિઝનેસવુમન છે અને તેણે આ વૃક્ષ વાવેતર અભિયાનમાં સંપૂર્ણ સાથ આપ્યો હતો. તેણે કહ્યું કે મને આનંદ છે કે આ ઇકોસિસ્ટમની રક્ષા માટે કંઈક કરવાનો મોકો મળ્યો.
રણદીપ પોતે એક વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર પણ છે અને તેને જંગલો અને પ્રાણીઓ સાથે ગાઢ લગાવ છે. રણદીપ અને લિનનો આ પ્રયાસ માત્ર વૃક્ષવાવેતર સુધી સીમિત નહોતો, તેમણે લોકોને પર્યાવરણ સંરક્ષણ માટે જાગ્રત પણ કર્યા હતા. તેમનું આ પગલું ઘણા લોકોને સુરક્ષિત ભવિષ્ય તરફ વિચારવા માટે પ્રેરણા આપી રહ્યું છે.