‘તૂફાન’માં કામ કરવું સપના સમું હતું : મૃણાલ

13 April, 2021 11:30 AM IST  |  Mumbai | Harsh Desai

ઍક્ટર નહોતી ત્યારે ‘ભાગ મિલ્ખા ભાગ’ જોઈને રાકેશ ઓમપ્રકાશ મેહરાને લેટર લખનાર મૃણાલનું કહેવું છે કે આ સમયે લોકોને મોટિવેટ કરવા માટે આ ફિલ્મની ખૂબ જ જરૂર છે

મૃણાલ ઠાકુર

મૃણાલ ઠાકુરનું કહેવું છે કે તેણે ‘ભાગ મિલ્ખા ભાગ’ જોઈને રાકેશ ઓમપ્રકાશ મેહરાને લેટર લખ્યો હતો. આ લેટર તેણે ત્યારે લખ્યો હતો જ્યારે તે હિરોઇન બનવાનું વિચારી પણ નહોતી રહી. તે હાલમાં રાકેશ ઓમપ્રકાશ મેહરાની ‘તૂફાન’ની રિલીઝને લઈને ખૂબ જ ઉત્સાહી છે. આ ફિલ્મ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર ૨૧ મેએ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તે જે ડિરેક્ટર અને ઍક્ટરથી પ્રેરિત થઈ હતી તેમની સાથે પહેલી વાર કામ કરી રહી છે. આ વિશે વાત કરતાં મૃણાલે કહ્યું હતું કે ‘મારા માટે આ મેં પોતે જ નક્કી કરેલું હોય એવું છે. હું ‘ભાગ મિલ્ખા ભાગ’ થિયેટરમાં એકલી જોવા ગઈ હતી. આ ફિલ્મ જોયા બાદ મેં ખૂબ જ લાંબી નોટ રાકેશ સર માટે લખી હતી અને એવી આશા રાખી હતી કે એના પર તેમની નજર જશે. એ સમયે મને એ પણ નહોતી ખબર કે હું ઍક્ટર બનીશ. એક્સેલ એન્ટરટેઇનમેન્ટ સાથે કામ કરવું એક સપના સમું છે, ખાસ કરીને ત્યારે જ્યારે તમને ફરહાન અને રાકેશ સર સાથે કામ કરવા મળે. અમને સેટ પર હંમેશાં ખૂબ જ પૅમ્પર કરવામાં આવતા હતા.’
‘તૂફાન’ ઑનલાઇન રિલીઝ થઈ રહી હોવાથી મૃણાલ ઠાકુરે કહ્યું હતું કે ‘અમારી ‘તૂફાન’ને એકસાથે ૨૪૦ દેશોમાં રિલીઝ કરવામાં આવી રહી છે એ અમારા માટે એક આશીર્વાદરૂપ છે, કારણ કે આ ફિલ્મને રિલીઝ કરવા માટે કોઈ પણ મર્યાદા નથી લાગી રહી. ‘તૂફાન’ એક પ્રેરણાત્મક ફિલ્મ છે અને આ સમયે લોકોને મોટિવેટ કરવા માટે આવી ફિલ્મની ખૂબ જ જરૂર છે.’

bollywood news bollywood entertainment news