‘સૂર્યવંશી’ સફળ રહેતાં દરેક ફિલ્મ થિયેટર્સમાં રિલીઝ થઈ શકે છે : શાહિદ કપૂર

25 November, 2021 04:08 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

શાહિદ કપૂરે ‘સૂર્યવંશી’ને મળી રહેલી સફળતા પર શુભેચ્છા આપતાં એ વાતની ખુશી વ્યક્ત કરી છે કે ફિલ્મો હવે થિયેટર્સમાં રિલીઝ થઈ રહી છે.

શાહિદ કપૂર

શાહિદ કપૂરે ‘સૂર્યવંશી’ને મળી રહેલી સફળતા પર શુભેચ્છા આપતાં એ વાતની ખુશી વ્યક્ત કરી છે કે ફિલ્મો હવે થિયેટર્સમાં રિલીઝ થઈ રહી છે. અક્ષયકુમાર અને કૅટરિના કૈફની ‘સૂર્યવંશી’ પાંચ નવેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર સારોએવો બિઝનેસ કરી રહી છે. થિયેટર્સનો બિઝનેસ ફરીથી શરૂ થવા વિશે શાહિદ કપૂરે કહ્યું હતું કે ‘આપણી બધાની ઇચ્છા એવી હોય છે કે ફિલ્મો સારો બિઝનેસ કરે અને થિયેટર્સનો બિઝનેસ ફરીથી શરૂ થઈ જાય. ફિલ્મો થિયેટર્સમાં રિલીઝ થઈ રહી છે એ વાતની ખુશી છે અને ‘સૂર્યવંશી’ થિયેટર્સમાં રિલીઝ કરવા માટે તેઓ પહેલાં આગળ આવ્યા. એ કોઈ સરળ બાબત નથી.’

કોરોનાને કારણે લૉકડાઉન થતાં તમામ વેપાર બંધ થઈ ગયા હતા. લોકોની નોકરી અને જીવનનિર્વાહનો પ્રશ્ન ઊભો થયો હતો. હવે ધીમે-ધીમે સ્થિતિ થાળે પડતી દેખાય છે. જોકે લૉકડાઉનનો એ સમયગાળો ખૂબ અઘરો હતો. એ વિશે શાહિદે કહ્યું હતું કે ‘દુકાનો બે વર્ષથી બંધ હતી. એ સમયને યાદ કરતાં જ ડર લાગે છે. ફિલ્મ માનવતાની જીત દેખાડે છે. જે આજના સમય સાથે બંધ બેસે છે. થિયેટર્સમાં પાછા ફરવું અને સિનેમાને સેલિબ્રેટ કરવું સારું લાગી રહ્યું છે. મને નથી લાગતું કે આપણે સિનેમાના એ ચાર્મ અને પ્રેમ ગુમાવી બેસીશું. કન્ટેન્ટ અનેક ઠેકાણે પહોંચે છે. જોકે ​સિનેમા હૉલ્સ પ્રતિનું આકર્ષણ કદી પણ ઓછું નહીં થાય.’
શાહિદ કપૂરની ‘જર્સી’ આ વર્ષે ૩૧ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તેની સાથે તેના ડૅડી પંકજ કપૂર અને મૃણાલ ઠાકુર પણ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ તેલુગુ ફિલ્મ ‘જર્સી’ની જ હિન્દી રીમેક છે. એને હિન્દીમાં પણ આ જ નામે બનાવવામાં આવી છે.

 મારા માટે સફળતા જ એકમાત્ર ઉદ્દેશ નથી, પરંતુ જર્ની અગત્યની છે અને આ ફિલ્મ એના વિશે જ છે. મારે એક ઍક્ટર તરીકે એનો અનુભવ લેવો હતો. શાહિદ કપૂર અને પંકજ કપૂર જેવા અદ્ભુત કલાકારો સાથે સ્ક્રીન શૅર કરવાની પણ મારી ઇચ્છા હતી
મૃણાલ ઠાકુર

વેક અપ ઍન પોઝ
શાહિદ કપૂરે પોતાના ફોટો શૅર કર્યા છે જેમાં તે ખૂબ જ આકર્ષક દેખાઈ રહ્યો છે. તેની ‘જર્સી’નું ટ્રેલર હાલમાં જ રિલીઝ થયું છે. ઇન્સ્ટાગ્રામ પર શૅર કરેલા ફોટોમાં તેણે લેમન જૅકેટની સાથે ગ્રીન શર્ટ અને ડાર્ક ટ્રાઉઝર પહેર્યાં છે. ફોટોમાં તેના ચહેરા પર શૅડો દેખાઈ રહ્યો છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શાહિદ કપૂરે કૅપ્શન આપી હતી કે વેક અપ ઍન પોઝ.

ફિલ્મમેકર્સ પાસે કેમ ભીખ માગવી પડી હતી શાહિદને?
શાહિદ કપૂરે જણાવ્યું છે કે તેની ‘કબીર સિંહ’ રિલીઝ થયા બાદ તે ફિલ્મ માટે અનેક ફિલ્મમેકર્સ પાસે ગયો હતો. ૨૦૧૯માં રિલીઝ થયેલી ‘કબીર સિંહ’એ ૨૫૦ કરોડનું કલેક્શન કર્યું હતું. આ ફિલ્મ તેના જીવનનો ટર્નિંગ પૉઇન્ટ છે એવું તેનું માનવું છે. ‘જર્સી’ના ટ્રેલર લૉન્ચ દરમ્યાન શાહિદ કપૂરે કહ્યું હતું કે ‘મારી ‘કબીર સિંહ’ રિલીઝ થયા બાદ હું દરેક પાસે એક ભિખારીની જેમ જતો હતો. હું એ તમામ ફિલ્મમેકર્સ પાસે જતો હતો જેમણે ૨૦૦-૨૫૦ કરોડનો બિઝનેસ કર્યો છે. હું કદી પણ એ ક્લબમાં સામેલ નથી થયો. એથી મારા માટે એ નવું હતું. મેં ઇન્ડસ્ટ્રીમાં ૧૫-૧૬ વર્ષ પસાર કર્યાં છે. મારી ફિલ્મે કદી પણ આટલો બિઝનેસ નહોતો કર્યો. એથી વાસ્તવમાં મારી ફિલ્મ અહીં સુધી પહોંચી તો મને ખબર નથી કે ક્યાં જવું. આ બધું મારા માટે નવું હતું.’

bollywood news entertainment news shahid kapoor