19 February, 2026 11:34 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રભાસ
સાઉથના સુપરસ્ટાર પ્રભાસ માટે ૨૦૨૬ની શરૂઆત ખાસ સારી રહી નથી. તેની ફિલ્મ ‘ધ રાજાસાબ’ને ખાસ સફળતા નથી મળી. હવે પ્રભાસની આવનારી ફિલ્મોમાં ‘સાલાર 2’, ‘કલ્કી 2’, ‘સ્પિરિટ’ અને ‘ફૌજી’ જેવી મોટી ફિલ્મો સામેલ છે. આ તમામ ફિલ્મોના અલગ-અલગ તબક્કાનું કામ એકસાથે ચાલી રહ્યું છે અને બધી ફિલ્મોની રિલીઝ વચ્ચે એક ચોક્કસ સમયગાળો હોય એ ઇચ્છનીય છે.
આ સંજોગોમાં રિપોર્ટ છે કે પ્રભાસની ‘ફૌજી’નું કામ સૌથી પહેલાં પૂરું થશે. હાલમાં ફિલ્મનું શૂટિંગ જોરશોરથી ચાલી રહ્યું છે અને પોસ્ટ-પ્રોડક્શનનું કામ પણ આગળ વધી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે ફિલ્મનું કામ જુલાઈ અથવા ઑગસ્ટ સુધી આટોપાઈ જશે જેને કારણે નિર્માતાઓ દિવાળી પર ફિલ્મ રિલીઝ કરવાનો વિચાર કરી રહ્યા છે. પ્રભાસની અન્ય ફિલ્મ ‘સ્પિરિટ’ ૨૦૨૭ના માર્ચમાં રિલીઝ થવાની હોવાથી ‘ફૌજી’ દિવાળી વખતે જ રિલીઝ થયા એવી પૂરેપૂરી શક્યતા છે. જો આવું થશે તો પ્રભાસની ‘ફૌજી’ની ટક્કર રણબીર કપૂરની બહુચર્ચિત ‘રામાયણ’ સાથે થશે, કારણ કે આ ફિલ્મ પણ દિવાળીના સમયગાળા વખતે જ રિલીઝ કરવાનું પ્લાનિંગ છે.
મળતી માહિતી પ્રમાણે ‘ફૌજી’ એક પિરિયોડિક એન્ટરટેઇનર છે, જે સ્વતંત્રતા પહેલાંના સમયની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. ફિલ્મમાં યુદ્ધ સાથે એક ઇમોશનલ સ્ટોરી પણ છે. ચર્ચા છે કે પ્રભાસ ફિલ્મમાં ડબલ રોલમાં જોવા મળી શકે છે.