શ્રદ્ધા કપૂરના પરિવારના તમામ સભ્યો રહે છે અલગ-અલગ ઘરમાં

23 June, 2026 11:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૨૦ સુધી કપૂર પરિવારના ચારેય સભ્યો જુહુમાં દરિયાકિનારા સામે આવેલા એક જ ફ્લૅટમાં રહેતાં હતાં પણ કોરોના મહામારી બાદ ઘણી બાબતો બદલાઈ ગઈ

શ્રદ્ધાના પરિવારમાં મમ્મી શિવાંગી કપૂર, પપ્પા શક્તિ કપૂર અને ભાઈ સિદ્ધાંત કપૂર એમ કુલ ચાર સભ્યો છે

શ્રદ્ધા કપૂર હાલમાં પોતાની આગામી બાયોપિક ‘ઈઠા’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ મરાઠી લોકકલાકાર વિઠાબાઈ ભાઉમાંગ નારાયણગાવકરના જીવન પર આધારિત છે. ફિલ્મ હાલમાં નિર્માણના અંતિમ તબક્કામાં છે અને ઑગસ્ટમાં રિલીઝ થવાની છે. શ્રદ્ધાની કરીઅર સારી રીતે આગળ વધી રહી છે ત્યારે હાલમાં તેની પર્સનલ લાઇફ ચર્ચામાં છે. શ્રદ્ધાના પરિવારમાં મમ્મી શિવાંગી કપૂર, પપ્પા શક્તિ કપૂર અને ભાઈ સિદ્ધાંત કપૂર એમ કુલ ચાર સભ્યો છે પણ ખાસ વાત તો એ છે કે હાલમાં ચારેય અલગ-અલગ રહે છે એવી વાત બહાર આવી છે. મળતી માહિતી પ્રમાણે હાલ શ્રદ્ધા જુહુમાં હૃતિક રોશનના ભાડે લીધેલા ફ્લૅટમાં રહે છે. શ્રદ્ધા મોટા ભાગે એકલી રહે છે પણ તેના પપ્પા શક્તિ, મમ્મી શિવાંગી અને બૉયફ્રેન્ડ રાહુલ મોદી સમયાંતરે તેની મુલાકાત લેતાં રહે છે.

૨૦૨૦ સુધી કપૂર પરિવારના ચારેય સભ્યો જુહુમાં દરિયાકિનારા સામે આવેલા એક જ ફ્લૅટમાં રહેતાં હતાં પણ કોરોના મહામારી બાદ ઘણી બાબતો બદલાઈ ગઈ. હાલમાં શક્તિ કપૂર સબર્બન ફ્લૅટમાં અલગ રહે છે. શિવાંગી કપૂરે ગોવામાં એક ફ્લૅટમાં રોકાણ કર્યું છે. કોરોના પછી શિવાંગી પોતાનો મોટા ભાગનો સમય ગોવાના વિશાળ ઘરમાં વિતાવે છે. શ્રદ્ધાના મોટા ભાઈ સિદ્ધાંત કપૂરનું પણ ગોવામાં રૉ-હાઉસ છે. સિદ્ધાંત મોટા ભાગનો સમય ગોવામાં રહીને રમતગમત પ્રત્યેના પોતાના રસને સમય આપે છે. આમ કપૂર પરિવારના ચારેય સભ્યોનાં પોતપોતાનાં ઘર છે અને તેઓ અલગ લાઇફસ્ટાઇલ જીવી રહ્યાં છે.

ગયા વર્ષે જાન્યુઆરીમાં શ્રદ્ધા અને શક્તિ કપૂરે મહાલક્ષ્મી રેસકોર્સ સામે એક ફ્લૅટ સંયુક્ત રીતે ખરીદ્યો હતો અને હાલ આ ઘરના ઇન્ટીરિયરનું કામ શિવાંગીની દેખરેખ હેઠળ ચાલી રહ્યું છે. એક વાર આ ઘર સંપૂર્ણ તૈયાર થઈ જશે એ પછી મહાલક્ષ્મી સ્થિત આ ઘરના એક ભાગને તેનાં મમ્મી-પપ્પા માટે હંમેશાં અનામત રાખવામાં આવશે. જોકે સિદ્ધાંતને પોતાની સ્વતંત્રતા અને ગોવામાં દરિયાકિનારા પાસેનું ઘર ખૂબ ગમે છે તેથી તે ત્યાં જ રહેવાનું ચાલુ રાખશે.

shraddha kapoor shakti kapoor juhu real estate entertainment news bollywood bollywood news bollywood gossips bollywood buzz