શા માટે ગુરુ દત્તે પોતાના ડ્રીમ હાઉસ જેવો પાલી હિલનો આલીશાન બંગલો તોડાવી નાખ્યો?

10 August, 2025 02:55 PM IST  |  Mumbai | Rajani Mehta

એ જ પ્રવાસમાં સામેલ પ્રોડ્યુસર ડિરેક્ટર બી. આર. ચોપડા કહે છે, ‘બર્લિનથી મુંબઈની ફ્લાઇટમાં ગુરુ દત્ત એકલા છેલ્લી સીટ પર બેઠા હતા.

ગીતા, ગુરુ દત્ત

૨૦૨૫નું વર્ષ ગુરુ દત્તની જન્મ શતાબ્દીનું વર્ષ છે. આ વર્ષ દરમ્યાન ગુરુ દત્તની ફિલ્મોના  સ્ક્રીનિંગ ઉપરાંત  ફિલ્મમેકર તરીકેની તેમની સિદ્ધિઓ વિષે દેશ વિદેશમાં અનેક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. ‘પ્યાસા’, ‘કાગઝ કે ફૂલ’ અને ‘સાહિબ બીબી ઔર ગુલામ’ જેવી ક્લાસિક ફિલ્મો આપનાર ગુરુ દત્તને વ્યવસાયિક રીતે બેસુમાર સફળતા મળી. કીર્તિ અને કલદાર મળ્યાં પરંતુ ગીતા દત્ત સાથેનું તેમનું વૈવાહિક જીવન અત્યંત પીડાદાયક રહ્યું એ જગજાહેર છે. કદાચ એનું મુખ્ય કારણ એ હતું કે ગુરુ દત્ત પોતાને શું જોઈએ છે એ બાબતે નિશ્ચિત નહોતા.

‘સાહિબ બીબી ઔર ગુલામ’ શૂટિંગના અંતિમ તબક્કા દરમ્યાન તેમનો અને વહીદા રહેમાનનો સંબંધ-વિચ્છેદ થઈ ગયો હતો. ૧૩મા બર્લિન ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ માટે ફિલ્મની ઑફિશ્યલ એન્ટ્રી થઈ હોવાના કારણે ફિલ્મ ઉદ્યોગની બીજી હસ્તીઓ સાથે ગુરુ દત્ત, વહીદા રહેમાન, અબ્રાર અલવી ૧૯૬૩ની ૨૬ જૂનના દિવસે બર્લિન જવા રવાના થયાં હતાં.

ફિલ્મના લેખક બિમલ મિત્ર એક ઇન્ટરવ્યુમાં કહે છે, ‘એ પ્રવાસમાં ગુરુ દત્ત અને વહીદા રહેમાન વચ્ચે કોઈ સંવાદ નહોતો. બન્ને એકમેકથી દૂર રહેતાં. ગુરુ દત્તે  પાસે રહેલી  ઊંઘની જેટલી ગોળી હતી એટલી વાપરી નાખી પણ બર્લિનના ચાર દિવસના રોકાણ દરમિયાન તેમણે એક મટકું નહોતું માર્યું. મને કહે, ‘મને લાગે છે હું પાગલ થઈ જઈશ.’

એ જ પ્રવાસમાં સામેલ પ્રોડ્યુસર ડિરેક્ટર બી. આર. ચોપડા કહે છે, ‘બર્લિનથી મુંબઈની ફ્લાઇટમાં ગુરુ દત્ત એકલા છેલ્લી સીટ પર બેઠા હતા. સતત શરાબનું સેવન કરતા ગુરુ દત્તને જોઈ હું વિચારતો કે આ માણસ શારીરિક અને માનસિક રીતે પોતાનું સંતુલન ખોઈ ચૂક્યો છે. વહીદા રહેમાને તેની સાથે સંબંધ તોડી નાખવાનો જે નિર્ણય લીધો એની અત્યંત ખરાબ અસર તેમના પર પડી હતી.’

મુંબઈ આવ્યા બાદ પણ ગુરુ દત્ત અને ગીતા દત્તના સંબંધો નૉર્મલ ન થયા. વાત-વાતમાં ગીતા દત્ત કહેતી કે આ (પાલી હિલ પરનો) બંગલો અશુકનિયાળ છે. જ્યારથી એમાં રહેવા આવ્યા છીએ ત્યારથી આપણા સંબંધોમાં તિરાડ પડી છે. આ બંગલામાં ગુરુ દત્તે આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ નસીબજોગે બચી ગયા હતા.

એ સમયે એક નજીકના મિત્રે પૂછ્યું કે તમારી પાસે નામ, દામ, સિદ્ધિની કંઈ કમી  નથી તો આવું પગલું શા માટે લીધું? જવાબ મળ્યો, ‘હું જિંદગીથી નહીં, મારી જાતથી અસંતુષ્ટ છું. મારી કોઈ સામે ફરિયાદ નથી. મારી પાસે બધું છે, બસ એક ખૂણો નથી જ્યાં હું દિવસભરની થકાન  પછી શાંતિથી બેસીને બે શ્વાસ લઈ શકું.’

આલીશાન બંગલો અને અઢળક સુવિધાઓ હોવા છતાં ગુરુ દત્ત વહેલી સવારે સ્ટુડિયો પહોંચી જતા. સ્ટુડિયોની એક નાની કૅબિન તેમની ઘેરાયેલી આંખોનું આશ્રયસ્થાન હતું.

એક દિવસ બપોરે ગીતા દત્તે બંગલામાં તોડફોડના અવાજ સાંભળ્યા. જોયું તો થોડા માણસો બંગલાની એક દીવાલ તોડી રહ્યા હતા. તેણે ગુરુ દત્તને ફોન કર્યો. જવાબ મળ્યો. ‘એ લોકોને રોકતી નહીં. મેં જ દીવાલ તોડવાનું કહ્યું છે. થોડા દિવસમાં આ બંગલો તોડી નાખશે.’

‘તો પછી આપણે રહીશું ક્યાં?’

‘મેં હોટેલમાં રૂમ બુક કરી લીધા છે.’ શાંતિથી જવાબ આપતાં ગુરુ દત્તે કહ્યું, જાણે ફિલ્મનો એક સેટ કામ પતી  જાય પછી તોડી ન નાખવાનો હોય. હકીકત એ હતી કે આ કોઈ ફિલ્મનો સેટ નહીં, ગુરુ દત્તનું સપનું ચૂર-ચૂર થઈ રહ્યું હતું.

ગુરુ દત્તનાં મોટાં બહેન લલિતા લાજમીએ એ ઘટનાની વાત કરતાં મને કહ્યું, ‘બર્લિનથી પાછા  આવીને દસ દિવસમાં જ ગુરુ દત્તે આ નિર્ણય લીધો હતો. જે દિવસે બંગલો તોડવાની શરૂઆત થઈ એ તેનો જન્મદિવસ હતો. એ તેનું ઘર નહીં, ડ્રીમહાઉસ હતું. તેણે ગીતાની વાત માની, પણ અંદરથી તે તૂટી ગયો હતો.’

થોડા દિવસો બાદ રાઇટર બિમલ મિત્ર મુંબઈ આવ્યા. તેમણે ગુરુ દત્તને પૂછ્યું, ‘જે બંગલો આટલા પ્રેમથી બનાવ્યો એને તોડી નાખવાનો નિર્ણય કેમ કર્યો?’

‘સાચું કારણ જાણવું છે?’

‘હા, હા, મને સાચી વાત જાણવામાં જ રસ છે.’

ધીમા અવાજે ગુરુ દત્ત બોલ્યા, ‘ગીતાને કારણે.’

બિમલ મિત્ર કહે, ‘હું સમજ્યો નહીં.’

સિગરેટનો ઊંડો કશ લેતાં ગુરુ દત્ત બોલ્યા, ‘જે ઘર કદી ઘર ન બની શકે એને તોડી નાખવું જ બહેતર છે. ઘર ના હોને કી તકલીફ સે ઘર હોને કી તકલીફ ભયંકર હોતી હૈ.’

ગુરુ દત્તની પીડા બિમલ મિત્ર સમજી શક્યા હશે એટલે તે ચૂપ થઈ ગયા. ગમે તેવું આલીશાન મકાન ત્યારે જ ઘર બને જ્યારે રહેવાસીઓને માટે એ સુખનું સરનામું બની જાય. જે ઘરમાં સંવાદને બદલે કેવળ વાતચીત થતી હોય છે એ મકાન ઘર કહેવાને લાયક નથી હોતું.

થોડા દિવસ હોટેલમાં રહ્યા બાદ દત્ત પરિવાર દિલીપ કુમારના બંગલોની સામે આવેલા ‘આશિષ’ બિલ્ડિંગમાં એક ભાડાના ફ્લૅટમાં રહેવા ગયો. બાળકોને એમ કે નવો બંગલો બનશે પણ સમય જતાં તેમને હકીકતનો અહેસાસ થયો. સૌને એમ હતું કે વહીદા રહેમાનની વિદાય બાદ હવે ગીતા અને ગુરુ દત્તના સંબંધો સામાન્ય થઈ જશે, પરંતુ નિયતિમાં બીજું જ કંઈક લખાયું હતું. સમય વીતતો હતો તેમ-તેમ પતિ-પત્ની વચ્ચેનું અંતર ઘટવાને બદલે વધતું જતું હતું. બન્ને વચ્ચે દલીલો, આક્ષેપો અને ઝઘડા થતા. મનમેળ થાય એવી સંભાવના નહીંવત્ હતી. પરિણામે થોડા મહિના બાદ સતત કલેશથી કંટાળીને ગુરુ દત્ત એકલા પેડર રોડ પર આર્ક રૉયલ અપાર્ટમેન્ટમાં ભાડેથી રહેવા ચાલ્યા ગયા. ગીતા દત્ત અને ત્રણ બાળકો માટે તેમણે મેહબૂબ સ્ટુડિયો પાસેના બિલ્ડિંગમાં એક ફ્લૅટ ભાડેથી લીધો.

લલિતા લાજમી મને કહે છે, ‘બંગલો તૂટવાની સાથે જ ગુરુ દત્તનું જીવન છિન્નભિન્ન થવાની શરૂઆત થઈ ચૂકી હતી. હવે તો પરિવાર સાથેનો નાતો પણ તૂટી ગયો. કોઈ મિત્રો નહોતા. હતી કેવળ એકલતા. વ્યક્તિગત રીતે ગીતા અને ગુરુ બન્ને મારાં પ્રિય હતાં પરંતુ એ બન્ને સાથે રહી શકે એમ નહોતાં. હું બધું જાણતી હતી અને તેમ છતાં નિસહાય હતી.’

એકલતા અને એકાંત વચ્ચે બહુ મોટો તફાવત છે. ભરી મહેફિલમાં પણ તમે બેચેન હો તો એ એકલતા છે. મેદનીથી દૂર જાત સાથે જલસો કરનારને એકાંતનો મહિમા સમજાય છે. જ્યારે જાત સાથે જ ઝઘડો હોય ત્યારે એકલતા ભરડો લઈ લે. જાત સાથે જોડાણ થઈ જાય તેને જ એકાંતનું અમૃત માણવાનો મોકો મળે. એકલતા એક શ્રાપ છે જ્યારે એકાંત એક વરદાન છે.   ગુરુ દત્તે પોતાની રીતે જીવવાનું શરૂ કર્યું. પણ જાત સાથેનું સમાધાન દૂર જ રહ્યું.

એક દિવસ તેમને જૂના મિત્રની યાદ આવી. એ ઘટના યાદ કરતાં દેવ આનંદ કહે છે, ‘અમે મિત્રો હતા પણ જેમ-જેમ અમે અમારી કારકિર્દીમાં આગળ વધતા ગયા તેમ-તેમ અમારી વાતચીત અને મુલાકાતો ઓછી થતી ગઈ. લાંબા સમય સુધી અમારી મુલાકાત ન થાય.  અચાનક એક દિવસ અડધી રાતે ગુરુનો ફોન આવ્યો. કહે, ‘એક જબરદસ્ત આઇડિયા આવ્યો છે. તારી સાથે  ફિલ્મ બનાવવી છે. કાલે મળવા આવું છું.’

બીજા દિવસે તે આવ્યો અને પાછલી રાતે જે વાતો થઈ એને બદલે બીજી જ વાતો કરવા લાગ્યો. ત્યાર બાદ મહિનાઓ સુધી તેનો પત્તો નહોતો.’

કદાચ ગુરુ દત્તના મનમાં દેવ આનંદ સાથે કોઈ ફિલ્મ કરવાનો વિચાર જ નહોતો. શક્ય છે કે તે જૂના મિત્ર સાથે દિલ ખોલીને વાત કરવા આવ્યા હશે પણ કહેતાં સંકોચ થયો હશે. પોતાની એકલતાની વાત કરી મિત્રની સહાનુભૂતિ ઉઘરાવવાની તૈયારી નહોતી કે પછી એકલા જ ઘૂંટાઈને પીડા ભોગવવાની આદત હતી એ કહેવું મુશ્કેલ છે.

નસીબજોગે તેમના હાથમાં બહારની ફિલ્મો હતી જેમાં મુખ્ય હતી કે. આસિફની ‘લવ ઍન્ડ ગૉડ’, જે લયલા મજનૂની પ્રેમકહાની પર આધારિત હતી. એ સિવાય ગુરુ દત્ત ફિલ્મ્સની ‘બહારેં ફિર ભી આએગી’ની શરૂઆત થઈ ચૂકી હતી. એની સ્ક્રિપ્ટ ડિસ્કસ કરવા અબ્રાર અલવી તેમને અવારનવાર મળવા આવતા. એક ઇન્ટરવ્યુમાં તે કહે છે, ‘એક દિવસ ગુરુ દત્ત અચાનક મને કહે, ‘તને ખબર છે, કોઈ પણ માણસ ઊંઘની ગોળીઓ લઈને આપઘાત ન કરી શકે. જ્યાં સુધી તમે પૂરતા પ્રમાણમાં ગોળી લો એ પહેલાં તો તમને ઊલટી થઈ જાય. એ તો તમારે મા એક બાળકને જેમ દવા પીવડાવે એમ ભૂકો કરીને પાણીમાં ઓગાળીને લેવી જોઈએ.’

અબ્રાર અલવીને ત્યારે કલ્પના નહોતી કે જાણે-અજાણે ગુરુ દત્ત પોતાના આયુષ્યના અંતિમ અધ્યાયની પ્રસ્તાવના લખી રહ્યા હતા. એ વાત આવતા રવિવારે. 

guru dutt bollywood entertainment news bollywood buzz bollywood news bandra pali hill columnists gujarati mid day mumbai relationships suicide indian films