23 May, 2025 06:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મનો સીન
અમિતાભ બચ્ચન અને રેખાની ગણતરી બૉલીવુડની સુપરહિટ ઑન-સ્ક્રીન જોડી તરીકે થાય છે. બન્નેની ઑન-સ્ક્રીન કેમિસ્ટ્રીને કારણે રિયલ લાઇફમાં તેમના અફેરની પણ ખૂબ ચર્ચાઓ થઈ હતી. અમિતાભ બચ્ચને ક્યારેય રેખા સાથેના તેમના સંબંધને સ્વીકાર્યો નથી, પરંતુ રેખાએ હંમેશાં પોતાના પ્રેમનો ઇઝહાર કર્યો છે. એક વખત ઇન્ટરવ્યુમાં રેખાએ એ ઘટના જણાવી હતી જેના પછી અમિતાભે તેની સાથે કામ કરવાની ના પાડી દીધી હતી.
આ વાત ૧૯૭૮ના સમયની છે જ્યારે અફેરની અફવાઓ વચ્ચે અમિતાભ અને રેખાની જોડી પ્રકાશ મેહરા દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ફિલ્મ ‘મુકદ્દર કા સિકંદર’માં સાથે જોવા મળી હતી. રિલીઝ પહેલાં ફિલ્મનું એક સ્ક્રીનિંગ થયું હતું જેમાં અમિતાભની પત્ની જયા બચ્ચન અને તેમનો પરિવાર પણ સામેલ હતો. રેખાએ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે ફિલ્મના સ્ક્રીનિંગ દરમિયાન તેમણે જયા બચ્ચનને તેના અને અમિતાભના રોમૅન્ટિક સીન વખતે રડતાં જોયાં હતાં.
ઇન્ટરવ્યુમાં રેખાએ કહ્યું હતું કે ‘અમિતાભ સપરિવાર ‘મુકદ્દર કા સિકંદર’નો ટ્રાયલ શો જોવા આવ્યા હતા. અમિતાભ અને તેમનો પરિવાર તો જયાની બરાબર પાછળ બેઠા હતા. તેઓ જયાને બરાબર જોઈ શકતા નહોતા, પણ હું તેમને જોઈ શકતી હતી. મેં અમારા લવ-સીન દરમ્યાન તેમની આંખોમાં આંસુ જોયાં. આ ઘટનાના બરાબર એક અઠવાડિયા પછી મને ખબર પડી હતી કે અમિતાભ બચ્ચને નિર્માતાઓને કહી દીધું હતું કે તેઓ મારી સાથે કામ નહીં કરે.’
જોકે ૧૯૮૧માં ફિલ્મ ‘સિલસિલા’માં રેખા, અમિતાભ અને જયાએ સાથે કામ કર્યું હતું. એવું કહેવાય છે કે આ ફિલ્મ આ ત્રણેયના વાસ્તવિક જીવન પર આધારિત હતી.