બૉલિવૂડ ફિલ્મ વિવેચક રાશિદ ઈરાનીનું નિધન, બાથરુમમાંથી બે દિવસ બાદ મળ્યો મૃતદેહ

03 August, 2021 03:16 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

બૉલિવૂડના જાણીતા ફિલ્મ વિવેચક રાશિદ ઈરાનીનું નિધન થયું છે. 74 વર્ષીય રશીદ ઈરાની સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે ઝઝુમી રહ્યા હતાં.

રાશિદ ઈરાની

બૉલિવૂડના જાણીતા ફિલ્મ વિવેચક રાશિદ ઈરાનીનું નિધન થયું છે.  સોમવારે તેમનો મૃતદેહ તેમના ઘરેથી મળી આવ્યો હતો. 74 વર્ષીય રાશિદ ઈરાની સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે ઝઝુમી રહ્યા હતાં.રાશિદ ઈરાનીના મૃત્યુની જાણ તેમના નજીકના મિત્ર રફીક ઈલ્યાસે કરી છે. તેમણે કહ્યું છે કે રશીદ ઈરાનીનું 30 જુલાઈના રોજ અવસાન થયું હતું, પરંતુ તેમના મૃત્યુની જાણ સોમવારે 2 ઓગસ્ટના રોજ થઈ.

રફીક ઇલ્યાસે કહ્યું હતું, `આ ખૂબ જ દુઃખદ સમાચાર છે. શુક્રવારે સવારે બાથરૂમમાં સ્નાન કરતી વખતે તેમનું મૃત્યુ થયુ. શુક્રવારથી તે પ્રેસ ક્લબ અથવા તે સ્થળે જોવા મળ્યા નહીં જ્યાં તે સામાન્ય રીતે નાસ્તો કરતા હતા. અમે બધાએ વિચાર્યું કે તે શહેરની બહાર છે, તેથી અમે તેની રાહ જોઈ અને વિચાર્યું કે તે રવિવારે રાત્રે પાછો આવશે, પરંતુ બાદમાં આ સમાચાર સાંભળી અમે આશ્ચર્યમાં મુકાય ગયા. બાદમાં અમે પોલીસને બોલાવી અને બાથરુમનો દરવાજો તોડ્યો તો તેમનો મૃતદેહ મળી આવ્યો.

આ સાથે જ મુંબઈ પ્રેસ ક્લબે પણ સોશિયલ મીડિયા મારફતે રાશિદ ઈરાનીના મોતની માહિતી આપી છે. પ્રેસ ક્લબે તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ દ્વારા રાશિદ ઈરાનીના મૃત્યુ અંગે માહિતી આપી હતી.  પ્રેસ ક્લબે એક નિવેદનમાં કહ્યું કે, `દેશના સૌથી સફળ ફિલ્મ વિવેચકોમાંના એક રાશિદ ઈરાનીનું 30 જુલાઈએ ઘરે નિધન થયું. તે 2-3 દિવસથી જોવા મળ્યા ન હતા. તેમના મિત્રો ક્લબના અધિકારીઓ અને પોલીસ દ્વારા શોધખોળ કર્યા બાદ તેમનો મૃતદેહ તેમના ઘરેથી મળી આવ્યો હતો.

મુંબઈ પ્રેસ ક્લબના જણાવ્યા અનુસાર, રાશિદ ઈરાની ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, હિન્દુસ્તાન ટાઈમ્સ અને વેબસાઈટ સ્ક્રોલ માટે ફિલ્મની સમીક્ષા કરતા હતા અને મુંબઈ પ્રેસ ક્લબ સોસાયટીના આધારસ્તંભ હતા. રશીદ ઈરાનીના નિધનથી બૉલિવુડ ફિલ્મ ઉદ્યોગમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. ઘણા ફિલ્મ સ્ટાર્સ અને સેલિબ્રિટીઝે તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. જાણીતા ફિલ્મ નિર્માતા કરણ જોહરે પણ સોશિયલ મીડિયા પર રશીદ ઈરાનીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

bollywood news entertainment news mumbai