10 June, 2023 12:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહિદ કપૂર
બ્લડી ડૅડી
કાસ્ટ : શાહિદ કપૂર, રૉનિત રૉય, સંજય કપૂર, ડાયના પેન્ટી અને રાજીવ ખંડેલવાલ
ડિરેક્ટર : અલી અબ્બાસ ઝફર
સ્ટાર : 3 સ્ટાર (ટાઇમ પાસ)
શાહિદ કપૂરની ‘બ્લડી ડૅડી’ હાલમાં જ જિયો સિનેમા પર રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં શાહિદ કપૂરે કામ કર્યું છે જેને અલી અબ્બાસ ઝફરે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં શાહિદની સાથે રૉનિત રૉય, સંજય કપૂર, ડાયના પેન્ટી અને રાજીવ ખંડેલવાલે પણ કામ કર્યું છે. આ ફિલ્મ ૨૦૧૧માં આવેલી ફ્રેન્ચ ફિલ્મ ‘સ્લીપલેસ નાઇટ’નું હિન્દી અડૅપ્ટેશન છે.
સ્ટોરી ટાઇમ
ફિલ્મની શરૂઆત કોવિડ-19ની બીજી વેવ બાદ લાઇફ ન્યુ નૉર્મલ થઈ હોય ત્યાંથી થાય છે. દિલ્હીના કૉનોટ પ્લેસ એરિયામાં બે જણ એક કાર પર હુમલો કરે છે, એમાં એક બૅગ હોય છે જેને તેઓ ચોરી લે છે. આ બૅગમાં ડ્રગ્સ હોય છે. આ ડ્રગ્સ સિકંદરનું પાત્ર ભજવતા રૉનિત રૉયનું હોય છે. આ બૅગ જેણે ચોરી હોય છે એ એનસીબી પોલીસ-ઑફિસર સુમૈરનું પાત્ર ભજવતો શાહિદ કપૂર છે. સિકંદરને ખબર પડે છે કે પચાસ કરોડ રૂપિયાનું ડ્રગ્સ સુમૈરે ચોરી કર્યું હોય છે. ત્યારે તે સુમૈરના દીકરાને કિડનૅપ કરે છે અને એના બદલામાં ડ્રગ્સ પાછું આપવાની ડિમાન્ડ કરે છે. સુમૈર આ ડ્રગ્સને તેના કલીગ પાસેથી લઈને સિકંદરને આપવા જાય છે. જોકે તેની સામે ઘણી નવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. તેણે એક નહીં, પરંતુ બે ટીમ સામે ફાઇટ કરવાની હોય છે અને પોતાના દીકરાને છોડાવવાનો હોય છે. આ દરમ્યાન એનસીબીમાં કામ કરતી અદિતિનું પાત્ર ભજવતી ડાયના પેન્ટી અને સિનિયર ઑફિસર સમીરનું પાત્ર ભજવતો રાજીવ ખંડેલવાલ પણ ડ્રગ્સના રૅકેટની તપાસ કરતા હોય છે. સુમૈર તેના દીકરા અથર્વને છોડાવી શકે કે નહીં અને છોડાવે તો કેવી રીતે એના પર આ ફિલ્મ છે.
સ્ક્રિપ્ટ અને ડિરેક્શન
અલી અબ્બાસ ઝફરે આ ફિલ્મને આદિત્ય બાસુ અને સિદ્ધાર્થ–ગરિમા સાથે મળીને લખી છે. તેમણે ફિલ્મની સ્ટોરીને ફાસ્ટ બનાવી છે પરંતુ એમાં બૅક સ્ટોરીનો સમાવેશ કરવાનું ચૂકી ગયા છે. કયું પાત્ર કેમ આવું છે અને એ કેમ આવો વ્યવહાર કરે છે એ દેખાડવાનું તેઓ ચૂકી ગયા છે. ફિલ્મ બે કલાકની છે અને સ્ટોરી ખૂબ જ સ્પીડમાં દોડે છે, પરંતુ એનો ગ્રાફ એક લેવલની ઉપર જતો નથી. આથી ફિલ્મને લઈને જે એક્સાઇટમેન્ટ હોવું જોઈએ એ દરેક વખતે લિમિટેડ રહે છે. ફિલ્મનો પ્લૉટ એકદમ સિમ્પલ છે અને એ એટલો જ સિમ્પલ આગળ પણ વધે છે. અલીની યુએસપી ઍક્શન છે, પરંતુ અહીં એટલી જોરદાર ઍક્શન પણ નથી. આ દેસી જૉન વિક છે એ દેખાઈ આવે છે. અલીએ ફિલ્મની શરૂઆતમાં કોવિડને લઈને કેટલાક મેસેજ આપ્યા છે, પરંતુ એને ફિલ્મ સાથે કોઈ લેવાદેવા નથી. ૩૬ દિવસમાં શૂટ થયેલી આ ફિલ્મને લઈને અલીએ ઉતાવળ કરી હોય એવું દેખાઈ આવે છે. તેણે સ્ટોરીને પૂરી રીતે પકાવવાની જરૂર હતી, ઉપરછલ્લી છોડવાથી ફિલ્મની મજા ઓછી થઈ ગઈ છે. જોકે સ્ટોરીમાં કેટલાંક દૃશ્યો ખૂબ જ સારાં છે, જેમ કે કિચનની ફાઇટ હોય કે પછી રૉનિત રૉય કે શાહિદ કપૂરનું ફ્ર્સ્ટ્રેશન હોય; તેઓ તેમના ચહેરા દ્વારા તેમના ફ્રસ્ટ્રેશનને દર્શકો સુધી પહોચાડવામાં સફળ થયા છે. જોકે ફિલ્મનો માઇનસ પૉઇન્ટ એ છે કે ફિલ્મનું નામ ભલે ‘બ્લડી ડૅડી’ આપવામાં આવ્યું હોય, પરંતુ વચ્ચે-વચ્ચે શાહિદ અને રાજીવ ખંડેલવાલ બન્નેની બૉડી પર જે બ્લડ હોય એ ગમે ત્યારે સાફ થઈ જાય છે અને ગમે ત્યારે ફરી આવી જાય છે એ થોડું વિચિત્ર લાગે છે. ડાયલૉગ ખૂબ જ લિમિટેડ છે, પરંતુ ઘણી જગ્યાએ હ્યુમર ફેલાવી જાય છે. એમ છતાં ક્લાઇમૅક્સ શું હશે એનું પ્રિડિક્શન કરવું મુશ્કેલ નથી. અલીએ સ્ટોરી, સ્ક્રીનપ્લે, મેકઅપ અને ઍક્શન દરેક ડિપાર્ટમેન્ટમાં કસર છોડી છે. આ ફિલ્મને ચોક્કસ બજેટમાં બનાવવામાં આવી હોવાથી એના પર વધુ ધ્યાન નથી અપાયું એવું વધુ લાગે છે. શાહિદ પોલીસ-ઑફિસર હોવા છતાં એટલો પાવરફુલ નથી લાગતો.
પર્ફોર્મન્સ
શાહિદ કપૂર દેસી જૉન વિક લાગી રહ્યો છે. ‘જૉન વિક’ ફિલ્મમાં શરૂથી લઈને અંત સુધી જોરદાર ઍક્શન જોવા મળે છે. ‘બ્લડી ડૅડી’ના ટ્રેલરમાં પણ એવું જ લાગ્યું હતું, પરંતુ આ ફિલ્મમાં ધારવા જેટલી ઍક્શન નથી. શાહિદે એક ઍન્ગ્રી પોલીસ ઑફિસરનું કામ ખૂબ જ સારી રીતે કર્યું છે. જોકે તેને આ રીતનો ગુસ્સો કરતાં અગાઉ ‘ઉડતા પંજાબ’, ‘કબીર સિંહ’ અને ‘ફર્ઝી’માં જોઈ ચૂક્યા છીએ. શાહિદ ફુલી ઍક્શન ફિલ્મ કરવા માટે સક્ષમ છે એ વાત તેણે આ ફિલ્મ દ્વારા સાબિત કરી દીધી છે. જોકે કમજોર સ્ક્રિપ્ટને કારણે તે તેની ઍક્ટિંગ ક્ષમતામાં નવીનતા નથી લાવી શક્યો. રૉનિત રૉય ઉમદા ઍક્ટર છે, પરંતુ તે પણ અહીં રિસ્ટ્રિક્ટેડ છે. તે સારો માણસ છે કે ખરાબ માણસ એનું પણ કન્ફ્યુઝન ઊભું કરવામાં આવ્યું છે. સંજય કપૂર લિમિટેડ સ્ક્રીન-ટાઇમમાં છે, પરંતુ તે જ્યારે આવે છે ત્યારે તેને જોવાની મજા આવે છે. જોકે રૉનિત અને સંજય બન્નેનાં પાત્રને વેડફી કાઢવામાં આવ્યાં છે એમ કહેવું પણ ખોટું નથી. રાજીવ ખંડેલવાલ જ્યારે ઍક્શન કરે છે ત્યારે તેને જોવાની એટલી મજા નથી આવતી. ડાયના પેન્ટી પાસે કોઈ ખાસ કામ નથી, પરંતુ દરેક લાઉડ કૅરૅક્ટરની વચ્ચે તે એક શાંત પાત્ર છે અને એની ઇમ્પૅક્ટ ફિલ્મ પર પડી છે.
આખરી સલામ
શાહિદ કપૂરને લઈને કોઈએ ફુલ ઍક્શન ફિલ્મ બનાવવી જોઈએ જેમાં તે આલ્કોહૉલિક ન હોય અથવા તો ડ્રગ્સનું સેવન કરતો ન હોય. તેને એક જ સરખા પાત્રમાં જોવાનું હવે બોરિંગ થઈ રહ્યું છે.